ષટ્કર્મ : બ્રાહ્મણાદિ વર્ગો માટે આચરણ પરત્વે જીવનયાપન અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટેનાં વિહિત કર્મો. સાધનાપદ્ધતિઓ અને દાર્શનિક ચિંતનપ્રણાલીના ભેદને ષટકર્મોના નિર્ધારણમાં ફરક વરતે છે. વૈદિક કર્મકાંડના સમયે બ્રાહ્મણ માટેનાં ષટકર્મોમાં ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું આ ષટકર્મોનું વિધાન હતું. પાછળના સમયમાં અર્થવ્યવસ્થા જટિલ થતાં એને માટેનાં અવિહિત કર્મો પણ ષટકર્મ તરીકે ગણાયાં. ગૃહસ્થ બ્રાહ્મણ માટે મનુસ્મૃતિમાં ઋત, અમૃત, મૃત, કર્ષણ (કૃષિ), સત્યનૃત (વેપાર) અને સ્વવૃત્તિને ષટકર્મ તરીકે ગણાવ્યાં. આમ ધાર્મિક, સામાજિક તેમજ આર્થિક વ્યવસ્થાઓના ક્રમિક વિકાસ, પરિવર્તન અને વિધિવિધાન અનુસાર ફેરફારો સહજ રીતે થતા ગયા. આ ષટકર્મની વિભાવના તંત્ર તેમજ યોગની સાધના-પદ્ધતિઓમાં સ્વીકારાઈ. શાક્તતંત્રોમાં સાધનાપરક ષટકર્મો વિહિત થયાં તેમાં શાંતિ, વશીકરણ, સ્તંભન, વિદ્વેષણ, ઉચ્ચાટન અને મારણનો સમાવેશ હતો. પરંતુ હીનકોટિના સાધકોને લઈને આચરણ પરત્વે વામાચાર અને તંત્ર-મંત્રના અભિચારને લઈને જનમાનસમાં આ કર્મો પ્રત્યે અનાસ્થા અને જુગુપ્સા પ્રસરી. યોગસાધનામાં  આસન, મુદ્રા, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધ્યાન અને સમાધિને સિદ્ધ કરવા અંગે ષટકર્મનું પરિપાલન બતાવ્યું છે. પછીના સમયમાં સંતોએ ષટકર્મોની ભારે ટીકા કરી છે. સંતસાહિત્યમાં સાધના માટે અનાવશ્યક ગણાવ્યાં છે. કબીર, રામદાસ સમર્થ, રજ્જબ, દરિયાસાહેબ વગેરેએ શાક્તોના ષટકર્મની ભારે આલોચના કરી છે. સંતોના પ્રભાવથી ષટકર્મો બખેડા, ઝંઝટ અને ટંટાના અર્થમાં સીમિત થઈ ગયાં. અને આ વિભાવના નિરર્થક હોઈને સાધનામાંથી નીકળી કેવળ કર્મકાંડી બ્રાહ્મણો પૂરતી સીમિત રહી ગઈ.

પ્રવીણચંદ્ર પરીખ