શ્રીહર્ષ : સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીય ચરિત’ના રચયિતા. મહાકવિ શ્રીહર્ષે પોતાના મહાકાવ્યમાં જે માહિતી આપી છે તે મુજબ તેમના પિતાનું નામ હીર પંડિત અને માતાનું નામ મામલ્લદેવી હતું. તેમના પિતા હીર પંડિત તરીકે કનોજના દરબારમાં બેસતા હતા. કનોજના રાઠોડ વંશના રાજા વિજયચંદ્ર અને તેના પુત્ર રાજા જયચંદ્રનો 1156થી 1193 સુધીનો રાજ્યઅમલ હતો એમ ઇતિહાસકારો માને છે તેથી મહાકવિ શ્રીહર્ષ તેમના રાજ્યકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા તે સ્પષ્ટ છે. આથી શ્રીહર્ષનો સમય લગભગ નિશ્ચિત છે.

અનુશ્રુતિ મુજબ શ્રીહર્ષના પિતા હીરને નૈયાયિક ઉદયનાચાર્યે શાસ્ત્રાર્થમાં હાર આપેલી, તેથી અવસાનના સમયે પિતાએ ‘ઉદયનાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવજે’ એવું વચન મહાકવિ પાસેથી લીધેલું. પિતાને આપેલું વચન પાળી શ્રીહર્ષ કાશીમાં અનેક શાસ્ત્રમાં નિપુણ બની કનોજ પાછા ફર્યા અને તેમણે ઉદયનાચાર્ય પાસે હાર સ્વીકારાવેલી. એ પછી રાજાની વિનંતીથી ચિંતામણિ મંત્રજપના ફળ રૂપે ‘નૈષધીય ચરિત’ની રચના કરેલી.

કાશીમાં ગંગાતટે તેમણે ‘ચિંતામણિ’ મંત્રનો જપ તપ સાથે કર્યો. ભગવતી ત્રિપુરાએ દર્શન આપી અપ્રતિમ પાંડિત્યનું વરદાન આપ્યું. શ્રીહર્ષ એવા પંડિત કવિ થયા કે તેમની કવિતા કોઈને સમજાઈ નહિ. આથી પોતાની બુદ્ધિને જડ બનાવવાના પ્રયોગો કર્યા. એ પછી તેમણે ગ્રંથરચના કરી. પોતે ‘નૈષધીય ચરિત’ મહાકાવ્ય લઈ કાશ્મીરમાં તેની પરીક્ષા માટે ગયા. દેવી શારદાએ તે મહાકાવ્ય હાથમાં લઈને સ્વીકાર્યું. એ પછી મંદિરમાં જપ કરતા હતા ત્યારે ત્યાં બે પનિહારીઓએ પાણી ભરતાં ઝઘડો કર્યો અને રાજા પાસે ન્યાય માંગવામાં સાક્ષી તરીકે શ્રીહર્ષને હાજર કર્યા. શ્રીહર્ષે રાજદરબારમાં કાશ્મીરની અજાણી ભાષામાં બંને સ્ત્રીઓએ પરસ્પર શું કહ્યું તે બોલી બતાવ્યું. એનાથી ખુશ થયેલા કાશ્મીર-નરેશે તેમનું ‘નરભારતી’ એવું બિરુદ આપી સન્માન કર્યું.

શ્રીહર્ષ મહાપંડિત અને મહાકવિ હતા. કર્કશ તર્કપૂર્ણ શાસ્ત્રની અને સુકુમાર સાહિત્યની – બંને પ્રકારની રચનામાં તેઓ કુશળ હતા. સાથે સમાધિમાં બ્રહ્મનો સાક્ષાત્કાર તેમણે કરેલો. વળી ચિંતામણિ મંત્રનો જપ તો તેમણે કરેલો એટલે જપ દ્વારા સિદ્ધિ મેળવનારા તપસ્વી પણ તેઓ હતા. સંક્ષેપમાં, તેમનું વ્યક્તિત્વ બહુમુખી હતું.

તેમણે રચેલું ‘’નૈષધીય ચરિત’ મહાકાવ્ય તો સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાં સ્થાન પામેલું છે. ‘બૃહત્ત્રયી’માં ગણના પામેલું આ મહાકાવ્ય વિદ્વાનો માટે રસાયન-ઔષધ ગણાયેલું છે. તદુપરાંત તેમનો બીજો પ્રસિદ્ધ ગ્રંથ ‘ખંડનખંડખાદ્ય’ અદ્વૈત વેદાંતનો ગ્રંથ છે. ઉદયનાચાર્ય વગેરેનું ખંડન તેમાં છે. શ્રીહર્ષના કથન મુજબ પોતે ગ્રંથમાં જાણીજોઈને કેટલીક ગાંઠો મૂકી છે કે જેથી ખરા પંડિતો જ પ્રસ્તુત ગ્રંથને વાંચે, પંડિતમ્મન્યો ન વાંચે. શ્રીહર્ષે પોતે જ પોતાની રચનાઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં – (1) ‘નવસાહસાંકચરિતચંપૂ’, (2) ‘અર્ણવવર્ણન’, (3) ‘વિજયપ્રશસ્તિ’, (4) ‘છિન્દપ્રશસ્તિ’, (5) ‘ગૌડોર્વીશકુલપ્રશસ્તિ’, (6) ‘સ્થૈર્યવિચારપ્રકરણ’ અને (7) ‘શિવશક્તિસિદ્ધિ’ તથા ‘અમરકોશખંડન’ ટીકાનો સમાવેશ થાય છે, પરંતુ આ રચનાઓ પ્રકાશિત થયેલી નથી. શ્રીહર્ષમાં પાંડિત્ય અને કવિત્વ બંનેનો સુભગ સમન્વય થયેલો છે. અલંકૃત કાવ્યરચનાના તેઓ શિરમોર કવિ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી