સંકલ્પસ્વાતંત્ર્ય

January, 2007

સંકલ્પસ્વાતંત્ર્ય : સંકલ્પસ્વાતંત્ર્ય વિરુદ્ધ નિયતિવાદની સમસ્યા તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ વિવાદાસ્પદ બની રહેલી છે. ન્યૂટનના ભૌતિક વિજ્ઞાનની અસર હેઠળ આધુનિક વિજ્ઞાન પ્રકૃતિની હેતુવાદી સમજૂતી આપવાને બદલે યંત્રવાદી સમજૂતી આપે છે. યંત્રવાદ, ભૌતિકવાદ, કાર્ય-કારણ પર આધારિત નિયતિવાદ અને પ્રકૃતિવાદ  – આ બધા મતો સામાન્ય રીતે મનુષ્યને પણ એક યંત્ર માનીને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં માને છે. વિજ્ઞાનનો આ અભિગમ સ્વીકારીએ તો મનુષ્યનું બધું જ વર્તન, ક્રિયાઓ, નિર્ણયો કાર્ય-કારણ-સંબંધને સંપૂર્ણ અધીન છે એમ માનવું પડે. અહીં, પ્રશ્ન એ ઊભો થાય છે કે ઇરાદાઓ, ઇચ્છાઓ, મૂલ્યો, અર્થો વગેરેના લીધે થતા મનુષ્યના સભાન ઐચ્છિક વર્તનને કેવી રીતે સમજાવવું ? આમ, એક તરફ કાર્ય-કારણ-આધારિત નિયતિવાદ અને બીજી તરફ મનુષ્યની કાર્યની પસંદગીની સ્વતંત્રતા એ બંને વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય છે.

મનુષ્યને અનુભવાતા સંકલ્પસ્વાતંત્ર્યનો વિચાર કરતાં પરસ્પરને વિરોધી બે ધારણાઓ ઉપસ્થિત થાય છે : (1) કાર્ય-કારણ-આધારિત નિયતિવાદ જે એમ માને છે કે જગતમાં જે કંઈ ઘટનાઓ બને છે તેની પાછળ તે ઘટનાઓ બનવા માટેનાં પર્યાપ્ત પુરોગામી કારણો અવશ્ય હોય છે અને (2) અનુભવોથી મનુષ્યને જણાયું છે કે તેની પાસે નિર્ણય કરવાની પસંદગી છે. અર્થાત્ સંકલ્પસ્વાતંત્ર્ય છે.

સંકલ્પસ્વાતંત્ર્ય અંગેના મનુષ્યના અનુભવોને આધારે કહી શકાય કે મનુષ્યના પોતાના નિર્ણયોથી પ્રેરિત કાર્યો અને કાર્ય-કારણથી નિયત ક્રિયાઓ વચ્ચે ચોક્કસ ભેદરેખા છે. સામાન્ય રીતે તત્ત્વજ્ઞાનીઓ આ મુદ્દે બે વિચારધારાઓમાં વહેંચાયેલા છે. ઑગસ્ટાઇન, રૂસો, કીર્કગાર્ડ અને સાર્ત્ર વગેરે ચિંતકો ભારપૂર્વક સંકલ્પસ્વાતંત્ર્યને સ્વીકારી મનુષ્યની નૈતિક જવાબદારીના પ્રશ્નની ચર્ચા કરે છે. તો બીજી બાજુ હૉલ્સ, શોપનહોઅર, માર્ક્સ, ફ્રૉઇડ અને કેટલાક સમકાલીન ભૌતિકવાદી તત્ત્વચિંતકો કાર્ય-કારણ પર આધારિત નિયતિવાદનું સમર્થન કરે છે. પ્રાકૃતિક વિજ્ઞાનો પણ કાર્ય-કારણ નિયમને સ્વીકારીને જ આગળ વધે છે. વધુમાં આપણે પણ કોઈ પણ ક્રિયા પાછળ કારણનું ન હોવું એ બાબત સ્વીકારી શકતા નથી. આમ છતાં, આપણને થતો સ્વાતંત્ર્યનો અનુભવ ધ્યાનમાં લઈએ તો પ્રશ્ન એ છે કે મનુષ્યને ખરેખર સ્વાતંત્ર્ય છે કે પછી તેને સ્વાતંત્ર્ય અંગેની માત્ર ભ્રમણા જ થાય છે ? શોપનહોઅર, બકલ, બેરન, ડી. હૉલબૅક અને જ્હૉન હોસ્પર્સ જેવા નિયતિવાદીઓ એવી દલીલ કરે છે કે કાર્ય-કારણવાદ જ સત્ય છે. મનુષ્યને નૈતિક જવાબદારી જેવું કશું વાસ્તવમાં છે જ નહિ.

