સંગીત સંકલ્પ (સંસ્થા) : ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસાર તથા ઊગતા શાસ્ત્રીય સંગીતકારોને સક્રિય પ્રોત્સાહન પૂરી પાડતી અખિલ ભારતીય સ્તરની સંસ્થા. સ્થાપના 22 જાન્યુઆરી 1989. મુખ્ય મથક દિલ્હી ખાતે. તેના ચાર મુખ્ય ઉદ્દેશો છે : (1) શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં સતત માન્યતા અને ખ્યાતિ પ્રાપ્ત કરવા ઇચ્છતા તથા સ્વાર્પણની ભાવના ધરાવતા કલાકારો અને વિદ્યાર્થીઓને તેમની કલા અને આવડતનું જાહેર પ્રદર્શન કરવા સારુ મંચ પૂરો પાડવો. (2) શાસ્ત્રીય સંગીતનાં સૈદ્ધાંતિક અને પ્રયુક્ત પાસાંઓનું અધ્યયન, મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ કરવા માટે પરિસંવાદો, ચર્ચાસભાઓ, જૂથબેઠકો અને સંમેલનોનું આયોજન કરવું અને તેનાં દ્વારા શાસ્ત્રીય સંગીતની ખૂબીઓ અને સમસ્યાઓ પર પ્રકાશ પાડવો. (3) સંગીતકારો, સંગીતપ્રેમીઓ કે ચાહકો તથા કલાકારો એકબીજાના સંપર્કમાં આવી શકે તે માટે મંચ પૂરો પાડવો અને તેના દ્વારા સંગીતકલાનાં વૃદ્ધિ અને વિકાસને મદદરૂપ થવું તથા શ્રોતાઓ સાથે પ્રત્યક્ષ સંપર્ક સાધવાના પ્રયાસ કરવા. (4) ‘સંકલ્પ’ના પ્રતિભાસંપન્ન કલાકારો પોતાની કલા અને આવડતનું પ્રતિષ્ઠિત અને ખ્યાતિપ્રાપ્ત સંગીત-સમારોહોમાં પ્રસ્તુતીકરણ કરી શકે તે માટે પ્રયત્નશીલ થવું.
વર્ષ 2006ના મધ્યમાં ‘સંગીત સંકલ્પ’ની દેશભરમાં આશરે 90 શાખાઓ સક્રિય રીતે કાર્યરત હતી. આ સંસ્થા ‘સંગીત સંકલ્પ’ શીર્ષક હેઠળ એક વાર્ષિક સામયિક પણ પ્રકાશિત કરે છે, જેમાં સંગીતના ક્ષેત્રને લગતી સમસ્યાઓ, મુશ્કેલીઓ તથા અગ્રણી સંગીતકારોના વિચારોને પૂરતું સ્થાન આપવામાં આવે છે. દર બે વર્ષે સંગીત સંકલ્પની વિવિધ શાખાઓના પ્રતિનિધિઓનું સંમેલન આયોજિત કરવામાં આવે છે, જેમાં સંસ્થાની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવે છે અને મુક્ત ચર્ચાવિચારણા દ્વારા ભવિષ્યની યોજનાઓ ઘડી કાઢવામાં આવે છે.
અત્યાર સુધીનાં તેનાં અઢાર વર્ષમાં (1989-2006) શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં તેના નેજા હેઠળ થયેલી પ્રવૃત્તિઓ પ્રશંસનીય રહી છે.
બાળકૃષ્ણ માધવરામ મૂળે