શ્વેતપ્રદર (leukorrhea) : યોનિમાર્ગે વધુ પડતું પ્રવાહી પડવું તે. તેને સાદી ભાષામાં ‘પાણી પડવું’ પણ કહે છે. યોનિ (vagina) માર્ગે બહાર આવતા પ્રવાહીને યોનીય બહિ:સ્રાવ (vaginal discharge) પણ કહે છે. તેમાં યોનિની દીવાલ, ગર્ભાશય અને ગર્ભાશય-ગ્રીવા(cervix)માંના સામાન્ય સ્રાવો (secretions) હોય છે. ગર્ભાશય-ગ્રીવાને સામાન્ય ભાષામાં ગર્ભાશયનું મુખ પણ કહે છે. ગર્ભાશયમાંથી થોડું ક્ષારદ (alkaline) અને પાણી જેવું પ્રવાહી આવે છે જ્યારે ગ્રીવાનું પ્રવાહી ઉકાળ્યા વગરના ઈંડાના સફેદ દ્રવ્ય જેવું જાડું, શ્લેષ્મિલ (mucoid), ચોખ્ખું અને પારદર્શક હોય છે. યોનિમાંથી ઝરતું સામાન્ય પ્રવાહી પારવાહી (transudative), યોનિદીવાલમાંથી ખરેલા કોષોવાળું, થોડાક પ્રમાણનું અને કુમારિકાઓમાં પાણી અને આર(સ્ટાર્ચ)નું ઉકાળ્યા વગરના મિશ્રણ જેવું હોય છે.
પારવાહી પ્રવાહીમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. યોનિમાં જોવા મળતો બહિ:સ્રાવ મુખ્યત્વે ગ્રીવામાંથી આવે છે; કેમ કે, ત્યાં સમગ્ર પ્રજનનમાર્ગમાં સૌથી વધુ ગ્રંથિઓ આવેલી છે. ગ્રીવાનું પ્રવાહી ક્ષારદીય (alkaline) શ્લેષ્મ(mucus)નું બનેલું હોય છે અને તેનું pH મૂલ્ય 6.5 હોય છે. ઋતુસ્રાવ-ચક્રમાં જુદા જુદા સમયે તેના કદમાં વધ-ઘટ થાય છે. જ્યારે અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં, ચોખ્ખું અને શ્વેતકોષો વગરનું હોય છે. આ સમયે તેની લવચીકતા (elasticity) વધુ હોય છે અને શુક્રકોષો સહેલાઈથી તેને વીંધી શકે છે. બાકીના સમયે ગ્રીવાનું શ્લેષ્મ થોડું, અપારદર્શક અને તાંતણા બનાવે તેવું ચીકણું હોય છે.
જ્યારે લૈંગિક ઉત્તેજના થાય ત્યારે બાર્થોલિયન ગ્રંથિમાંથી પાતળું અને શ્લેષ્મિલ પ્રવાહી નીકળે છે; પરંતુ અન્ય સંજોગોમાં તે થોડાક પ્રમાણમાં જ હોય છે અને તેથી યોનીય બહિ:સ્રાવમાં ખાસ ઉમેરણ કરતું નથી.
યોનિનો પોતાનો બહિ:સ્રાવ અમ્લીય (acidic) હોય છે; કેમ કે યોનિની દીવાલની ઉપલી સપાટી પર આવેલી અધિચ્છદીય કલા(epithelium)ના તલીય કોષો(basal cells)માંના ગ્લાયકોજનનું ડૉડર્લિનના દંડાણુ (bacillus) પ્રકારના જીવાણુઓ (bacteria) દુગ્ધામ્લ(lactic acid)માં રૂપાંતર કરતા હોય છે. આ પ્રકારના જીવાણુઓ યૌવનારંભ(puberty)થી ઋતુસ્રાવ-નિવૃત્તિ (meno-pause) સુધી યોનિમાં હોય છે. તેને કારણે યોનિમાં અમ્લતા (pH 4.5) હોય છે અને તેથી યોનિમાં ચેપ લાગવાની શક્યતા ઘટે છે. સામાન્ય સંજોગોમાં તે ફક્ત યોનિને ભીની રાખે છે, પરંતુ જો તેનું કદ વધે તો તે ભગ(vulva)ને પણ ભીનું કરે છે અને કપડાં પર પણ ડાઘા પડે છે. આવું સામાન્ય રીતે જ્યારે રોગ કે વિકાર થયો હોય તો થાય છે. જ્યારે વધુ પડતું યોનીય પ્રવાહી ઉત્પન્ન થાય ત્યારે તેને શ્વેતપ્રદર કહે છે.
શ્વેતપ્રદરનાં વિવિધ કારણો હોય છે, જેમને 4 જૂથમાં વહેંચી શકાય છે : (1) શારીરિક રોગો જેવા કે પાંડુતા (anaemia), ક્ષયરોગ, દીર્ઘકાલી મૂત્રપિંડશોથ (chronic nephritis) તથા અન્ય દુર્બળતાકારી વિકારો; (2) કબજિયાત, અતૃપ્ત લૈંગિક એષણા, હસ્તમૈથુન (masturbation) જેવી શ્રોણિપ્રદેશ(pelvic region)માં લોહીનો ભરાવો વધારે (રુધિરભારિતા, congestion) તેવી વિવિધ પરિસ્થિતિઓ; (3) યકૃતતંતુકાઠિન્ય (cirrhosis of liver) તથા હૃદયની દીર્ઘકાલી નિષ્ફળતા તથા (4) ગર્ભાશય-ગ્રીવાનો સ્રાવ વધારતા અંત:સ્રાવી વિકારો; જેમાં ઇસ્ટ્રોજન વડે તે ગ્રંથિઓનું ઉત્તેજન થાય છે. ક્યારેક તે ઋતુસ્રાવ પહેલાં અથવા સગર્ભાવસ્થામાં પણ જોવા મળે છે.