જોકે આ રીતે સંકલ્પસ્વાતંત્ર્ય અને નૈતિક જવાબદારીની સભાનતાને અવગણવી એ સમસ્યાનું સમાધાન નથી. સ્વાતંત્ર્યવાદીઓએ પોતાના સમર્થનમાં મુખ્ય બે દલીલો રજૂ કરી છે :

(1) વિચાર-વિમર્શ(deliberation)આધારિત દલીલ

(2) નૈતિક જવાબદારીની સભાનતા અંગેની દલીલ

1. વિચારવિમર્શ(deliberation)આધારિત દલીલ : મનુષ્યોના વર્તનનું ઇરાદાલક્ષી સ્પષ્ટીકરણ જ આપવું પડે છે. લગભગ દરેક માણસમાં એવો અનુભવ હોય છે કે પોતે પોતાની પસંદગીઓ માટે મુક્ત છે. સામાન્ય રીતે વ્યક્તિ કાર્ય કર્યા પછી એમ પણ વિચારે છે કે જો તેણે ધાર્યું હોત તો તે આ કાર્ય જુદી રીતે પણ કરી શકી હોત. આનો અર્થ એ કે માણસ વિકલ્પોની પસંદગી માટે મુક્ત છે. કોઈ એક જ વિકલ્પ તેને માટે પ્રથમથી નિયત થયેલ નથી; જેમ કે, અનૈચ્છિક ક્રિયા અને ઐચ્છિક ક્રિયાનો ભેદ સ્પષ્ટ છે. મારા ઘૂંટણની પ્રતિક્ષેપ-ક્રિયા અનૈચ્છિક છે; પણ ફૂટબૉલને પગેથી લાત મારવાની મારી ક્રિયા ઐચ્છિક છે. કાર્ય કરનાર વ્યક્તિ સમક્ષ વિકલ્પો હોય છે. અમુક વિકલ્પ નકારીને બીજો વિકલ્પ તે અપનાવી શકે છે અને પોતાની સમક્ષ ઉપસ્થિત વિકલ્પો વચ્ચે શેની પસંદગી કરવી તેનો વિચાર-વિમર્શ વ્યક્તિ કરી શકે છે. ધૂમ્રપાન છોડવું કે ન છોડવું, વ્યસન-મુક્ત થવું કે ન થવું, અમુક ઉમેદવારને મત આપવો કે ન આપવો, યાત્રાએ જવું કે ન જવું, આયકર કચેરીને પોતાની બધી આવક બતાવી દેવી કે કેટલીક આવક છુપાવવી – આવાં અનેક પસંદગીનાં દૃષ્ટાંતો વ્યક્તિ સ્વેચ્છાએ વિચારીને જાણી-જોઈને પોતે સભાનતાથી નિર્ણય કરી શકે છે તે દર્શાવે છે.

જોકે આની સામે નિયતિવાદીઓ એવી દલીલ કરે છે કે મનુષ્યને અનુભવાતી સ્વાતંત્ર્ય અંગેની લાગણી જ ભ્રામક છે; કારણ કે મનુષ્યના ઇરાદાઓ પણ કેટલાંક પૂર્વકારણોને લીધે ઘડાતા હોય છે. મનુષ્યની ચોક્કસ માન્યતાઓ અને ઇચ્છાઓ તેના નિર્ણયને પ્રભાવિત કરે છે. જો ઇચ્છાઓ અને માન્યતાઓ વ્યક્તિના સીધા નિયંત્રણમાં ન હોય તો તેના નિર્ણયો સંકલ્પસ્વાતંત્ર્યની નીપજ છે એમ કહી શકાય નહિ. મનુષ્યની કોઈ પણ ક્રિયા ઇચ્છાઓ અને ચોક્કસ માન્યતાઓની જ નીપજ હોય છે. માનસશાસ્ત્રીય નિયતિવાદીઓની દૃદૃષ્ટિએ જ્યાં મનુષ્ય ‘સ્વતંત્ર’ ઇચ્છાથી વર્તન કરે છે એવું માને છે ત્યાં પણ આંતરિક મનોવૈજ્ઞાનિક દબાણ હોય છે, જે અભાનપણે મનુષ્યના નિર્ણયને પ્રભાવિત કરતું હોય છે. જો આમ સ્વીકારીએ તો નીચે મુજબનાં તારણો સામે આવે છે :

(1) મનુષ્યની ક્રિયાઓ માન્યતાઓ અને ઇચ્છાઓની પેદાશ છે.

