શ્રોડિંજર, ઇરવિન (જ. 12 ઑગસ્ટ 1887, વિયેના; અ. 4 જાન્યુઆરી 1961, વિયેના) : પારમાણ્વિક સિદ્ધાંતના નવાં સ્વરૂપોની શોધ બદલ પી. એ. એમ. ડિરાકની ભાગીદારીમાં વર્ષ 1933નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની.
બે પેઢીઓથી તેમના પિતૃઓ વિયેનામાં વસેલા. માતા-પિતા તરફથી ઉચ્ચ કોટિનું શિક્ષણ અને સંસ્કારો મળ્યાં હતાં. શ્રોડિંજર ખુદ બુદ્ધિશાળી અને પ્રતિભાસંપન્ન હતા. પહેલાં રસાયણવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તે પછી ઇટાલિયન ચિત્રકળા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું. તે પછી વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેને પરિણામે વનસ્પતિ-દેહધર્મવિદ્યા ઉપર શ્રેણીબદ્ધ સંશોધન-લેખો લખ્યા.
19251926 દરમિયાન શ્રોડિંજર અને હાઇઝનબર્ગે ક્વૉન્ટમ યાંત્રિકીને સૂત્રબદ્ધ કર્યું. અણુ-પરમાણુની વર્તણૂકનું ચિત્ર દર્શાવવાની બાબતે ન્યૂટનના યંત્રશાસ્ત્રની મર્યાદાઓ છતી થઈ. ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રે આ મર્યાદા દૂર કરવાનો વિકલ્પ પૂરો પાડ્યો. નીલ્સ બ્હોરે, 1913માં પરમાણુ-નમૂનો સૂચિત કર્યો. આ નમૂના મુજબ પરમાણુની ન્યૂક્લિયસ આસપાસ ઇલેક્ટ્રૉન નિયત કક્ષામાં ભ્રમણ કરે છે. નીલ્સના પરમાણુ-નમૂનાએ ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રની ભૂમિકા પૂરી પાડી. આ સમયે 1924માં દ બ્રોગ્લીએ એક પાયાનો વિચાર રજૂ કર્યો. આ વિચાર મુજબ ઇલેક્ટ્રૉન તરંગના ગુણધર્મો ધરાવે છે. બ્હૉર-ઇલેક્ટ્રૉન કક્ષાની જગ્યાએ વિસરિત-વિતરણ(diffused distribution)નો ઉપયોગ કરવાનો રહે છે. પરિણામે કોઈ પણ સ્થાને ઇલેક્ટ્રૉન હોવાની સંભાવના (probability) મહત્વની બાબત બને છે. અર્થાત્, ઇલેક્ટ્રૉનનું નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થાન દર્શાવી શકાતું નથી. હાઇઝનબર્ગે દર્શાવ્યું કે પરમાણુ કેવી રીતે અણુની રચના કરે છે. ડિરાકે અંતે ઇલેક્ટ્રૉન માટેનું સૂત્ર તૈયાર કર્યું. આ સૂત્રને આધારે પૉઝિટ્રૉન(ઇલેક્ટ્રૉનનો પ્રતિકણ)ની આગાહી શક્ય બની. ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનનાં દળ, કદ અને લક્ષણો સમાન તથા તે સરખાં પણ વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવે છે.
શાળાના શિક્ષણ દરમિયાન શ્રોડિંજર જિમ્નેશિયમમાં ભારે રસ ધરાવતા હતા. તે દ્વારા તે વૈજ્ઞાનિક શિસ્તના પાઠ ભણ્યા. પૌરાણિક વ્યાકરણમાં રહેલ તાર્કિકતાની ભારે કદર કરતા હતા. જર્મન કાવ્યોમાં રહેલ સૌંદર્યનું પૂરી અદ્બથી રસપાન કરતા. તેમને માહિતીઓ યાદ રાખવાનો ભારે કંટાળો આવતો અને પુસ્તકિયા ભણતર પ્રત્યે છોછ હતો. 1906થી 1910 દરમિયાન તેઓ વિયેના યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે રહ્યા. આ સમયે તેમણે સતત (continuous) માધ્યમની અભિલાક્ષણિક સમસ્યાઓ (eigenvalue problem) ઉપર કૌશલ્ય સિદ્ધ કરી લીધું, જે તેમના ભવિષ્યના સંશોધનકાર્યનો પાયો બની રહ્યું. તેમણે તેમના સાથી-મિત્ર કે. ડબ્લ્યૂ. એફ. કોહ્લ્રૌશ (Kohlrausch) સાથે રહીને વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક કાર્ય શરૂ કર્યું. તે પછી પહેલા વિશ્વયુદ્ધમાં તેમણે આર્ટિલરી ઑફિસર તરીકે સેવાઓ આપી.
