શ્વેતાંબર : જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયોમાંનો એક. લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ભગવાન મહાવીરે જૈન ધર્મનું અંતિમ પુનર્ગઠન કર્યું. મહાવીરના સંઘમાં સચેલક અને અચેલક બંને પ્રકારના સાધુઓ હતા. સચેલક અર્થાત્ વસ્ત્રધારી અને અચેલક અર્થાત્ વસ્ત્રહીન. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ છસો વર્ષ પછી જૈન ધર્મમાં પ્રથમ મોટો સંપ્રદાયભેદ થયો અને સાધુસમૂહો ભિન્ન થયા. પાછળથી આ સચેલકો શ્વેતાંબર (શ્વેત વસ્ત્ર ધારણ કરનાર) અને અચેલકો દિગમ્બર (દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર = નગ્ન) તરીકે ઓળખાવા લાગ્યા.

બંને સંપ્રદાયો વચ્ચે સામાન્ય તત્વજ્ઞાન સંબંધી મતભેદો મૂળભૂત સ્વરૂપના નથી અને બંને એક જ હાર્દને વ્યક્ત કરે છે. બંને શાખાઓ ઉમાસ્વાતિરચિત ‘તત્વાર્થાધિગમસૂત્ર’ને અત્યંત પ્રમાણભૂત માને છે. શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણમાં ઉદારમતવાદી છે, જ્યારે દિગંબર રૂઢિચુસ્ત છે. શ્વેતાંબરનાં શ્વેત વસ્ત્રો તેની શુદ્ધિ-પવિત્રતા સૂચવે છે. શ્વેતાંબરનું ઉદારમતવાદી દૃષ્ટિબિંદુ સ્વયંસ્પષ્ટ છે. તેઓ જૈન પરંપરાના હાર્દને છોડ્યા વિના સમાજમાં પ્રચલિત નીતિરીતિ અને વર્તનવ્યવસ્થાનાં ધોરણો માટે ગંભીર નિસબત વ્યક્ત કરે છે.

શ્વેતાબંરદિગંબર શાખાઓનાં ઉદભવ-સમય અને કારણો પરત્વે ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રવર્તે છે. શ્વેતાંબરો દિગંબરોના ઉદભવનું વર્ષ વિ.સં. 139 (ઈ. સ. 83) આપે છે; જ્યારે દિગંબરો શ્વેતાંબરોના ઉદભવનો સમય વિ.સં. 136 (ઈ. સ. 80) આપે છે. બંનેના ઉદભવનો સમય આ રીતે એક જ હોઈ એટલું નિશ્ચિત છે કે આશરે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 600 વર્ષ પછીના સમયમાં બંને વચ્ચે સ્પષ્ટ ભેદ થયો હશે. બંને સંપ્રદાયભેદનાં જે કારણો આપે છે તે દંતકથા સમાન અને પરસ્પરવિરોધી છે.

શ્વેતાંબર માન્યતા મુજબ પ્રાચીન ઉપલબ્ધ શાસ્ત્રો 45 છે. તેમને ‘આગમ’ કે સિદ્ધાંત કહેવાય છે. કેટલાંક આગમો ગદ્યમાં છે, કેટલાંક પદ્યમાં. આ આગમો ભગવાન મહાવીરના ઉપદેશના સંગ્રહરૂપ છે. આ આગમો મગધના એક ભાગમાં તે કાળે બોલાતી અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં રચાયેલાં છે. પ્રણેતાની દૃષ્ટિએ આ આગમના બે ભાગ પડે છે : 1. અંગ અને 2. અંગબાહ્ય. અંગબાહ્યના 5 વિભાગ છે : (1) ઉપાંગ, (2) મૂલસૂત્ર, (3) છેદસૂત્ર, (4) ચૂલિકાસૂત્ર, (5) પ્રકીર્ણક.

ભગવાન મહાવીરના પાંચમા ગણધર સુધર્માસ્વામી અને તેમના શિષ્ય જંબૂસ્વામીએ અંગ ગ્રંથોનું સંપાદનકાર્ય કરેલું; જ્યારે અંગબાહ્ય ગ્રંથો વિવિધ આચાર્યોએ રચેલા કે સંગ્રહ રૂપે છે.

આગમ સાહિત્યની પછી પણ અનેક મહાન શ્વેતાંબરાચાર્યોએ ભગવાન મહાવીરના ઉપદેશ પર પ્રકાશ પાડતા અનેક ગ્રંથો પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ જેવી પ્રાચીન ભાષાઓમાં તથા કાળક્રમે બદલાતી જતી પ્રાદેશિક ભાષાઓમાં રચ્યા છે. ભદ્રબાહુ, ઉમાસ્વાતિ, સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ, મલ્લવાદી, દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, સિદ્ધર્ષિ, શીલાંકસૂરિ, હેમચંદ્રાચાર્ય, હીરસૂરિ, યશોવિજયજી આદિ શ્વેતાંબર સંપ્રદાયના અનન્ય વિદ્વાન આચાર્યોના ગ્રંથો અદ્યપિ તેઓના અપ્રતિમ જ્ઞાનના પુરાવા રૂપે વિદ્યમાન છે.

શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયીઓ પશ્ચિમ ભારતમાં  ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આદિમાં વિશેષ રૂપે વસેલા છે.

