શ્રી શિવ છત્રપતિ (1964) : મહાન મરાઠી ઇતિહાસકાર, વિદ્વાન અને લેખક ટી. એસ. સેજવળકર(1885-1963)ની શિવાજી અંગેની ચિરસ્મરણીય કૃતિ. આ કૃતિને 1966ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 98 પાનાંની શ્રેષ્ઠ પ્રસ્તાવના આ કૃતિનું મહત્વનું લક્ષણ છે. શિવાજી વિષયના તેમના આ અભ્યાસમાં નવો અભિગમ અપનાવવા ઉપરાંત નવી પદ્ધતિઓ અને નવી તક્નીકોનો પણ ઉપયોગ થયો છે.

આ કૃતિ તૈયાર કરતાં પહેલાં તેમણે શિવાજીના પ્રભાવ હેઠળના ભૌગોલિક પ્રદેશો, હદવિસ્તારો, વિકાસ અને શિક્ષણ ઉપરાંત તેમની રોજેરોજની હિલચાલ વિશે વિગતવાર ચાર્ટ તૈયાર કર્યો અને સંદર્ભગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. સ્થળો અને પાત્રોનાં નામો વિશે થતો ગૂંચવાડો ટાળવા અને સાચી વિગતો મેળવવા અતિધીરજ અને ભારે ખંતપૂર્વક અથાક પ્રયત્નો કર્યા. આમ કરીને તેમણે મરાઠા ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે નવો માર્ગ ચીંધ્યો. મરાઠા ઇતિહાસમાં સંતોએ ભજવેલી ભૂમિકા અને દક્ષિણ ભારત જીતવામાં શિવાજીના પ્રેરકબળ અંગે કેટલાક મતભેદો હોવા છતાં તેમના આ મહાન પ્રદાનને કોઈ ઝાંખપ લાગતી નથી. આ કૃતિથી તેમણે મરાઠા ઇતિહાસ અંગે મૌલિક રીતે વિચાર કરનારા ન્યાયમૂર્તિ રાનડે અને રાજવાડેની કક્ષામાં તેમનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

આ પુરસ્કૃત કૃતિ ‘શ્રી શિવ છત્રપતિ’ મહાન મરાઠા વીર શિવાજીના જીવન અંગેની તેમની છેલ્લી દળદાર કૃતિ છે, જે તેમના મરણ બાદ પ્રગટ થઈ હતી. આ કૃતિ તેના લેખકના ખંતીલા અને ઉદ્યમી સંશોધનકાર્ય માટે તથા ઐતિહાસિક આધારસામગ્રીના મૌલિક અર્થઘટન માટે તત્કાલીન મરાઠી સાહિત્યમાં મહત્વનું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા