શ્વેતશલ્કતા (leukoplakia) : મોંઢાની અંદરની દીવાલમાં સફેદ ચકતી જેવો દોષવિસ્તાર. તે શૃંગિન (keratin) નામના દ્રવ્યનું વધુ ઉત્પાદન થાય તેવો મોંની અંદરની દીવાલના આવરણરૂપ અધિચ્છદ(epithelium)નો રોગ છે. સૂક્ષ્મદર્શક વડે તપાસતાં શૃંગી સ્તરમાં વિકાર ઉદ્ભવેલો હોય છે. તેને દુ:શૃંગસ્તરતા (dyskeratosis) કહે છે. લાદીસમ અધિચ્છદ એક રીતે સ્તરીકૃત (stratified) આવરણ બનાવે છે, જેમાં કોષોની પટ્ટીઓના સ્તર હોય છે.

શ્વેતશલ્કતાના વિકારમાં આ પ્રકારનું સ્તરીકરણ વિકારયુક્ત થાય છે, કોષોના કદ અને આકારમાં ફેરફાર થાય છે, તેમના કોષકેન્દ્રોના ટુકડા થાય છે અને શૃંગિનનું ઉત્પાદન થાય છે. શ્વેતશલ્કતામાં જો સાથે દુર્વિકસન પણ જોવા મળે તો તેમાં કૅન્સર થવાની લગભગ 5 % જેટલી શક્યતા રહે છે.

તમાકુને મોંમાં રાખવાની આદત હોય તો તેનાથી શ્વેતશલ્કતા થાય છે; જેમાં જે-તે સ્થળની શ્લેષ્મકલા જાડી થઈ જાય છે, ખાસ કરીને ગલોફામાં તથા અવાળુ પર. વ્યક્તિ તમાકુને ચાવતી હોય તો તે બંને બાજુએ જોવા મળે છે. કૅન્સર થતું અટકાવવા માટે વિટામિન એ અને રેટિનોઇડ સંયોજનો વડે શ્વેતશલ્કતાની સારવાર કરવાના પ્રયોગો થઈ રહેલા છે. આ ઉપરાંત સેલેનિયમ, આલ્ફા-ટોકોફેરોલ અને બીટાકૅરોટિન વડે પણ તે જ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. આઇસોટ્રેટિનોઇન (13-સિસરેટિનોઇક ઍસિડ) વડે ઘણી સફળતા મળેલી છે; પરંતુ તેનાથી મોં આવવું, ચહેરા પર લાલાશ આવી જવી, ચામડી સુક્કી થવી અને ફોતરાં ઊપડવાં જેવી વિવિધ આડઅસરો થાય છે. વળી લાંબા ગાળે શ્વેતશલ્કતા ફરીથી થઈ આવે છે. ભગ (vulva) પર થતી સફેદ, જાડી અને શૃંગિનયુક્ત ચકતીઓને ભગીય શ્વેતશલ્કતા (leukoplakia vulvae) કહે છે.

શિલીન નં. શુક્લ