સંકલ્પનાનિર્માણ (concept-formation) : કોઈ વસ્તુ કે ઘટનાના ગુણધર્મોને મનમાં છૂટા પાડીને પછી એ ગુણધર્મોને બધી યોગ્ય વસ્તુઓમાં કે ઘટનાઓમાં લાગુ પાડવાની ક્રિયા. સંકલ્પનાનું નિર્માણ એક શીખવાની ક્રિયા છે; દા.ત., (1) વસ્તુઓની સંકલ્પના : સાઇકલ, ગાડું, હોડી, કાર – આ દૃષ્ટાંતો ઉપરથી ‘વાહન’ની સંકલ્પનાનું નિર્માણ થાય છે. વાહન ઊર્જાનો ઉપયોગ કરે છે. એમાં માણસ બેસી શકે છે અને એ એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. આ બધા વાહનના ગુણધર્મો છે. આ ગુણધર્મો આ વર્ગની અન્ય વસ્તુઓ બસ, સ્કૂટર, ટ્રેન કે વિમાનને પણ લાગુ પડે છે. (2) ઘટનાઓની સંકલ્પના : ધૂમસ, વંટોળિયો, વરસાદ કે ચંદ્રગ્રહણ – આ દૃષ્ટાંતોના આધારે ‘પ્રાકૃતિક ઘટના’ની સંકલ્પનાનું નિર્માણ થાય છે. આ બધું કુદરતી રીતે બને છે અને એમાં રોજના કરતાં કંઈક જુદો અનુભવ થાય છે. આ ગુણધર્મો સમજ્યા પછી ‘કુદરતી ઘટના’ના ખ્યાલને ધરતીકંપ કે મેઘધનુષ્ય જેવી અન્ય ઘટનાઓને પણ લાગુ પાડી શકાય છે.

‘સંકલ્પના’ એટલે શબ્દ, પ્રતીક કે ચિહ્નમાં વ્યક્ત થતો સામાન્ય ખ્યાલ કે અર્થ. વ્યક્તિ પોતાના અનુભવમાં આવતાં વિવિધ માહિતીનાં ઉદ્ગમસ્થાનોમાંથી કે પદાર્થોમાંથી કેટલાંક સમાન તત્ત્વો તારવે છે. પછી તે તત્ત્વોને સંયોજિત કરીને વિચાર રૂપે વ્યક્ત કરે છે; દા.ત., કાગડો : ઈંડાં મૂકે છે, પાંખો ધરાવે છે, ઊડી શકે છે. ચકલી પણ ઈંડાં મૂકે છે, પાંખોવાળી હોય છે, ઊડી શકે છે. પોપટમાં પણ એ જ ગુણધર્મો જોવા મળે છે. તેથી આ બધાંને ‘પક્ષી’ની એક સામાન્ય સંકલ્પનામાં જોડી દેવામાં આવે છે. એ જ રીતે ‘નિવાસસ્થાન’ : જેમાં રહી શકાય, જે ટાઢ, તડકો કે વરસાદથી રક્ષણ આપે તે; દા.ત., ઝૂંપડી, મકાન વગેરે.

સંકલ્પનાનું નિર્માણ ક્રમશ: થતું હોય છે. બાળકની આરંભની સંકલ્પનાઓ, વસ્તુઓ વચ્ચે રહેલા બાહ્ય રીતે જોઈ શકાય એવા સામ્ય ઉપર અવલંબે છે; દા.ત., ક્રિકેટમાં દડો વપરાય છે; એ જ રીતે હૉકી, ફૂટબૉલ અને ટેનિસમાં પણ દડો વપરાય છે. તેથી ‘રમત’ એટલે ‘જેમાં દડો વપરાય છે એવી પ્રવૃત્તિ’ એવી સંકલ્પના બાળક રચે છે. જેમ જેમ વ્યક્તિના જ્ઞાન અને અનુભવની વિવિધતા વધે તેમ તેમ તે સંકલ્પનાનું નિર્માણ કરવા માટે પ્રત્યક્ષ અનુભવ ઉપર ઓછો ને ઓછો આધાર રાખવા માંડે છે અને આખરે, આપેલી માહિતીથી પર જઈને સંકલ્પના રચવા માંડે છે. વ્યક્તિ મર્યાદિત અનુભવને આધારે રચેલી શરૂઆતની ખોટી સંકલ્પનાઓને છોડતી જાય છે અથવા સુધારી લે છે. અનુભવી વ્યક્તિ મર્યાદિત તત્ત્વોને આધારે જ સંકલ્પના રચે છે. વસ્તુઓના સમાન તત્ત્વને છૂટું પાડવા માટે તેને શબ્દ વડે વ્યક્ત કરવાની જરૂર હોતી નથી. આમ, ભાષાના ઉપયોગ વિના પણ સંકલ્પનાનું નિર્માણ થઈ શકે છે.