(2) મનુષ્ય પોતાની માન્યતાઓ અને ઇચ્છાઓ મુક્તપણે પસંદ કરતો નથી.

(3) મનુષ્યને પસંદગીના સ્વાતંત્ર્યનો અનુભવ થાય છે માટે પસંદગીનું સ્વાતંત્ર્ય મનુષ્યને હોય છે એમ ફલિત થતું નથી.

(4) મનુષ્યમાં ક, ખ, ગ, ઘ – એમ ચાર ઇચ્છાઓ હોય અને મનુષ્ય ‘ઘ’ પ્રમાણે વર્તે તો તેનો અર્થ એમ નહિ કે તે મુક્ત છે. ખરેખર તો પ્રબળ વિકલ્પની જીત થઈ તેવું પણ હોઈ શકે. એવું પણ બને કે મનુષ્ય વિકલ્પ-વિષયક વિચાર-વિમર્શ (deliberation) કરીને અમુક વિકલ્પ પસંદ કરે ત્યારે પસંદગીનું તાણ હળવું થાય છે અને તાણમુક્તિને મનુષ્ય પોતાની પસંદગીનું સ્વાતંત્ર્ય ગણી લેતો હોય.

(5) મનુષ્યની માન્યતાઓ અને ઇચ્છાઓ તેની આસપાસના વાતાવરણ દ્વારા તેની ઉપર લદાયેલી હોય છે.

(6) આમ, મનુષ્ય ક્રિયાઓ મુક્ત રીતે પસંદ કરતો નથી.

જો આવું જ હોય તો સંકલ્પસ્વાતંત્ર્યને કોઈ અવકાશ જ નથી, કારણ કે માનસશાસ્ત્રીય નિયતિવાદીઓ અનુસાર મનુષ્યની માન્યતાઓ બહારના વિશ્વમાંથી તેને મળે છે તે જ રીતે તેની ઇચ્છાઓ પણ તે પસંદ કરતો નથી; કારણ કે તેની કેટલીક ઇચ્છાઓ કુદરતી હોય છે. ખોરાકની, વાણીની, ઊંઘની ઇચ્છા શરીર-વ્યાપારને અધીન હોય છે. માનસિક, સામાજિક ઇચ્છાઓ પણ વ્યક્તિને તેના કૌટુંબિક સામાજિક ઉછેર પ્રમાણે પ્રાપ્ત થાય છે. એટલે અમુક ઇચ્છા પ્રમાણે મનુષ્ય વર્તે ત્યારે ઇચ્છા પોતે જ તેના વર્તનનું કારણ છે અને તે મુક્ત રીતે પસંદ કરેલ હોતી નથી.

2. નૈતિક જવાબદારીની સભાનતા અંગેની દલીલ : મનુષ્યમાં રહેલી નૈતિક જવાબદારીની સભાનતાનો ખુલાસો નિયતિવાદમાંથી મળતો નથી. નૈતિક જવાબદારીને મનુષ્ય ખૂબ જ ગંભીરતાથી લેતો હોય છે. મનુષ્યની ફરજો, તેનું પાલન, તેમાં મળતી નિષ્ફળતા અને તેને કારણે ઉદ્ભવતો ગુનાનો ભાવ આ બધું જ નૈતિક જવાબદારી સાથે સંકળાયેલ છે; પરંતુ જો મનુષ્ય મૂળભૂત રીતે મુક્ત ન હોય તો ફરજ, સ્તુતિ, નિંદા, ગુનાનો ભાવ વગેરે સાવ શક્ય જ ન બને. નૈતિક જવાબદારી માત્ર ભ્રમણા છે એવો નિયતિવાદી મત મનુષ્યને પણ બીજાં પ્રાણીઓની જેમ માત્ર પ્રાણી જ માને છે. અહીં સ્વાતંત્ર્યવાદીઓની મુખ્ય દલીલ એ છે કે નિયતિવાદનો સ્વીકાર એ માણસને માણસ નહિ પણ યંત્રમાનવ બનાવવા બરાબર છે. તેમાં કોઈ પણ કાર્ય માટે તેની કોઈ જવાબદારી નથી.

