શ્રુસબરી આર્થર (જ. 11 એપ્રિલ 1856, ન્યૂ લેન્ટન, નૉટિંગહૅમશાયર; અ. 19 મે 1903, ગૅડિંગ નૉટિંગહૅમશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. ડબ્લ્યૂ. જ ગ્રૅસ જેવા મહાન ક્રિકેટરે તેમને તેમના સમકાલીનોમાં સૌથી ઉત્તમ લેખ્યા હતા. તેમની મોટાભાગની કારકિર્દી દરમિયાન, તેઓ દેશના સૌથી આકર્ષક વ્યવસાયી બૅટધર બની રહ્યા. ટર્નિંગ થતા દડાના તેઓ સમર્થ ખેલાડી હતા. ટેસ્ટ ક્રિકેટમાં 1,000 રન કરનાર તેઓ પ્રથમ ખેલાડી હતા. (1893).
જેમ્સ લિલી વાઇટ તથા આલ્ફ્રેડ શૉની સહાયથી તેમણે 1880ના દાયકામાં ઑસ્ટ્રેલિયાના 4 પ્રવાસ યોજ્યા અને તેમાંથી બેમાં તેમણે સુકાનીપદ સંભાળ્યું અને 7માંથી 5 ટેસ્ટમાં જીત મેળવી. જે જમાનામાં ઓછા સ્કૉર નોંધાતા હતા ત્યારે તેમણે ગ્રૅસ જેવા ખેલાડી કરતાં પણ વધુ ઝડપે સાતત્યપૂર્વક રન નોંધાવ્યા. તેમણે ‘ડબલ હન્ડ્રેડ’ 10 વખત પૂરા કર્યા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :
(1) 23 ટેસ્ટ 1881-93; 35.47ની સરેરાશથી 1277 રન; સદી 3; સૌથી વધુ જુમલો 164; 39 કૅચ.
(2) પ્રથમ કક્ષાની મૅચ 1875-1902; 36.65ની સરેરાશથી 26,505 રન; સદી 59; સૌથી વધુ જુમલો 267; 376 કૅચ.
મહેશ ચોકસી