સંકલ્પનાના નિર્માણમાં બે માનસિક ક્રિયાઓ ભાગ ભજવે છે : અમૂર્તીકરણ અને સામાન્યીકરણ. ભેદક સહિયારા ગુણધર્મના આધારે વસ્તુઓને વર્ગોમાં ગોઠવવાનું શીખવાની ક્રિયાને અમૂર્તીકરણ કહે છે; દા.ત., સાઇકલ અને મોટરસાઇકલ – આ બે વાહનોના બીજા ગુણધર્મોની અવગણના કરીને તેમાંથી માત્ર એક ગુણધર્મ(બે પૈડાં હોવાં તે)ને (દ્વિચક્રીપણાને) મનમાં છૂટો પાડવાની ક્રિયા અમૂર્તીકરણ કહેવાય. પછી એ ગુણધર્મ એવાં બીજાં વાહનો(મૉપેડ કે સ્કૂટર)ને લાગુ પાડવાની ક્રિયાને સામાન્યીકરણ કહેવાય. આ રીતે ‘દ્વિચક્રી વાહન’ની સંકલ્પના રચાય છે.

વિવિધ બૌદ્ધિક આધારભૂમિકાઓ પ્રમાણે વિવિધ રીતે સંકલ્પના રચી શકાય છે. એ માટે રજૂ થયેલી વસ્તુઓને કાળજીથી તપાસવી જરૂરી છે. પછી તેને કયા સિદ્ધાંત પ્રમાણે સમાન ગણાય તે વિચારી લેવાનું રહે છે. એમાં સમીક્ષાત્મક અને સર્જક વિચારણા ઉપયોગી બને છે. અન્યોનાં સૂચનોને પણ ધ્યાનમાં લેવાં ઉપયોગી છે. વસ્તુઓનાં જુદાં જુદાં પાસાંને ધ્યાનમાં લઈને તેને જુદી જુદી કઈ કઈ રીતે વર્ગીકૃત કરી શકાય તે વિચારવું આવદૃશ્યક છે.

વૈજ્ઞાનિકોની સંકલ્પનાઓ તેમણે આંખ, કાન વગેરે જ્ઞાનેન્દ્રિયો વડે મેળવેલી માહિતી ઉપર આધારિત હોય છે, તેથી તે ચોકસાઈભરેલી હોય છે અને તેની બાબતમાં સર્વસંમતિ સધાઈ હોય છે. સામાન્ય લોકોની સંકલ્પનાઓ કંઈક અસ્પષ્ટ, ઓછી ચોક્કસ અને સંસ્કૃતિ પ્રમાણે જુદી જુદી હોય છે. તે વ્યક્તિના અનુભવ અને સમય પ્રમાણે બદલાવાની પણ શક્યતા હોય છે.

સંકલ્પનાઓની વ્યાપકતાની કક્ષા પણ જુદી જુદી હોઈ શકે; દા.ત., ‘ચંપલ’ વિશિષ્ટ સંકલ્પના છે, જ્યારે ‘પગરખાં’ સામાન્ય સંકલ્પના છે. ‘ભૂરા રંગનો દડો’ વિશિષ્ટ, જ્યારે ‘દડો’ સામાન્ય સંકલ્પના છે.