સંકલ્પસ્વાતંત્ર્ય જ મનુષ્યને યંત્રમાનવથી અલગ પાડે છે. કાર્ય કરતી વખતે વ્યક્તિ એમ માનીને જ ચાલે છે કે કાર્યની પસંદગી માટે તે સ્વતંત્ર અને જવાબદાર છે. આમ જવાબદારી સાથે પસંદગીનું સ્વાતંત્ર્ય અનિવાર્ય રીતે સંકળાયેલું છે. નીતિશાસ્ત્રની એક ગૃહીત માન્યતા તરીકે સંકલ્પસ્વાતંત્ર્યનો સ્વીકાર અનિવાર્ય રીતે કરવો પડે છે. જર્મન તત્ત્વચિંતક કૅન્ટ કહે છે કે આદર્શને લગતો આદેશ આદર્શને સિદ્ધ કરવાની શક્યતાનો નિર્દેશ કરે છે. જો સંકલ્પસ્વાતંત્ર્યને સ્વીકારવામાં આવે તો જ નિંદા, સ્તુતિ, દંડ, ઇનામ, પાપ-પુણ્ય, જવાબદારી વગેરે બાબતો અર્થયુક્ત બને છે.

(1) જો નિયતિવાદ સત્ય હોય તો મનુષ્ય તેનાં કાર્યો કરવા માટે સ્વતંત્ર નથી.

(2) જો મનુષ્ય કાર્ય કરવા માટે સ્વતંત્ર ન જ હોય તો તેને તેનાં કાર્યો માટે જવાબદાર ગણી શકાય નહિ.

(3) તેથી જો નિયતિવાદ સાચો હોય તો મનુષ્ય જે કાર્યો કરે છે તેના માટે તે કોઈ રીતે જવાબદાર નથી તેમ માનવું જ પડે.

(4) પરંતુ મનુષ્યનાં કેટલાંક કાર્યો માટે મનુષ્યને જ જવાબદાર માનવામાં આવે છે.

(5) તેથી જો મનુષ્યો તેમનાં કેટલાંક કાર્ય માટે ખરેખર જવાબદાર હોય તો નિયતિવાદ એટલે કે માનવવર્તનના ક્ષેત્રે અબાધિત યાંત્રિક કાર્યકારણવાદ સ્વીકાર્ય રહેતો નથી.

સંકલ્પસ્વાતંત્ર્ય અંગેની ઉપર્યુક્ત ચર્ચા બે પરસ્પરવિરોધી વિચારધારાઓમાં પરિસમાપ્ત થયેલી જોઈ શકાય છે. એક તરફ કાર્ય-કારણવાદ અને બીજી તરફ સ્વાતંત્ર્ય અંગેની મનુષ્યની સભાનતા. જોકે એનો અર્થ એવો નથી કે આ બંને વિચારધારાઓનો સમન્વય શક્ય જ નથી. તત્ત્વજ્ઞાનમાં પરસ્પરને વિરોધી લાગતા આ બંને સિદ્ધાંતોમાં સંગતતા શોધવાનો પ્રયાસ પણ થયેલ છે.

