શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ

January, 2006

શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ (સંસ્થાપક : શ્રીમન્નૃસિંહાચાર્યજી, 1882) : 19મી સદીના અંતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ સામે સ્વધર્મસંરક્ષણાર્થે જે અનેક ધર્મશોધન-સંસ્થાઓનો પ્રાદુર્ભાવ થયો તેમાંની એક. નિ:સ્પૃહવૃત્તિના, યોગૈશ્વર્ય ધરાવતા શ્રીનૃસિંહાચાર્યજીની આસપાસ તેજસ્વી તારકવૃંદ સમું શિક્ષિત શિષ્યમંડળ હતું. તેમાંના અગ્રણીઓ પૈકી છોટાલાલ જીવનલાલ માસ્તર સાહેબ, નર્મદાશંકર મહેતા, નગીનદાસ  સંઘવી, જેકિશનદાસ કણિયા વગેરેએ સાધકોના અભ્યુદય અને નિ:શ્રેયસ્ માટે અધ્યાત્મબલપોષક મંડળની સ્થાપના અર્થે સદ્ગુરુને વિજ્ઞપ્તિ કરી. પરિણામસ્વરૂપે 1882માં શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગની સ્થાપના થઈ. આ વર્ગે સુધારાની ઉગ્રતા અને આગ્રહને ઓગાળી નાખ્યાં અને સંસ્કારવિશુદ્ધિ, અભ્યાસ અને મતાંતરક્ષમાથી શોભતો સનાતન ધર્મ વિશિષ્ટ રીતે વ્યક્ત કર્યો.

સંસ્થાનું નામ સાંકેતિક હોવાથી સૂચવે છે કે વર્ગમાં જોડાનાર સાધક આત્મકલ્યાણ અને શ્રેયસ્ની સાધના માટે આવતો હોય છે. વર્ગનું નોંધપાત્ર લક્ષણ તે તેની બિનસાંપ્રદાયિકતા. કોઈ પણ સાધકને વર્ગમાં પ્રવેશ કરતાં પૂર્વે સ્વધર્મ છોડવો પડતો નથી. બલકે, વર્ગના સત્સંગ, સ્વાધ્યાય અને સાધનાભ્યાસથી પોતે કુલપરંપરાએ સ્વીકારેલા ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાન્તોને સારી રીતે સમજી શકતો. વર્ગમાં જૈન, વૈષ્ણવ, બ્રાહ્મણ જેવા હિંદુ સાધકો ઉપરાંત પારસી, ખોજા, મુસલમાન અને ખ્રિસ્તી અનુયાયીઓ પણ જોવા મળે છે. આચાર્યશ્રીની નીતિરીતિ અને ઉપદેશશૈલી પણ અદ્ભુત હતી. આ નિરહંકારવૃત્તિના આચાર્યે કદી પણ કોઈની સાથે વ્યવહાર કરતાં પોતાનો ગુરુભાવ પ્રગટ થવા દીધો નથી. તેમણે શિષ્યોને આકર્ષવા કદી નાના-મોટા ચમત્કારો કર્યા નથી. તેઓ કહેતા કે સ્વરૂપસાક્ષાત્કારથી વધીને બીજો કોઈ મોટો ચમત્કાર નથી. તેઓ અધિકારી શિષ્યને યોગ્ય સમયે વ્યક્તિગત રીતે દીક્ષા આપતા અને સાધનામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા.

શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગનાં સંચાલનનાં સૂત્રો આચાર્યશ્રીનું બીજું હૃદય બની ચૂકેલા સાધકશિરોમણિ છોટાલાલ માસ્તર સંભાળતા. તેમણે સદ્ગુરુની સંમતિથી વર્ગના મુખપત્ર ‘મહાકાલ’(1888)નો પ્રારંભ કર્યો. શ્રીનૃસિંહાચાર્યના સ્વરૂપાવસ્થાન બાદ, શ્રી છોટાલાલ માસ્તરે અને વર્ગના અગ્રગણ્ય સાધકોએ ‘પ્રાત:કાલ’ (1902), ‘ભક્ત’ (1903), ‘યમદંડ’ (1905), ‘ધર્મધ્વજ’ (1906), ‘ભાગ્યોદય’ (1912), ‘દંપતીમિત્ર’ (1912), ‘જીવન’ (1912) વગેરે માસિકોનું સંચાલન કરી સાત્વિક જીવનપાથેય પૂરું પાડ્યું. વર્ગના દ્વિતીય આચાર્ય શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યે આમાંનાં કેટલાંક માસિકો અમુક સમય સુધી ચાલુ રાખ્યાં અને પછી ‘શ્રેયસ્સાધક’ (1913) નામનું માસિક (પછી સાપ્તાહિક) વર્ગના હાર્દને યથાતથ જાળવી નવાં રંગરૂપે પ્રગટ કર્યું.

સાધકોનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ વિવિધ સાધનો દ્વારા જ્ઞાતવ્ય-પ્રાપ્તવ્યને પામી શકે તે હેતુથી વિવિધ ઉત્સવો ઊજવાય છે. તેમાંના મુખ્ય 15 ઉત્સવો પૈકી શ્રી ઉપેન્દ્ર જયંતી મહોત્સવ (કાર્તિક કૃષ્ણ. 1), શ્રીમન્નૃસિંહાચાર્ય જયંતી (કાર્તિક કૃષ્ણ. 14), શ્રી સાધનસમારંભ (ફાલ્ગુન શુક્લ. 15થી ફાલ્ગુન કૃષ્ણ. 6) અને શ્રી ગુરુપૂર્ણિમા(આષાઢ શુક્લ. 15) ઉલ્લેખનીય છે. શ્રી ઉપેન્દ્રાચાર્યે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રી સરસ્વતીસત્ર, શ્રી વિહારસત્ર વગેરેની યોજના અમલમાં મૂકી હતી અને ‘ચારિત્ર્યમંદિર’ (1925) જેવી નૂતન અભિગમવાળું છાત્રાલય ઊભું કર્યું હતું. શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગનો ગુજરાતનાં સાહિત્ય અને સંસ્કારક્ષેત્રે મહત્વનો ફાળો છે.

લવકુમાર દેસાઈ