શ્રી શ્રી રવિશંકર (જ. 13 મે 1956, પાપનાસમ, તમિળનાડુ) : આધ્યાત્મિક ગુરુ, શાંતિદૂત અને માનવતાવાદી નેતા.

શ્રી શ્રી રવિશંકરનો જન્મ રવિવારે થયો હોવાથી તેમનું નામ રવિ રાખવામાં આવ્યું હતું. યોગાનુયોગ એ દિવસે શંકરાચાર્યની પણ જયંતી હોવાથી રત્નમ દંપતીએ પુત્રના નામ ‘રવિ’માં ‘શંકર’ ઉમેરી દીધું હતું. કહેવાય છે કે માત્ર ચાર વર્ષની વયે તેમણે શ્રીમદ્ ભગવદગીતાના શ્લોકો ગાવાનું શરૂ કરી દીધું હતું અને માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે ભૌતિકશાસ્ત્ર અને વૈદિક સાહિત્યમાં ડિગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. તેમના પિતા મહાત્મા ગાંધીજીના અનુયાયી હતા અને આર. એસ. વેંકટ રત્નમ ઑટોમોબાઇલના ધંધામાં હતા, પરંતુ રવિશંકરે ધર્મનો રસ્તો પકડી લીધો. મહર્ષિ યોગી સાથે વૈદિક વિજ્ઞાન જેવા વિષય પર તેમણે થોડા સમય માટે વ્યાખ્યાન પણ આપ્યાં.

શ્રી શ્રી રવિશંકર દુનિયાની દરેક વ્યક્તિને માનસિક તણાવ અને હિંસાથી મુક્તિ અપાવવા માગે છે. આથી તેમણે 1982માં ‘આર્ટ ઑફ લિવિંગ’ નામની સંસ્થા શરૂ કરી. જેના માધ્યમથી સુદર્શન વિદ્યાનો પ્રચાર અને પ્રસાર તેઓ સુપેરે કરી રહ્યા છે. તેમના માટે સમગ્ર વિશ્વ તેમનો પરિવાર છે. સુદર્શન ક્રિયાથી મન અને મસ્તિષ્કનું જોડાણ થાય છે અને શ્વાસ પર નિયંત્રણ આવવાથી તણાવમુક્ત રહી શકાય છે એવું એમનું સ્પષ્ટ મંતવ્ય છે. તેમના મતે માનવતા એ જ અધ્યાત્મ છે. પ્રેમ, દયા અને ઉત્સાહ બધા ધર્મોનું મૂળ છે. ભારતીય સંસ્કૃતિને બચાવવી હોય તો દેશી ગાય, દેશી બીજ અને બેટી બચાવો શ્રેષ્ઠ ઉપાય છે.

અશ્વિન આણદાણી