સંક્રમણ (સંક્રાંતિ) : સૂર્યનો કોઈ નિશ્ચિત રાશિમાં પ્રવેશ. જ્યોતિષશાસ્ત્રમાં સામાન્ય રીતે ‘સંક્રમણ’ શબ્દ સૂર્યના કોઈ નિશ્ચિત રાશિપ્રવેશના સંદર્ભમાં વપરાય છે; જેમ કે સૂર્ય જ્યારે મકરરાશિના વિસ્તારમાં પ્રવેશે ત્યારે મકરસંક્રાંતિ થઈ ગણાય અને જ્યાં સુધી સૂર્ય મકરરાશિના વિસ્તારમાં હોય ત્યાં સુધી તે મકરસંક્રમણ કરતો કહેવાય. આકાશમાં ‘ક્રાંતિવૃત્ત’ એટલે કે રવિમાર્ગ(ecliptic circle)ના બાર સરખા વિભાગો, તે બાર રાશિ ગણાય. (વર્ષ દરમિયાન તારાઓના સંદર્ભે હરરોજ સૂર્યના બદલાતા જણાતા સ્થાનનો માર્ગ તે ક્રાંતિવૃત્ત અથવા રવિમાર્ગ કહેવાય છે.) આમ, વર્ષના બાર માસમાં સૂર્ય લગભગ દર મહિને એક રાશિનું સંક્રમણ કરતો જણાશે, જોકે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના વર્ષ દરમિયાન બદલાતા અંતરને કારણે સૂર્યની ગતિ એકધારી રહેતી નથી. એટલે વર્ષ દરમિયાન સૂર્ય દ્વારા વિવિધ રાશિઓના સંક્રમણના ગાળા એકસરખા નથી રહેતા. રાશિચક્રની શરૂઆત મેષ(Aries)થી થાય છે અને મીન(Pieces)થી તેનો અંત આવે છે, પરંતુ આ રાશિચક્રની સીમાઓ (30° વ્યાપની) ગણવા માટે બે અલગ પદ્ધતિઓ છે : સાયન અને નિરયન.
નિરયન પદ્ધતિમાં રાશિવિભાગોની સીમાઓ કેટલાક તારામંડળોના સંદર્ભમાં નક્કી કરેલી છે; જ્યારે સાયન પદ્ધતિમાં રાશિવિભાગો વસંતસંપાતબિંદુ(spring equinox)ના સંદર્ભમાં નક્કી કરાયેલ છે. વર્ષ દરમિયાન જે દિવસે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે તે દિવસે તેનું સ્થાન આકાશમાં વસંતસંપાતબિંદુએ હોય (21 માર્ચ) અને આ સ્થાનેથી સાયન મેષરાશિનો આરંભ ગણાય. પૃથ્વીની ભ્રમણધરીની દિશામાં પુરસ્સરણ(precession)ને કારણે જે 25,800 વર્ષના સમયગાળાનો આવર્તકાલીન (periodic) ફેરફાર થાય છે તેને કારણે તારાઓના સંદર્ભમાં આ વસંતસંપાતબિંદુ આકાશમાં ધીરે ધીરે પૂર્વ તરફ સરકે છે અને આ કારણે નિરયન પદ્ધતિના અને સાયન પદ્ધતિના રાશિવિભાગો વચ્ચે તફાવત સર્જાય છે અને સમય સાથે આ તફાવત વધતો જાય છે. 1700 વર્ષ પહેલાં જ્યારે આ વિભાગો નક્કી કરાયા ત્યારે બંને સરખા હતા. 1700 વર્ષ જેટલા ગાળામાં હવે આ બે વચ્ચે 24° જેટલો તફાવત સર્જાયો છે, જેને અયનાંશ કહેવાય છે. અયનાંશમાં દર વર્ષે ~ 50 આર્કસેકન્ડનો વધારો થતો રહે છે. આમ પંચાંગનો સંદર્ભ લે તો કોઈ પણ રાશિ માટે તે રાશિમાં સૂર્યની સંક્રાંતિની તારીખો નિરયન પદ્ધતિ અનુસારની સંક્રાંતિ અને સાયન પદ્ધતિ અનુસારની સંક્રાંતિ માટે લગભગ 24 જેટલો તફાવત દર્શાવશે.
