શ્વેતપત્ર : આગોતરી વિચારણા માટે સરકાર દ્વારા રજૂ કરાતો અધિકૃત દસ્તાવેજ. સરકાર દ્વારા જારી કરાતા આ પ્રકાશનમાં કોઈ વિશેષ બાબત કે વિષય અંગે નિવેદન, પ્રતિનિવેદન યા મહત્વપૂર્ણ સૂચનાઓ વગેરે પ્રકાશિત કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડ અને અન્ય સંસદીય પદ્ધતિની લોકશાહી ધરાવતા દેશોમાં સામાન્ય રીતે સંસદમાં રજૂ થતા ખરડાની પૂર્વતૈયારી રૂપે તે રજૂ થાય છે. તેમાં વ્યક્ત થયેલા વિચારો કે નીતિઓનો અમલ થાય તે પૂર્વે તેમાં ચર્ચાવિચારણા તેમજ ફેરફારને અવકાશ હોય છે. જ્યારે લોકોની જાણ માટે કેટલીક બાબતોની આગોતરી રજૂઆત આવદૃશ્યક હોય ત્યારે પણ શ્વેતપત્ર પ્રકાશિત કરવામાં આવે છે.

સરકારની મંજૂરી ધરાવતો અધિકૃત દસ્તાવેજ ઘણાં વધુ પાનાંઓ ધરાવતો અને વાદળી રંગના કવર કે ફાઇલમાં મુકાતો. એથી વિરુદ્ધ, ઓછાં પાનાં ધરાવતાં અને આખરી મંજૂરીની અપેક્ષા રાખતાં લખાણો સફેદ કવર કે ફાઇલમાં મુકાતાં હોવાથી તેમને શ્વેતપત્ર તરીકે ઓળખવાનો ચાલ શરૂ થયો હતો.

રક્ષા મ. વ્યાસ