સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases)

January, 2007

સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases) : માનવવસ્તીમાં થતો રોગચાળો અને તેને અટકાવવા માટેનું વૈદ્યકીય શાખાનું પાયાનું વિજ્ઞાન. તેના દ્વારા રોગોનો ફેલાવો, તેનું નિયંત્રણ તેમજ માનવસ્વાસ્થ્ય અને જાહેર આરોગ્ય વિશેની જાણકારી મેળવવામાં આવે છે અને તેની મારફત સાવચેતીનાં પગલાં લેવામાં આવે છે.

આ વિદ્યાશાખાને અંગ્રેજીમાં epidemiology કહે છે, જેનો શબ્દશ: અર્થ છે  લોકોમાં ફેલાતા રોગચાળાનો અભ્યાસ.

જ્હૉન એમ. લાસ્ટ (John M. Last) નામના વૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા મુજબ નિશ્ચિત વસાહતો કે વસ્તીમાં સ્વાસ્થ્ય સંબંધી સ્થિતિઓ અને ઘટનાઓ થવાનો દર, તેનાં કારણોનો અભ્યાસ અને સ્વાસ્થ્ય-સમસ્યાના નિયંત્રણ માટે તેનું અમલીકરણ વગેરે વિવિધ બાબતોનો તેમાં સમાવેશ થાય છે.

તેમાં સંક્રામક (ચેપી) રોગો, લોકવસ્તીમાં સામાન્ય રીતે કાયમી જોવા મળતા રોગો, અકસ્માતો, માનસિક સ્વાસ્થ્ય, લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી સ્વાસ્થ્ય-સેવાઓનો અભ્યાસ અને તેની સ્વાસ્થ્ય-સુધારણા પર પડતી અસરોની માપણી વગેરે બાબતોને સમાવી લેવામાં આવે છે.

આમ, એકંદરે તે સમાજના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેનું વિજ્ઞાન છે.

આંતરરાષ્ટ્રીય વસ્તીરોગવિદ્યા સંગઠન(International Epidemiology Association, IEA)ના 3 મુખ્ય ઉદ્દેશો છે :

(ક) માનવવસ્તીમાં સ્વાસ્થ્ય અને રોગને લગતી સમસ્યાઓના ફેલાવા અને તેની ગંભીરતાનો અભ્યાસ કરવો.

(ખ) રોગ માટેનાં જવાબદાર પરિબળોની ઓળખ મેળવવી.

(ગ) રોગોની સારવાર, તેમનાં નિયંત્રણ અને પ્રતિરોધ માટેની સેવાઓનાં આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન માટે જરૂરી માહિતી પૂરી પાડવી.

તેના મુખ્ય ત્રણ ઘટકો છે : (1) સંક્રામક (infectious) રોગોના દરનો અભ્યાસ; (2) આ રોગોના ફેલાવાને લગતો અભ્યાસ અને (3) રોગ માટેનાં જવાબદાર પરિબળોનો અભ્યાસ.

ઉદયન બટુકભાઈ ભટ્ટ