સાયન રાશિચક્ર વસંતસંપાતબિંદુ સાથે સંકળાયેલ હોવાથી સૂર્યની સાયન રાશિ સંક્રાંતિની તારીખો હંમેશાં ઋતુચક્ર સાથે મેળમાં રહે. મેષ સંક્રાંતિ જે સાયન પદ્ધતિ અનુસાર 21 માર્ચના રોજ થાય છે, તે નિરયન પદ્ધતિ અનુસાર હાલના તબક્કે એપ્રિલની 13 તારીખે થાય છે અને દર 70 વર્ષે એક દિવસ લેખે મોડી થતી જાય છે. આ જ કારણસર હાલના તબક્કે નિરયન મકરસંક્રાંતિ જે 14 જાન્યુઆરીના રોજ ઊજવાય છે તે સાયન પદ્ધતિ અનુસાર 22 ડિસેમ્બરે થાય અને તે દિવસે વાસ્તવમાં સૂર્ય ઉત્તરગોળાર્ધમાં પ્રવેશે (અર્થાત્ વાસ્તવિક ઉત્તરાયન કહેવાય.). ઋતુચક્ર સાયન રાશિ સંક્રાંતિ સાથે બંધાયેલું હોઈને વસંતઋતુની શરૂઆત સૂર્યની સાયન મીનરાશિ સંક્રાંતિના દિવસે (20 ફેબ્રુઆરી) થતી ગણાય અને સાયન વૃષભસંક્રાંતિ(20 એપ્રિલ)થી ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ ગણાય.
સૌર પ્રણાલી અનુસારના વર્ષ(જે સૌર વર્ષ કહેવાય છે.)ની અવધિ સૂર્યના રાશિસંક્રમણ-ચક્ર દ્વારા નક્કી થાય છે અને લગભગ 365 દિવસ જેટલી હોય છે. એટલે કે આ સમયગાળે સૂર્ય ક્રાંતિવૃત્ત ઉપર રાશિસંક્રમણનું ચક્ર પૂરું કરે. સાયન અને નિરયન પદ્ધતિના તફાવતને કારણે નિરયન પદ્ધતિનું સૌર વર્ષ, સાયન પદ્ધતિના સૌર વર્ષ કરતાં 20 મિનિટ લાંબું હોય છે અને આમ આ બે પ્રકારનાં સૌર વર્ષો વચ્ચે 70 વર્ષે એક દિવસનો તફાવત સર્જાય છે. ભારતના ઘણા વિસ્તારો(જેવા કે તામિલનાડુ, કેરળ ઇત્યાદિ)માં નિરયન પદ્ધતિનું સૌર વર્ષ પ્રચલિત છે, ઈસુ સંવત સાયન પદ્ધતિ અનુસાર છે.
સૂર્યના રાશિસંક્રમણની જેમ અન્ય ગ્રહો માટેના રાશિસંક્રમણોની માહિતી પણ પંચાંગો(ephimeris)માં ઉપલબ્ધ હોય છે. શનિના ક્રમિક રાશિસંક્રમણો વચ્ચે આશરે 29 વર્ષ જેટલો લાંબો ગાળો હોય છે, જ્યારે ગુરુ માટે 12 વર્ષનો. અન્ય ગ્રહોના રાશિસંક્રમણો વચ્ચેના ગાળા પ્રમાણમાં ટૂંકા હોય છે. (રાહુ અને કેતુ, જે ગ્રહો નથી તેમને માટે 18 વર્ષનો ગાળો છે.) વળી જેને ‘જન્મકુંડળી’ કહેવાય છે તે વાસ્તવમાં જાતકના જન્મ સમય માટે કયા ગ્રહો કઈ રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે, તેમજ તે સમયે આકાશમાં આ રાશિઓનું સ્થાન શું છે તે દર્શાવતો નકશો જ છે !
જ્યોતીન્દ્ર ન. દેસાઈ