શ્રીશિવરાજ્યોદયમ્ (1972) : સંસ્કૃત કવિ શ્રીધર ભાસ્કર વર્ણેકર (1919) રચિત કાવ્યગ્રંથ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો.
વર્ણેકરે નાગપુરમાં શિક્ષણ લીધા પછી નાગપુર યુનિવર્સિટીના સંસ્કૃત ભાષા સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
શ્રી શિવરાજ્યોદયમ્ કૃતિ ઐતિહાસિક કાવ્ય છે. તેના નાયક તરીકે છત્રપતિ શિવાજી છે. તેમાં સત્તરમી સદીના મધ્યભાગ સુધીનો સમય આવરી લેવાયો છે. આ કાવ્યમાં 68 સર્ગ છે અને પ્રાચીન ભૂમિના ખાસ કરીને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક તથા ધાર્મિક વારસાથી કાવ્યનો પ્રારંભ થાય છે. શિવાજી મહારાજનાં જન્મ, શિક્ષણ તથા ઉછેરની વિગત પણ તેમાં આલેખાઈ છે. ક્રમશ: અને યોજનાબદ્ધ રીતે શિવાજી પોતાના શત્રુઓનો સામનો કરે છે. પોતાના માટે તે નાનું રાજ્ય પણ ઊભું કરી લે છે. પાછળથી તે સૌથી શક્તિશાળી રાજ્ય બની રહે છે. શિવાજીનું ‘છત્રપતિ’ તરીકે રાજ્યારોહણ ઊજવાય છે અને તેઓ એક રાષ્ટ્રીય વીરપુરુષ બની રહે છે. આ કૃતિમાં વીરરસની પ્રધાનતા સાદ્યંત જળવાઈ રહી છે. તે સાથે ઓજસ્ ગુણ, ગૌડી અને વૈદર્ભી રીતિ તથા આરભટી વૃત્તિ તેમાં વણાયેલી છે.
મહેશ ચોકસી