સંઘ (વનસ્પતિશાસ્ત્ર, association) : વનસ્પતિસમાજના વર્ગીકરણ ક્લિમેંટ્સ(1916)ની પદ્ધતિનો એક એકમ. ક્લિમેંટ્સના મત પ્રમાણે, વનસ્પતિ-સામાજિક (phytosociological) દૃષ્ટિએ, વનસ્પતિ-સમાજમાં મુખ્યત્વે ચાર એકમો જોવા મળે છે : (1) વનસ્પતિ સમાસંઘ (plant formation), (2) સંઘ, (3) સંસંઘ (consociation) અને (4) સમાજ (society). આ પદ્ધતિમાં જાતિની પ્રભાવિતા અને અનુક્રમને મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવેલ છે.

સમાસંઘ : વનસ્પતિ સમાસંઘ એ કોઈ પણ આબોહવાકીય પરિસ્થિતિમાં વિકાસ પામેલ પરાકાષ્ઠા કે ચરમાવસ્થાનો તબક્કો છે અને તેનો વિસ્તાર વિશાળ હોય છે; (દા.ત., પાનખરના જંગલનો સમાસંઘ) આવા વનસ્પતિ સમાસંઘમાં પ્રભાવિતા ધરાવતી બે કે તેથી વધારે વનસ્પતિ-જાતિઓના નાના વનસ્પતિ સમાજ આવેલા હોય છે; જેમને સંઘ કહે છે. કોઈ પણ વનસ્પતિ સમાસંઘમાં આવેલા સંઘોની સંખ્યા, તે સ્થાનની સામાન્ય આબોહવામાં રહેલા ઉપઆબોહવાકીય પ્રકારો પર નિર્ભર હોય છે. આમ સંઘ દેખાવ, રચના અને વાનસ્પતિક પ્રકારોની દૃષ્ટિએ વધુ એકરૂપતા અને સમાનતા ધરાવે છે. એક જ વનસ્પતિ સમાસંઘમાંના સંઘો તેના વાનસ્પતિક પ્રકારોમાં ભિન્નતા ધરાવે છે. સંઘના વિકાસના વિવિધ તબક્કાઓમાં જોવા મળતા વાનસ્પતિક સમાજોને સહસંઘકો (associes) કહે છે. ક્યારેક આબોહવામાંનાં કોઈક પરિબળોના સ્થાનિક ફેરફારોને કારણે નીચે મુજબના બે પેટા પ્રકારો વિકાસ પામે છે.

(1) ઉપસહસંઘ (faciation) : સામાન્ય આબોહવાકીય સ્થિતિમાંના તાપમાન અને જમીનના ભેજના નાના સરખા તફાવતને કારણે સંઘનો આ સ્થાનિક પ્રકાર અસ્તિત્વમાં આવેલ છે. અહીં પણ સંઘની જેમ જ બે કે તેથી વધારે જાતિઓની પ્રભાવિતા જોવા મળે છે. સંઘની સામાન્ય આબોહવા કરતાં અહીં તાપમાન, બાષ્પીભવનનું પ્રમાણ, પાણીની ઉપલબ્ધિ અંગેના ફેરફારો વગેરે ભિન્ન હોય છે. ઉપસહસંઘના વિકાસના તબક્કાઓ દરમિયાન જોવા મળતા વાનસ્પતિક સમાજોને ઉપસહસંઘકો (facies) કહે છે.

(2) સ્થાનિક સંઘ (lociation) : સંઘમાંના સ્થાનિક ફેરફારોને કારણે કેટલીક મુખ્ય ઉપ-પ્રભાવી (sub-dominant) અને મુખ્ય દ્વિતીયક વનસ્પતિ-જાતિઓ બદલાય છે અને આ સંદર્ભમાં તે સંઘથી અલગ પડે છે. સ્થાનિક સંઘના વિકાસના તબક્કાઓ દરમિયાન જોવા મળતા વાનસ્પતિક સમાજોને સ્થાનિક સંઘકો (locies) કહે છે.

પૂર્વ હિમાલયના ઉષ્ણકટિબંધીય વનસ્પતિસમૂહમાં Shorea, Terminalia અને Garuga  આ ત્રણેય પ્રભાવી પ્રજાતિઓ સંઘ રચે છે. હિમાલયનાં સમશીતોષ્ણીય જંગલોમાં દેવદાર (cedrus deodeara) અને ચીડ(pinus excelsa)નો સંઘ જોવા મળે છે.

ગજેન્દ્ર ગોસાંઈ