શ્રીલંકાની પરંપરાગત કળા : શ્રીલંકાની પરંપરાગત પ્રાચીન અને મધ્યકાલીન કળા.
ભારતની દક્ષિણે આવેલો દેશ શ્રીલંકા ભારતની સંસ્કૃતિથી પ્રભાવિત છે. હિન્દી મહાસાગરમાં આ દેશ ભારતના તમિલનાડુના દરિયાકિનારાથી કેટલેક ઠેકાણે તો માત્ર ચાળીસેક કિલોમીટર જ દૂર છે. તેની સિંહાલી ભાષા દક્ષિણ ભારતના દ્રવિડ કુળની નહિ, પણ ‘ઇન્ડો-યુરોપિયન’ કુળની છે. તેથી તે હિન્દી-ગુજરાતી-બંગાળી જેવી ભાષાઓ સાથે સામ્ય ધરાવે છે.
બે હજાર બસો વર્ષ પહેલાં સમ્રાટ અશોકનાં પુત્ર-પુત્રી મહેન્દ્ર અને સંઘમિત્રાએ શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનો વ્યાપક ફેલાવો કર્યો ત્યારથી આજ સુધી બૌદ્ધ ધર્મ આ દેશનો મુખ્ય ધર્મ રહ્યો છે. પ્રાચીન ભારતની આંધ્ર, ચોળ અને પાંડ્ય શિલ્પશૈલીઓએ તથા ચીની કળાએ પણ અહીં પ્રભાવ મૂક્યો છે.
પ્રાચીન તમિળ, ચીની, ઊડિયા અને થાઈ રાજાઓએ શ્રીલંકા પર આક્રમણો પણ કર્યાં હતાં અને તેને ગુલામ બનાવેલું. આ પ્રાચીન સમયમાં શ્રીલંકામાં વિશાળકાય બૌદ્ધ સ્તૂપો, વિહારો અને મહેલો બાંધવામાં આવ્યા, જેમાંનું મોટા ભાગનું આજે નષ્ટ થઈ ગયું છે. તેમાં ઉત્તમ કક્ષાનાં શિલ્પ હતાં, જેનો આજે બચેલા જૂજ નમૂના ઉપરથી અંદાજ આવે છે.
શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના પ્રવેશ અગાઉ હિન્દુ અને જૈન ધર્મોનો વ્યાપક ફેલાવો હતો. એના ફળસ્વરૂપે આજે પણ શ્રીલંકામાં હિન્દુ દેવદેવીની પ્રાચીન મૂર્તિઓ મળી આવે છે. દક્ષિણ શ્રીલંકાના કતારગામમાં સ્કંદકુમારની મૂર્તિ, આદમ્સ પીક ઉપર યમદેવની મૂર્તિ ઉપરાંત શિવ, ગણેશ, કાલી અને વૈદિક દેવ વરુણની મૂર્તિઓ મળી આવી છે. પછીથી જ્યારે અહીં બૌદ્ધ ધર્મ ફેલાયો ત્યારે તેની થેરાવાડા શાખાનું પ્રભુત્વ રહ્યું. શ્રીલંકાનો વ્યવસ્થિત ઇતિહાસ દેવાનામ્ પિયાનિસ્સ(ઈ. સ. પૂર્વે 247-207)ના રાજ્યાભિષેક પછી જ પ્રાપ્ત થાય છે.
આ સમય દરમિયાન ભારતના પ્રખ્યાત સમ્રાટ અશોકનો પુત્ર મહેન્દ્ર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા શ્રીલંકા આવ્યો હતો. અનુગામી રાજા દુટ્ટહ ગ્રામણીએ સમગ્ર પ્રદેશમાં બૌદ્ધ ધર્મ પ્રચલિત કર્યો. ઈસુની તેરમી સદી સુધી શ્રીલંકાના કળાકારોને ભારતમાંથી પ્રેરણા મળતી રહી, પણ ભારતીય તમિળોનાં સતત આક્રમણો સામે અનુરાધાપુર ટકી ન શક્યું. પંદરમી સદીમાં તમિળનું વર્ચસ સ્થપાયું. ત્યાર પછી ઉત્તર શ્રીલંકા અને તેનાં નગરો જંગલોથી છવાઈ ગયાં, અનેક મકાનો, મંદિરો અને શિલ્પો ખંડેરમાં ફેરવાયાં.
