સંઘ : જૈન અને બૌદ્ધ ધર્મમાં પ્રચલિત શબ્દ. ‘સંઘ’ શબ્દના શબ્દ-કોશોમાં ત્રણ અર્થ જોવા મળે છે, જ્યાં (1) સમૂહ, ટોળું. (2) એકીસાથે રહેતો માનવસમૂહ. (3) સતત સંપર્ક. ‘ભૂતવિશેષસંઘ’, ‘ગંધર્વયક્ષાસુરસંઘ’, ‘મહર્ષિસિદ્ધસંઘ’, ‘સિદ્ધસંઘ’, ‘સુરસંઘ’ અને ‘અવનિપાલસંઘ’ જેવા શબ્દો અનુક્રમે ગીતાના 11, 15 22 22 36 21 26 શ્લોકોમાં આવે છે. આમાં ‘ભૂતવિશેષસંઘ’માં સચેતન પ્રાણીઓ પણ સૂચિત જણાય છે. બાકીના દ્વિપાદ માનવો જ છે. આમ, એ લોકસમૂહનો ખ્યાલ આપે છે. પેલું સંસ્કૃત સુભાષિત ઠ્ઠદ્વઉહ્ર ટ્ટપ્રૂ: ઇંઝ્હૃ જારૂઈંહ્ર કળિયુગમાં લોક ‘સમૂહ’ના રૂપમાં રહે એ સારી શક્તિ કે સાચું બળ છે. ભારતીય ઉપખંડમાં બૌદ્ધ પંથ(સંપ્રદાય-માર્ગ-ફિરકો)નો ઝડપથી વિકાસ થયો ત્યારે ‘બૌદ્ધ સંઘ’ બૌદ્ધોના સમૂહ માટે વ્યાપક બન્યો. જૈન પંથનો વિકાસ પણ સમ-સામયિક છે. પણ ‘જૈન-સંઘ’ વ્યાપક સંજ્ઞા બની નહિ, પરંતુ યાત્રા વગેરે નીકળે ત્યારે તે માટે ‘સંઘ’ શબ્દ રૂઢ થયેલો જોવા મળે છે.
જૈન ધર્મમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર અંગોને સંઘ કહે છે. વળી ઋષિ, યતિ, મુનિ અને અનાગાર એ ચાર જાતના સાધુઓના સમૂહને પણ ‘સંઘ’ એવા નામથી ઓળખવામાં આવે છે. એ સાધુઓમાં ઋદ્ધિ ધારણ કરનારને ઋષિ, ઇન્દ્રિયો પર કાબૂ રાખનારને યતિ, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય તેને મુનિ અને ઘર છોડી ગયેલા ત્યાગીને અનાગાર એવાં નામો આપવામાં આવ્યાં છે. સંઘનો એક અર્થ પ્રજાસત્તાક રાજ્ય એવો પણ છે.
કે. કા. શાસ્ત્રી