સંગ્રહ : વર્ષ દરમિયાન અથવા ચોક્કસ ઋતુમાં ઊભી થતી માગ(demand)ને અનુરૂપ માલનો પુરવઠો (supply) જાળવી રાખવા માટે વિકસાવેલો ઉપાય. બધી જંગમ ચીજો તેના મૂળ સ્વરૂપમાં માગવામાં આવે ત્યારે અને તેટલી મળી શકે તે પ્રમાણે સાચવવી એટલે સંગ્રહ. આજે જે ઉત્પાદન થાય છે તે માંગની અપેક્ષાએ થાય છે. પ્રથમ માંગ ઊભી થાય અને પછી ઉત્પાદન થાય એને બદલે ઉત્પાદિત વસ્તુની માંગ ઊભી કરવાના પ્રયત્નો થાય છે અને તે માટે વિજ્ઞાપનનો આશરો લેવામાં આવે છે. ઉત્પાદન અને વપરાશ વચ્ચે સમયગાળો હોય છે. આ સમયગાળા દરમિયાન ઉત્પાદિત વસ્તુને સાચવી રાખવી પડે છે. એની ગુણવત્તા, રંગ, રૂપ, રસ, દેખાવ અને ગંધને તેમજ સુરક્ષાને અસર ન થાય તે રીતે રાખવી પડે છે. આ માટે ચીજવસ્તુના સંગ્રહની જરૂરિયાત ઊભી થાય છે.
કેટલીક વસ્તુઓનું ઉત્પાદન બારેય માસ થાય છે અને તેનો વપરાશ પણ બારેય માસ થાય છે; જેમ કે, સાબુ, દવા, ફર્નિચર વગેરે. આ માટે કાચો માલ, અર્ધતૈયાર માલ અને તૈયાર માલનો સંગ્રહ કરવો પડે છે.
કેટલીક વસ્તુઓનું ઉત્પાદન આખું વર્ષ થાય છે, પણ વેચાણ ચોક્કસ ઋતુમાં થાય છે; જેમ કે, રાખડી, છત્રી, ગરમ કપડાં વગેરે. આ માટે વર્ષ દરમિયાન ઉત્પાદિત માલનો સંગ્રહ કરવો જરૂરી બને છે.
કેટલીક વસ્તુનું ઉત્પાદન અમુક ચોક્કસ ગાળા દરમિયાન જ થાય છે, જ્યારે તેનું વેચાણ બારેય માસ થાય છે; જેમ કે, ખાંડ. ચોક્કસ ગાળામાં ઉત્પાદિત માલનું આખા વર્ષ દરમિયાન વેચાણ કરવા માટે તેના સંગ્રહની જરૂરિયાત રહે છે.
ભાવસ્થિરતા જાળવવા માટે પણ માલનો સંગ્રહ કરવામાં આવે છે. જો સંગ્રહની વ્યવસ્થા ન હોય તો ઉત્પાદકે બધો જ માલ બજારમાં મૂકી દેવો પડે છે. બજારમાં માંગ કરતાં પુરવઠો વધતાં ભાવ ખૂબ નીચા જાય છે. તેનાથી વિપરીત પરિસ્થિતિમાં માંગ વધુ હોય અને બજારમાં પુરવઠો ન મુકાય તો ભાવ ઊંચા જાય છે. આમ ઉત્પાદક અને ગ્રાહકના હિતમાં માલનો સંગ્રહ કરવામાં આવે છે.
વિદેશથી માલની આયાત થાય ત્યારે (i) તમામ માલ એકસાથે લઈ ન જવો હોય તો, (ii) માલ પર જકાત ભરવાની સુવિધા ન હોય તો અથવા (iii) માલની પુન: નિકાસ કરવાની હોય ત્યારે બંદર પર જ માલના સંગ્રહની સુવિધા ઊભી કરવામાં આવે છે.
જથ્થાબંધ વેપારીઓ ઉત્પાદક પાસેથી માલ ખરીદે અને છૂટક વેપારીઓને પહોંચાડે છે. વચગાળાના સમયમાં માલના સંગ્રહની જરૂરિયાત ઊભી થાય છે. સંગ્રહ કરેલા માલની કિંમત નિર્ધારણ માટે મુખ્યત્વે પહેલા આવે તે માલ પહેલા જાય (first in first out, FIFO) છેલ્લે આવે તે માલ પહેલા જાય (last in first out, LIFO) કે પહેલા અને છેલ્લા આવેલ માલના જથ્થા અનુસાર સરેરાશના આધારે જે પડતર આવે તે પડતર પદ્ધતિઓ પૈકીની કોઈ એક પદ્ધતિનો ઉપયોગ થાય છે.
અશ્વિની એમ. કાપડિયા