નિયતિવાદ અને સંકલ્પસ્વાતંત્ર્ય બંને આંશિક રીતે સાચા છે તેમ કહેતા સિદ્ધાંતને સમન્વયવાદ (compatibilism) કહે છે, જેની શરૂઆત વિલિયમ જેમ્સના હળવા નિયતિવાદ(soft determinism)થી થઈ છે. સંકલ્પસ્વાતંત્ર્ય અને કઠોર નિયતિવાદની સમસ્યાના સમાધાન રૂપે તાત્ત્વિક સમન્વયવાદ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ડેવિડ હ્યુમ, જ્હૉન સ્ટુઅર્ટ મિલ (1806થી 1873), વૉલ્ટર, સ્ટેસ (1886થી 1967) અને હેરી ફ્રેન્કફર્ટ જેવા તત્ત્વચિંતકો માને છે કે કાર્ય-કારણ અને નૈતિક જવાબદારીની સભાનતાનો સમન્વય શક્ય છે. મનુષ્ય ઇચ્છાપૂર્વક ક્રિયા કરી શકે છે. જ્યારે નિયતિવાદમાં તમામ વર્તન અને ઘટનાઓ નિયત કરનાર કાર્ય-કારણનો સ્વીકાર બંને એકબીજાનાં વિરોધી નથી; કારણ કે સ્વતંત્ર રીતે થયેલ કાર્યનાં કારણો વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સ્થિતિઓને અધીન હોય છે, જ્યારે અસ્વતંત્ર રીતે થયેલ ક્રિયાઓનાં કારણો માટે બાહ્ય બાબતો જવાબદાર હોય છે; દા.ત., જ્યારે મનુષ્ય પોતાની ઇચ્છા કે નિર્ણયથી પોતાનો જમણો હાથ ઊંચો કરે ત્યારે સંકલ્પસ્વાતંત્ર્ય વાપરે છે. સમન્વયવાદીઓના મતે અહીં પણ વ્યક્તિના વર્તન કે નિર્ણય પાછળ કારણો તો જવાબદાર હોય જ છે; પણ તે બાહ્ય નહિ, પણ નિશ્ચિત આંતરિક મનોવૈજ્ઞાનિક કારણો હોય છે. મનુષ્યનું વર્તન તેની પોતાની આંતરિક દૃઢ માન્યતાઓ, બૌદ્ધિક પ્રક્રિયાઓ અને ચિંતન દ્વારા નિયત થયેલું હોય છે. આ દૃષ્ટિએ સ્વતંત્ર વર્તન એ અનિયત નથી એટલે કે સંકલ્પસ્વાતંત્ર્ય કારણોનું વિરોધી નથી; પરંતુ બાહ્ય કારણો કે ફરજિયાતપણાનું વિરોધી છે. ખરેખર તો કોઈ વ્યક્તિ સાચા અર્થમાં ક્રિયા કરવા માટે ત્યારે જ મુક્ત કહેવાય જ્યારે તેની ક્રિયા આંતરિક મનોવૈજ્ઞાનિક કે બાહ્ય જડ દબાણ બંને પ્રકારનાં કારણોથી મુક્ત હોય. જોકે આ પ્રકારની પૂર્ણ સ્વતંત્રતા માટે મનુષ્યની તમામ આંતરિક પ્રેરણાઓની સભાનતા જરૂરી છે. આ અર્થમાં માનવી પાસે સંકલ્પસ્વાતંત્ર્ય છે કે નહિ એ મુદ્દો અનિર્ણયાત્મક જ રહે છે; પરંતુ વ્યક્તિની ઇચ્છિત ક્રિયા અને નિયતિવાદ વચ્ચે સમન્વય શક્ય છે. સંકલ્પસ્વાતંત્ર્ય અને ક્રિયાસ્વાતંત્ર્ય એ બંને ભિન્ન બાબતો છે. એવું ન ધારી લેવાય કે કોઈ પણ દિશામાં મુક્ત મને દોડી શકતા હોવાને કારણે પ્રાણીઓ સંકલ્પસ્વાતંત્ર્ય માણે છે. આનો અર્થ એ છે કે ઇચ્છા પ્રમાણેનું કાર્ય કરવાની સ્વતંત્રતા એ સંકલ્પસ્વાતંત્ર્ય હોવાની પૂરતી સાબિતી નથી. સ્વાતંત્ર્યવાદીઓની જેમ સંકલ્પસ્વાતંત્ર્યને વ્યાખ્યાયિત કરી શકાય નહિ. સમન્વયવાદીઓ સંકલ્પસ્વાતંત્ર્યની વ્યાખ્યા ભિન્ન ભૂમિકાએ કરે છે. મનુષ્ય પાસે સંપૂર્ણપણે પસંદગીનું સ્વાતંત્ર્ય છે એમ સિદ્ધ કરી શકાય એમ નથી; તો સામે પક્ષે મનુષ્યને એક યંત્ર સમાન ગણતો નિયતિવાદી કાર્ય-કારણનો મત પણ સ્વીકારી શકાય એમ નથી. મનુષ્યની ક્રિયાનાં કારણો બાહ્ય બળને અધીન નથી, પણ આંતરિક મનોવૈજ્ઞાનિક રીતે નિયત છે એમ સ્વીકારી સમન્વયવાદીઓ સંકલ્પ-સ્વાતંત્ર્ય અને નિયતિવાદ બંનેનો સમન્વય કરે છે. ટૂંકમાં, સંકલ્પસ્વાતંત્ર્ય, નિયતિવાદ અને સમન્વયવાદની ઉપર્યુક્ત સમગ્ર ચર્ચા પરથી નીચે મુજબ તારણો મેળવી શકાય :

(1) વ્યક્તિ અનુભવે છે કે ક્રિયા કરવા માટે તે મુક્ત છે અને નૈતિક જવાબદારી નિર્ધારિત કરવા માટે સંકલ્પસ્વાતંત્ર્યનો સ્વીકાર જરૂરી છે.