1920માં તેમણે ઝુરિક યુનિવર્સિટી ખાતે અનન્ય પ્રાધ્યાપક મૅક્સવીનના મદદનીશ તરીકે સ્થાન શોભાવ્યું. અહીં તેમણે છ વર્ષ ગાળ્યાં. સાથે મિત્રો હર્મન વેઇલ અને પીટર ડીબાય જેવા વિદ્વાનોના સાંનિધ્યમાં પોતાનો સમય સાર્થક રીતે પસાર કર્યો. અહીં સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનમાં તેમણે વિવિધ ખેડાણો કર્યાં. તે સમયે ઘન પદાર્થોની વિશિષ્ટ ઉષ્મા, ઉષ્માયાંત્રિકીની વિશિષ્ટ સમસ્યાઓ અને પારમાણ્વિક વર્ણપટ ઉપર સઘન સંશોધનકાર્ય કર્યું. વળી રંગોનો શરીર-ક્રિયાત્મક (physiological) અભ્યાસ કર્યો. 1926ના પૂર્વાર્ધમાં શકવર્તી (epoch-making) શ્રોડિંજર-તરંગ-સમીકરણ આપીને ઇતિહાસ રચ્યો.
1927માં શ્રોડિંજર પ્લાન્કના ઉત્તરાધિકારી તરીકે બર્લિન ગયા. આ સમયે જર્મનીની રાજધાની બર્લિનમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ પુરજોશમાં ચાલતી હતી. ત્યાં ઘણા વરિષ્ઠ અને ખ્યાતનામ વિજ્ઞાનીઓની સમક્ષ શ્રોડિંજર બેધડક ચર્ચામાં ભાગ લેતા અને પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરતા હતા. 1933માં હિટલર સત્તા ઉપર આવતાં તેમને લાગ્યું કે તેઓ જર્મનીમાં કામ નહિ કરી શકે. તેથી ઇંગ્લૅન્ડ પાછા આવીને ઑક્સફર્ડ ખાતે ફેલોશિપ મેળવી. 1936માં તેમને ગ્રાઝમાં ઉચ્ચ પદનો પ્રસ્તાવ કરવામાં આવ્યો. લાંબા વિચારો અને ચિંતન બાદ, વતનનું આકર્ષણ જતું કરીને, પ્રસ્તાવિત સ્થાન ગ્રહણ કર્યું. 1938માં ઑસ્ટ્રિયાને ખાલસા કરવામાં આવ્યું ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાયા; કારણ કે 1933માં તેમણે જર્મની છોડ્યું. તે ઘટનાને મૈત્રીવિરોધી ભાવથી જોવામાં આવી હતી. તુરત જ તેઓ ઇટાલી જતા રહ્યા અને ત્યાંથી તે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ગયા. થોડોક સમય ત્યાં રોકાયા બાદ તે નવા સ્થાપવામાં આવેલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડીઝ (ડબ્લિન) ખાતે ગયા. અહીંની સ્કૂલ ઑવ્ થિયોરેટિકલ ફિઝિક્સના નિયામક બન્યા. 1955માં તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી ડબ્લિનમાં રહ્યા.
તેમના જીવનમાં નિરાંતને સ્થાન ન હતું. બધા સમય દરમિયાન વિવિધ વિષયો ઉપર સંશોધન ચાલુ રાખીને લેખો પ્રસિદ્ધ કરતા રહ્યા. ખાસ તો પાછળના સમયમાં વિદ્યુતચુંબકત્વ અને ગુરુત્વાકર્ષણને એકીકૃત કરવામાં ખૂબ જ પરિશ્રમ ઉઠાવ્યો. આઇન્સ્ટાઇને પણ તેમજ કર્યું હતું. છતાં બળોનો આ એકીકૃત સિદ્ધાંત તો હજુય અણઉકલ્યો જ રહ્યો છે. 1944માં ‘What is life ?’ નામે નાની પુસ્તિકા લખીને તેમણે જીવન ઉપર ગજબનો પ્રકાશ પાથર્યો છે. પારમાણ્વિક ભૌતિકવિજ્ઞાનની ઇમારત મજબૂત કરવામાં તેમને અનહદ રસ હતો. તરંગ-કણ દ્વૈતવાદ પ્રત્યે તેમને અરુચિ હતી. તેથી આગળ પડતા ભૌતિકવિજ્ઞાનીઓમાં તેઓ વિવાદાસ્પદ બન્યા. શ્રોડિંજરે પોતાના જીવનમાં ખાસ ધ્યેય સાથે કોઈ મહત્ત્વાકાંક્ષા રાખી નથી કે પછી કોઈ મોટી યોજના હાથ ધરી નથી. તેઓ પોતાના વિદ્યાર્થીઓ અને મિત્રો તરફ અતડા રહેતા હતા એ હદ સુધી કે હોટલથી સ્ટેશન ઉપર જવું હોય તો બિસ્તરાં-પોટલાં ખભે ભેરવીને ચાલી પડતા. અધિવેશનમાં પણ આ રીતે જ જતા. નિવૃત્તિ બાદ તેમણે વિયેના પાછા આવીને સન્માનનીય સ્થાન ગ્રહણ કર્યું.
પ્રહલાદ છ. પટેલ