અનુરાધાપુરનાં જંગલોમાંથી મળી આવેલા સૌથી પ્રાચીન સ્તૂપ છે થાપુરામા. તે બે હજાર બસો વર્ષ પ્રાચીન છે. બંધાયાંનાં સો વરસ બાદ સ્થાનિક રાજા દુત્તગામનીએ તેનો વિસ્તાર કરી તેને મોટું કદ આપેલું. તેનો ઘુમ્મટ મૂળમાં લાકડામાંથી બનાવેલો હોવાથી કાળક્રમે તે નાશ પામ્યો છે. અનુરાધાપુરના અન્ય એક ખૂબ જ જાણીતા સ્તૂપ રુગનવેદી દાગબની રચનામાં છેલ્લા દસકાઓમાં એટલા બધા ફેરફારો થયા છે કે મૂળ સ્તૂપનો ખ્યાલ મેળવવા એની લઘુ આવૃત્તિરૂપ સ્તૂપનો આધાર લેવો પડે. અમરાવતીના સ્તૂપ કરતાં આ સ્તૂપનો વ્યાસ દોઢો એટલે કે 254 ફૂટ છે અને ઊંચાઈ 180 ફૂટ છે.
અહીંના સ્તૂપોમાં જોવા મળતી પીઠિકા ભારતમાં અમરાવતી કે નાગાર્જુનકોંડામાં જોવા મળે છે, પણ ભારતીય સ્તૂપના પાંચ આયક સ્તંભ શ્રીલંકામાં નથી. વિહારો લંબચોરસ છે, એમાં મૂળમાં ભીંતો ઈંટોની હતી અને અંદરની બાજુએ સ્તંભ હતા અને ટેકવીને લાકડા કે પતરાની છત હતી.
અનુરાધાપુરનાં મંદિરોના સ્તંભોમાં જોવા મળતી શ્રીલંકન શૈલીની વિશિષ્ટતા રૂપે ઉપરના ચોરસ કે અષ્ટકોણી ભાગોની નીચે સિંહોના ગળામાં પુષ્પમાળાઓ જોવા મળે છે. અહીંની ખૂબ જ જાણીતી ઇમારત લોહપ્રસાદનો આજે તો પાયો જ બચ્યો છે. નવ માળની આ ઇમારતનું બાંધકામ લાકડાનું હતું, પણ એમાં કીમતી ધાતુઓ અને હાથીદાંતનું જડતર હતું.
પછીથી જીર્ણોદ્ધાર કરીને અહીં પાંચ માળ ઊભા કરાયા હતા. આનો થોડો ખ્યાલ ભારતના મામલ્લપુરના ‘ધર્મરાજ રથ’ પરથી આવી શકે છે, કારણ કે ખડકમાંથી કોતરી કાઢેલા નાનકડા મંદિર ધર્મરાજ રથને આદર્શ નમૂનારૂપ ગણી આ ઇમારત બની હતી. ઈસવી સનની શરૂઆતની સદીઓમાં શ્રીલંકા અને ચીન વચ્ચે સમુદ્રમાર્ગે સંબંધો હતા. વેપારી અને સાંસ્કૃતિક આપલે થતી હતી. શ્રીલંકામાંથી ચીન ગયેલી બૌદ્ધ પ્રતિમાઓએ છઠ્ઠા ચીની રાજવંશની શિલ્પકળાને પ્રભાવિત કરી હોવાનું મનાય છે.
રુગનવેલી દાગમાંથી યોગમુદ્રાવાળી બૌદ્ધ પ્રતિમાઓ કળાદૃષ્ટિએ વધુ મહત્ત્વની છે. આમાં વપરાયેલા દાણાદાર પથ્થરને કારણે અલંકરણને ઝાઝો અવકાશ મળ્યો નથી, પણ એના આકાર અને વિશાળતાને કારણે પ્રભાવશાળી અને ગૌરવપૂર્ણ લાગે છે. અનુરાધાપુરની આસનસ્થ બુદ્ધની પ્રતિમા આનો ઉત્તમ નમૂનો છે. સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીકસમા કુંભ લઈને આવતા નાગદેવતાની પ્રતિમાઓ અનુરાધાપુરની આસપાસ મળી આવે છે. સુશોભનના સંદર્ભે તે ભારતની ગુપ્તકાલીન બોધિસત્ત્વની પ્રતિમાઓને મળતી આવે છે. અહીંનાં મંદિરોનાં ગર્ભગૃહના પ્રવેશદ્વારે અર્ધચંદ્રાકાર ઉંબરાઓમાં સારનાથના અશોકસ્તંભની જેમ સિંહ, આખલા અને હાથીની હારમાળાઓ જોવા મળે છે.
છઠ્ઠી સદી પહેલાંની ચિત્રકળાના કોઈ નમૂના મળ્યા નથી, પણ અનુમાન કરી શકાય કે ચિત્રપરંપરા પણ શિલ્પ- સ્થાપત્ય જેટલી જ જૂની હશે. કશ્યપ રાજાના શાસનકાળ (511-529) દરમિયાન સિગિરિયામાં કમરથી નીચેના ભાગે વાદળોથી ઢંકાઈ ગઈ હોય અને છાતી ખુલ્લી હોય એવી અપ્સરાઓનાં ભીંતચિત્રોમાં અજંતાની સીધી અસર જોઈ શકાય છે. રૂપાળી યુવતીઓના ચહેરા પર મોહક સ્મિત જોવા મળે છે.