જેમ જેમ વ્યક્તિનો અનુભવ વધતો જાય તેમ તેમ તે વિશિષ્ટ સંકલ્પનાઓને સામાન્ય સંકલ્પનાની નીચે ગોઠવતી જાય છે; દા.ત., કાળા રંગની સાઇકલ ડ્ડ સાઇકલ ડ્ડ બૈ પૈડાંનું વાહન ડ્ડ વાહન ડ્ડ યંત્ર. રોજના જીવનમાં મોટેભાગે વ્યક્તિ મૂળભૂત કક્ષાની સંકલ્પનાઓનો ઉપયોગ કરે છે. પણ બધી બાબતોમાં રૌપિક એટલે કે તાર્કિક રીતે સુસ્પષ્ટ સંકલ્પના રચી શકાતી નથી; દા.ત., શું ‘પવન’ અને ‘હવાની લહેર’ વચ્ચે ચોક્કસ ભેદ પડી શકે ? કુદરતમાં રહેલી વસ્તુઓ અને ઘટનાઓની ચુસ્ત સંકલ્પના રચવી અત્યંત મુશ્કેલ હોય છે; દા.ત., સામાન્ય રીતે પક્ષીની સંકલ્પના ‘એક ઊડનારું પાંખોવાળું, ઈંડાં મૂકીને સેવનારું પ્રાણી’ એવી છે. શું શાહમૃગને કે પૅંગ્વિનને આ અર્થમાં ‘પક્ષી’ કહી શકાય ?

સંકલ્પનાનું નિર્માણ વિવિધ રીતે થતું હોય છે. હલ નામનો મનોવિજ્ઞાની એ માટે ઉદ્દીપક-પ્રતિક્રિયાના જોડાણની પ્રક્રિયાને જવાબદાર ગણે છે; દા.ત., વ્યક્તિ ચકલી, કાગડો વગેરેની પાંખોને અને તેમની ઊડવાની ક્રિયાને જુએ છે (ઉદ્દીપકો) અને તેના પ્રત્યે ‘પક્ષી’ એવી સંકલ્પના રચીને પ્રતિક્રિયા આપે છે. પણ બ્રુનર માને છે કે વિવિધ વસ્તુઓનો અનુભવ કરતી વખતે વ્યક્તિ વારાફરતી જુદી જુદી પરિકલ્પનાઓ (અટકળો) રચીને તેની ચકાસણી કરતી હોય છે અને નિર્ણાયક લક્ષણો સૂચવતી પરિકલ્પનાના આધારે સંકલ્પના રચે છે; દા.ત., હાથી એક ‘ચોપગું પ્રાણી’  ખોટી સંકલ્પના છે; હાથી  ‘મોટા કદનું પ્રાણી’  ખોટી સંકલ્પના છે; પણ હાથી ‘મોટા કદનું, સૂંઢવાળું અને વિશાળ કાનવાળું, ચોપગું પ્રાણી છે.’ રોશના મતે વ્યક્તિ નક્કર દૃષ્ટાંતોની મદદથી સંકલ્પનાઓનું નિર્માણ કરે છે; દા.ત., ઘઉં, ચોખા અને દાળનાં સૌથી લાક્ષણિક દૃષ્ટાંતોના આધારે ‘અનાજ’ની સંકલ્પના.

સંકલ્પનાઓ રચવાના વિવિધ લાભો છે : (1) સંકલ્પનાઓ સંખ્યાબંધ વિશિષ્ટ માહિતીઓને એક જ ખ્યાલમાં જોડી દે છે. આમ તે વિચારણામાં શ્રમ અને સમયની બચત કરે છે. (2) તે નવા વિચારો અને વસ્તુઓ વચ્ચેના નવા સંબંધો શોધવામાં પણ મદદ કરે છે. (3) સંકલ્પનાઓની મદદથી વ્યક્તિ જગતનો નવો અર્થ સમજવા માંડે છે. (4) સંકલ્પનાઓ વ્યક્તિને પદાર્થોનું ભેદબોધન કરવામાં અને વર્ગીકરણમાં મદદ કરે છે. (5) વ્યક્તિ સંકલ્પનાઓ રચીને મોટાભાગની વસ્તુઓ વિશે વ્યવસ્થિત સમજણ મેળવે છે અને એનો સ્મૃતિમાં સંગ્રહ કરે છે. (5) સંકલ્પનાઓનું નિર્માણ કરીને વ્યક્તિ વ્યવસ્થિત અને અસરકારક રીતે વિચારીને વર્તન કરી શકે છે.

ચન્દ્રાંશુ ભાલચંદ્ર દવે