શ્રીમાલ પુરાણ : શ્રીમાલભિલ્લમાલ વિશે રચાયેલું એક પુરાણ. તેનું નામ ‘શ્રીમાલ પુરાણ’ કે ‘શ્રીમાલ માહાત્મ્ય’ છે. ‘શ્રીમાલ’ નામ કેવી રીતે પડ્યું એની કથા આ પુરાણમાં આપેલી છે. શ્રીમાલ નામે જે નગરી જાણીતી થઈ તેનું પ્રારંભનું નામ ગૌતમાશ્રમ હતું. ભૃગુઋષિને ઘેર દીકરી તરીકે લક્ષ્મીજી જન્મ્યાં. તેમને વિષ્ણુ સાથે પરણાવવામાં આવ્યાં. આ સ્થળ ઉપર થઈને પસાર થતાં વિષ્ણુ અને બીજા દેવો ત્યાં રોકાયા ત્યારે ત્ર્યંબક સરોવરમાં સ્નાન કર્યા પછી લક્ષ્મીને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થયું. તેથી દેવોએ તે આખા વિસ્તારને દૈવી પુષ્પોની માળાઓથી ઢાંકી દીધો. તેથી પાંચ કોશ જેટલો વિસ્તાર જે દેવોના વિમાન માટે ઉપયોગમાં લીધો હતો, તેને લક્ષ્મીની વિનંતીથી ‘શ્રીમાલ’ નામ આપવામાં આવ્યું. આ બધો પ્રદેશ શ્રીએ બ્રાહ્મણોને બક્ષિસ આપ્યો. આ સ્થળે વિશ્વકર્મા(દૈવી સ્થપતિ)એ ભવ્ય નગર બાંધ્યું. તેનું સુંદર વર્ણન શ્રીમાલ પુરાણમાં આપ્યું છે. આ નગરને અવકાશમાંથી શ્રી, વિષ્ણુ તથા અન્ય દેવોએ જોઈને તે માટે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો.

વિષ્ણુએ વિશ્વકર્માને વરદાન આપ્યું : ‘તમે જે સ્થાપત્યવિદ્યા ઉત્પન્ન કરી છે તે ધર્મશાસ્ત્ર હોય તે રીતે શ્રેષ્ઠ બ્રાહ્મણો તેનો અભ્યાસ કરશે. જ્યાં મહેલો અને ઘરો બંધાતાં હશે ત્યાં સ્થપતિઓમાં તમે જ સૌપ્રથમ માન પામશો એ નિ:શંક છે.’ જે સ્થળ ઉપર આ નગર બંધાયું તે શ્રીમાલનગર તરીકે જાણીતું થયું.

શ્રીમાલમાં કલિયુગ આવેલો જાણીને લક્ષ્મી ત્યાંથી ચાલી ગયાં, ને એમના જવાથી શૂન્ય થયેલા શ્રીમાલનું ભિન્નમાલ નામ થયું એવું ‘શ્રીમાલ પુરાણ’ જણાવે છે. આ પ્રદેશ હાલ આબુની ઉત્તરપશ્ચિમે (વાયવ્યે) આજના રાજસ્થાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. ‘શ્રીમાલ પુરાણ’ સ્કંદપુરાણની અન્તર્ગત છે.

જયકુમાર ર. શુક્લ