રાજકીય ઊથલપાથલોને કારણે આઠમીથી તેરમી સદી સુધી શ્રીલંકાનું પાટનગર પોલોન્નારુવા રહ્યું. ઈશાન વિસ્તારનાં ગાઢ જંગલોમાં તોપાવેવાનાં રાતાં કમળથી આચ્છાદિત સરોવર પાસે સ્થાપત્યના જૂના અવશેષો છે. સિંહલ વંશના છેલ્લા મહાન રાજા પરાક્રમબાહુના સમય(1164-97)માં કળાને પુષ્કળ ઉત્તેજન મળ્યું હતું. તોપાવેવા સરોવર પાસેની એક પુરુષ પ્રતિમા આ રાજાની મનાય છે. વિશાળ દાઢીવાળા આ રાજાના હાથમાં ધૂંસરી છે, આ પ્રતિમા હમણાં જ ડગલું ભરશે તેવું જીવંત લાગે છે.
પોલોન્નારુવાનાં શિવમંદિરો અગિયારમી સદીનાં દક્ષિણ ભારતીય ચોળ મંદિરોની યાદ અપાવે છે. અહીંથી તાંજોર શૈલીની સુંદર કાંસ્ય પ્રતિમાઓ મળી આવી છે. સિંહલ અને ભારતીય ધાતુકામના ઉત્તમ નમૂનારૂપ પટ્ટિણી દેવીની પિત્તળની પ્રતિમા સિગિરિયાનાં ભીંતચિત્રોની અપ્સરા સાથે સામ્ય ધરાવે છે.
આ ઉપરાંત હાથીદાંત પર કોતરકામની કળા પણ સત્તરમી સદી સુધી સારી રીતે સચવાઈ હતી. સોનાચાંદી જેવી કીમતી ધાતુઓની કોતરણીમાં સિંહલ કળાકારો નિપુણ હતા. કાંસાના દીપ પ્રાચીન રોમન આકારોની યાદ અપાવે છે, તો કેટલાક દીપ કંબોડિયાના કમળદીપોની યાદ અપાવે છે.
બુદ્ધના પૂર્ણમૂર્ત શિલ્પો શ્રીલંકાની શિલ્પકળાના શ્રેષ્ઠ નમૂના છે. ચોથી સદીથી બારમી સદી સુધીમાં કંડારેલી આ મૂર્તિઓમાં ભારતની ગુપ્તકાલીન મૂર્તિઓમાં જોવા મળતો ત્રિભંગ જોવા મળતો નથી, પણ ટટ્ટાર અક્કડ અદા જોવા મળે છે. આમાં સૌથી વધુ વિરાટ અને પ્રભાવક છે આવુકાનામાં એક જ ખડકમાંથી કોતરેલી 46 ફૂટ ઊંચી, પૂર્ણમૂર્ત બુદ્ધપ્રતિમા. પર્વતોની ઊંચી ભેખડો ઉપર અર્ધમૂર્ત બુદ્ધ-પ્રતિમાઓ કંડારી હતી. અર્ધમૂર્ત એટલે શિલ્પની એક બાજુને પાછળની ભીંત કે પાછળની ભેખડનો ટેકો મળતો હોય. આવી રીતે ખડકને અઢેલીને ઊભેલી બુદ્ધ પ્રતિમાઓમાં બુદુરુવેગાલાની બુદ્ધ-પ્રતિમા શ્રેષ્ઠ છે. મુખ ઉપર શાંત ભાવ સાથે તે બંને હાથે ‘વિતર્ક’ મુદ્રામાં વાર્તાલાપ કરતી નજરે પડે છે. ઉપરાંત બોધિસત્ત્વો, અવલોકિતેશ્વર અને અમિતાભની મૂર્તિઓ પણ કંડારાઈ. સાસેરુવામાં બાર ફૂટ ઊંચી બુદ્ધ-પ્રતિમા છે.
ઇસુરુમુનિમાં જળક્રીડા કરતા હાથીઓનાં ઝુંડને ખડકોમાંથી જીવંત જણાય તેવા કંડારાયા છે. તિસાવેલા સરોવરની બાજુમાં આવેલા આ મહાકાય શિલ્પ ઉપર ‘ગંગાવતરણ’ જેવા દક્ષિણ ભારતના પલ્લવ શિલ્પની અસર છે. શ્રીલંકાનાં અંતિમ સુંદર સ્થાપત્યોમાં કેન્ડી ખાતેનું બૌદ્ધ દંતમંદિર શ્રેષ્ઠ ગણી શકાય.
અમિતાભ મડિયા