(2) વિજ્ઞાન નિયતિવાદ સ્વીકારી કાર્ય-કારણને સમર્થન આપે છે તેમાં મનુષ્યને પણ એક જૈવિક એકમથી વિશેષ ગણવામાં આવતો નથી. દરેક ઘટનાની પૂર્વવર્તી ઘટનામાં તેનાં પૂરતાં કારણો હોય છે.

(3) સમન્વયવાદીઓ સંકલ્પસ્વાતંત્ર્ય અને નિયતિવાદનો સમન્વય જવાબદારીઓને પુન: વ્યાખ્યાયિત કરીને કરે છે. તેઓ સ્વૈચ્છિક કર્મનો ખ્યાલ સ્વીકારે છે.

મનુષ્યોના વર્તનની ઇરાદાલક્ષી સમજૂતી આપવી જ પડે. યંત્રોને ઇચ્છાઓ કે માન્યતાઓ હોતી નથી, પરંતુ મનુષ્યોને હોય જ છે. બંનેને એક જ કોટિમાં મૂકી શકાય નહિ. જોકે એનો અર્થ એવો નથી કે મનુષ્ય અલૌકિક કે અપ્રાકૃતિક પદાર્થ છે. અહીં કહેવાનો મુદ્દો એટલો જ છે કે જો મનુષ્યને યંત્રની જેમ જ સમજવામાં આવે તો તેને પસંદગીના સ્વાતંત્ર્યનો અને તેથી પોતાનાં કાર્યોની જવાબદારીનો જ અનુભવ થાય છે, તેને સમજાવી શકાય તેમ નથી. મનુષ્યનું પસંદગીનું સ્વાતંત્ર્ય અવશ્ય મર્યાદિત છે તે સ્વીકારવું પડે. તેને પસંદગી માટે કયા વિકલ્પો પ્રાપ્ત થશે તે બાબત મનુષ્ય હંમેશાં જવાબદાર હોતો નથી, પણ જે વિકલ્પો તેની સમક્ષ ઉપસ્થિત થયા હોય છે તેમાંથી સ્વેચ્છાએ તે કોઈ વિકલ્પને અમલમાં મૂકી શકે છે.

રસ્તા ઉપર કોઈ માણસ સ્વેચ્છાએ કસરત માટે ફરવા જતો હોય અને કોઈ માણસને પોલીસ બળજબરીથી રસ્તા ઉપરથી  લઈ જતો હોય તેમાં તફાવત તો છે જ. બળજબરી વિરુદ્ધ સ્વાતંત્ર્ય અને અબાધિત કાર્ય-કારણ સંબંધ વિરુદ્ધ સ્વાતંત્ર્ય – એમ બંને રીતે વિચાર કરવો જરૂરી છે.

જડ વસ્તુઓ અને મનુષ્યો વચ્ચે મૂળભૂત તફાવત બે બાબતો અંગે છે. પ્રત્યક્ષીકરણ અને સ્વૈચ્છિક સભાન ક્રિયા. બંનેને લીધે મનુષ્યના વર્તનને જડ પદાર્થોની જેમ જ યાંત્રિક કાર્ય-કારણભાવને અધીન ન ગણાય. બીજી બાજુ જો એમ કહો કે મનુષ્યના વર્તનને કોઈ કારણો જ નથી તે ઠીક પડે તેમ વર્તી શકે છે, તે કેમ વર્તશે તેને વિશે કશું કહેવાય જ નહિ, તો તે પણ યોગ્ય જ નથી. વ્યક્તિએ પોતાનાં સ્વૈચ્છિક કાર્યોથી પોતાનું નૈતિક ચારિત્ર્ય ઘડ્યું હોય તો તેનાં ભાવિ કાર્યો પણ તે મુજબનાં જ હશે તેવું કહેવામાં કોઈ આપત્તિ નથી; તેથી સ્વાતંત્ર્યનો અર્થ અનિયત યાદૃચ્છિક કાર્યો તેવો પણ ન લઈ શકાય.

દિલીપ ચારણ