શ્વેતાંબરોએ સાહિત્યની માફક ભવ્ય મંદિરો અને તીર્થસ્થાનોનાં નિર્માણ દ્વારા પણ ભારતીય કળા અને સંસ્કૃતિના વિકાસમાં ઘણો મોટો ફાળો આપેલ છે. શ્વેતાંબરોનું અનન્ય પ્રદાન છે સમગ્ર પશ્ચિમ ભારતમાં મળતા જ્ઞાનભંડારો અને તેમાં સચવાયેલી અમૂલ્ય પ્રાચીન ગ્રંથોની હસ્તપ્રતો.

શ્વેતાંબરોના ત્રણ મુખ્ય પેટા પંથો છે  મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી.

જૂના શિરોહી રાજ્યના અરહતનાડા ગામમાં ઈ.સ. 1415માં જન્મેલા ઓસવાળ લોંકાશાહ સ્થાનકવાસી સંપ્રદાયના સ્થાપક હતા. પોતાની કુશળતાથી અમદાવાદના સુલતાન મહમદશાહના ખજાનચી તરીકે તેઓ પચીસ વર્ષની વયે જોડાયા. મહમદશાહના મૃત્યુ પછી તેઓ જ્ઞાનશ્રી નામક મુનિ પાસે ધર્મગ્રંથોની નકલ કરવાનું કામ કરવા લાગ્યા. આ ધર્મગ્રંથોના અભ્યાસે તેમને મૂર્તિપૂજાનો વિરોધ કરવા પ્રેર્યા. આમાંથી તેમના અનુયાયીઓનો નવો સંપ્રદાય થયો જે લોંકાગચ્છ કહેવાયો. તેમાંથી ઈ.સ. 1653માં સ્થાનકવાસી સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. મંદિરને બદલે સ્થાનકવાસીઓ સ્થાનક અર્થાત્ ઉપાશ્રયમાં સ્વાધ્યાય આદિ કરે છે. શ્વેતાંબરમાન્ય 45 આગમોમાંથી તેઓ 32 આગમોને માન્ય રાખે છે. સ્થાનકવાસીમાંથી જ જુદા પડી અઢારમી સદીમાં થઈ ગયેલા આચાર્ય ભિક્ષુ અથવા ભિકમજી ઋષિએ મારવાડમાં તેરાપંથ નામક પંથની સ્થાપના કરી હતી.

મૂર્તિપૂજક પંથમાં પણ ઘણા (લગભગ 84) ગચ્છોવિભાગો એક કાળે ઊભા થયેલા. જેમાંના ઘણા નામશેષ થઈ ગયા છે. વર્તમાનકાળે તપગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ જેવા કેટલાક ગચ્છો જ અસ્તિત્વ ધરાવે છે; પરંતુ તે બધા વચ્ચે આચારવ્યવહારના અલ્પ તફાવત સિવાય સમાન સિદ્ધાંતો જળવાઈ રહ્યા છે.

શ્વેતાંબરદિગંબર વચ્ચેના મતભેદના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે :

1. શ્વેતાંબર માન્યતાનુસાર મહાવીર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભ રૂપે અવતર્યા હતા અને ગર્ભાધાન પછી 86મા દિવસે ઇન્દ્રે તેમને ક્ષત્રિયાણી ત્રિશલાદેવીની કુક્ષિમાં મૂક્યા હતા. દિગંબરો ગર્ભ-પરિવર્તનની આ વાત સ્વીકારતા નથી.

2. શ્વેતાંબર-પરંપરા માને છે કે ભગવાન મહાવીર યશોદા નામક કન્યાને પરણ્યા હતા. તેમને પ્રિયદર્શના નામની પુત્રી પણ હતી. આ પ્રિયદર્શનાના પતિ જમાલિ મહાવીર પાસે દીક્ષિત પણ થયા હતા; જ્યારે દિગંબર-પરંપરા અનુસાર મહાવીર કુમારાવસ્થામાં જ સંસાર ત્યજી મુનિ બન્યા હતા, તેમણે કદી લગ્ન કર્યાં જ ન હતાં.

3. એક બીજો મુખ્ય ભેદ જૈન ધર્મનાં પ્રાચીન સાહિત્ય આગમો અંગેનો છે. શ્વેતાંબરો અર્ધમાગધી ભાષામાં રચાયેલાં 12 અંગોમાંથી દૃષ્ટિવાદ નામક એક જ અંગ નષ્ટ થયાનું અને બાકીનાં વિવિધ સમયાન્તરે સંઘ દ્વારા થયેલી વિવિધ વાચનાઓ દ્વારા જળવાઈ રહ્યાનું માને છે; જ્યારે દિગંબરો આ અંગ-ગ્રંથો લુપ્ત થયાનું માને છે. શ્વેતાંબરોએ અંગ-ગ્રંથો ઉપરાંત બીજા પણ વિવિધ 34 ગ્રંથોને આગમ રૂપે માન્યતા આપી પૂજ્ય ગણ્યા છે.

4. શ્વેતાંબરો સ્ત્રી પણ મોક્ષ પામી શકે છે, તીર્થંકર પણ બની શકે છે એવી ઉદાર માન્યતા ધરાવે છે અને 19મા તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતા અને સ્ત્રી રૂપે તીર્થંકર બન્યા હતા એમ માને છે. દિગંબરો સ્ત્રીઓને મોક્ષની અધિકારિણી માનતા નથી.

5. શ્વેતાંબર સાધુઓ સીવ્યા વિનાનાં શ્વેત વસ્ત્ર પરિધાન કરે છે, જ્યારે દિગંબરો નિર્વસ્ત્ર હોય છે. આ મુખ્ય વ્યાવર્તક લક્ષણ પરથી જ શ્વેતાંબરદિગંબર નામ પ્રચલિત થયાં છે.

રમણીક શાહ