શ્રીરંગમ્ : ભારતના તામિલનાડુ રાજ્યના ત્રિચિનાપલ્લી જિલ્લાનું એક નગર. તે કાવેરી નદીની શાખાઓ અને કોલ્લિટમની વચ્ચે એક ટાપુ પર આવેલું છે. ચેન્નાઈ અને ત્રિચિનાપલ્લી નગરને જોડતો માર્ગ અહીંથી પસાર થાય છે. ત્યાં રેલવે-સ્ટેશન પણ છે. મુખ્યત્વે આ ધાર્મિક નગર છે. અહીંનું વિષ્ણુમંદિર તેની વિશાળતા, ભવ્યતા અને મૂર્તિકલાને માટે પ્રસિદ્ધ છે. નગરની પાસે જંબુકેશ્વરમ્ નામનું એક બીજું જાણીતું મંદિર છે.
જનશ્રુતિ અનુસાર ભગવાન રામ અને શ્રી બલદેવ આ સ્થળે પધાર્યા હતા. પ્રખ્યાત દાર્શનિક રામાનુજાચાર્યે શ્રીરંગમમાં રહીને પોતાના મતનો પ્રચાર કર્યો હતો અને તેમનું અવસાન પણ આ સ્થળે થયું હતું.
અહીંના ભવ્ય શ્રીરંગમ્ મંદિરનું નિર્માણ 17મી કે 18મી શતાબ્દીમાં થયું હતું.
જયકુમાર ર. શુક્લ