યોનીય બહિ:સ્રાવમાં ગ્રીવામાંથી કે યોનિમાંથી પ્રવાહી આવી રહ્યું છે તેના પર અને ત્યાંનો પીડાકારક સોજો (શોથ, inflammation) કેટલો ઉગ્ર કે દીર્ઘકાલી છે તેના પર તેની ઘટ્ટતા અને અન્ય લાક્ષણિકતાઓ નિર્ભર છે. સામાન્ય રીતે 4 પ્રકારના બહિ:સ્રાવો હોય છે – (1) શ્લેષ્મપૂય (mucopurulent), (2) પૂર્ણ પૂય (frankly purulent)), (3) દુર્ગંધિત (foul smelling) અને (4) રુધિરાંકિત જલસમ (blood stained watery).
શ્લેષ્મપૂય પ્રકારનો બહિ:સ્રાવ ઘણેભાગે જોવા મળે છે. તે જાડો સફેદ-પીળા રંગનો હોય છે. તેમાં શ્લેષ્મ, શ્વેતકોષો તથા અધિચ્છદીય (epithelial) કોષો હોય છે. તે સાથે તેમાં ચેપ કરતા જીવાણુઓ પણ હોય છે.
પૂર્ણ પૂય પ્રકારનો બહિ:સ્રાવ ગ્રીવા અને યોનિના ચેપમાં જોવા મળે છે. ચેપને કારણે ઉગ્ર (acute) કે લાંબા ગાળાનો દીર્ઘકાલી (chronic) પીડાકારક સોજો થાય છે. આવા પીડાકારક સોજાને શોથ (inflammation) કહે છે. જો ઉગ્ર ગ્રીવાશોથ (acute cervicitis) ગોનોકોકાઈ નામના જાતીય સંક્રમણથી ફેલાતા ચેપના જીવાણુઓથી થાય તો ગર્ભાશય-ગ્રીવા લાલ રંગનું અને સૂજેલું હોય છે અને તેમાં અને તેની આસપાસ પરુ થયેલું હોય છે. દાણાદાર યોનિશોથ(granular vaginitis)માં પુષ્કળ પ્રમાણમાં પરુવાળો બહિ:સ્રાવ થાય છે. સામાન્ય રીતે યોનિમાં કોઈ વિકારની સારવાર માટે મુકાતી સંયોજનામાંના રબરથી કે પેસરીની વીંટી વડે ક્ષોભન (irritation) થાય છે. જ્યારે તેનાથી કે ગર્ભાશય નીચે ખસવાથી ચાંદું પડે છે ત્યારે દાણાદાર યોનિશોથ થાય છે. ક્યારેક ટ્રાયકોમોનાસ નામના પરોપજીવને કારણે ફીણવાળું પરુ થાય છે. તેની સાથે ખૂજલી પણ આવે છે. યોનિની દીવાલ પર થૂલિયો (thrush) નામનો સફેદ ચકતીઓવાળો ફૂગજન્ય રોગ થાય તો તેને ફૂગજન્ય યોનિશોથ (fungal vaginitis) કહે છે.
પરુવાળું પ્રવાહી અથવા નાશ પામતી વિકારગ્રસ્ત પેશી (કૅન્સર કે સંગ્રહાયેલી ગર્ભપેશી) હોય તો યોનીય બહિ:સ્રાવમાં દુર્ગંધ મારે છે. ચેપ વગરના અન્ય વિકારોમાં લોહીનાં ટપકાંવાળું પુષ્કળ પાણી જેવું (રુધિરાંકિત જલસમ) પ્રવાહી પડે છે; જેમ કે, ગર્ભાશય-ગ્રીવાનું કૅન્સર, શ્લેષ્મીય (mucous) કે ઑરપેશીય (placental) મસા, દ્રાક્ષજૂથસમ અર્બુદ (hydatidiform mole), અંડકોષનલિકામાં ગાંઠ વગેરે.
યોનીય બહિ:સ્રાવનું જે તે પ્રકારનું કારણ જાણવા માટે નૈદાનિક પ્રક્રિયા, પરીક્ષણો અને ચિત્રણો લેવાય છે. તેની સારવારમાં મૂળ રોગની સારવાર કરાય છે. ટ્રાઇકોમોનિયાસિસનો રોગ હોય તો મેટ્રોનિડેઝોલ ઉપયોગી ઔષધ છે. ફૂગજન્ય યોનિશોથની સારવારમાં નિસ્ટેટિન, ફ્લુકેનેઝોલ, કિટોકોનેઝોલ વપરાય છે. નિસ્ટેટિનની ગોળીને યોનિમાં સીધેસીધી મૂકી દેવાય છે. ક્લેમાયડિયાના ચેપમાં ટેટ્રાસ્કાઇક્લિન કે ડોસિસાઇક્લિન વપરાય છે. તેમાં એમૉક્સિસિલિન અને એરિથ્રૉમાયસિન પણ ઉપયોગી છે. કોઈ ચોક્કસ પ્રકારનો ન હોય તેવા ચેપમાં સાધન વડે જીવાણુનાશકનો મલમ યોનિમાં સીધેસીધો મૂકવામાં આવે છે. અંત:સ્રાવી રોગમાં મુખમાર્ગે ઇસ્ટ્રોજન અપાય છે.
શિલીન નં. શુક્લ
પ્રકાશ ગ. પાઠક