શ્રીતિલકાયસોર્ણવ: (1969થી 1971) : સંસ્કૃતના વિદ્વાન માધવ શ્રીહરિ અણે (1880-1968) રચિત ગ્રંથ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. સંસ્કૃતમાં લખેલો આ તેમનો એકમાત્ર ગ્રંથ છે અને તેનું મરણોત્તર પ્રકાશન થયું હતું. મહાન દેશભક્ત ટિળકના જીવન વિશેનું આ મહાકાવ્ય છે. તેમાં 12 હજાર શ્લોક છે. તેની ચિત્રાત્મક શૈલી તથા ભાષાના સમર્થ ઉપયોગ બદલ આ કૃતિ અનન્ય ઠરી છે.
લેખક પોતે ટિળકના શિષ્ય હતા અને આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. 3 ગ્રંથોના 12 હજાર શ્લોક 1954 તથા 1967 વચ્ચે રચાયા હતા. ટિળક અંગેનું કથાવસ્તુ વર્ણનાત્મક તથા વિસ્તૃત અને વાસ્તવદર્શી છે. ચરિત્રની ગુણાનુરાગયુક્ત, ભાવ અને ભાવનાસભર વાક્છટાયુક્ત રજૂઆત આકર્ષક છે. મોટાભાગના શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. ગ્રંથમાં કેટલાય મહત્વના, ઉપયોગી તથા દુર્લભ ફોટોગ્રાફ આપવામાં આવ્યા છે. પુસ્તકના અંતે લેખકના હસ્તાક્ષર પણ આપ્યા છે. વીસમી સદીના ઉત્તરાર્ધના એક મહાન કવિનો આ એક મહાન ગ્રંથ છે.
મહારાષ્ટ્રમાં વણી ખાતે જન્મેલા આણેએ નાગપુર ખાતે શિક્ષણ લઈ શિક્ષક તરીકે શરૂઆત કરી અને પછી વકીલાતના વ્યવસાયમાં જોડાયા. પણ આઝાદીની ચળવળમાં ભાગ લેવા બદલ તેમને ઘણીવાર જેલવાસ વેઠવો પડ્યો. ઇન્ડિયન હોમરૂલ લીગ તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં તેમણે સક્રિય ભાગ લીધો. તેઓ મધ્યસ્થ ધારાસભાના અને પછી વાઇસરૉયની કાર્યવાહક સમિતિના સભ્ય પણ રહેલા. સ્વતંત્ર ભારતમાં તેઓ 1948માં બિહારના રાજ્યપાલ નિમાયા હતા. બે મુદત સુધી તેઓ લોકસભાના સભ્ય પણ રહેલા.
મરાઠી ભાષામાંનાં તેમનાં પ્રવચનો તથા લખાણો 2 ગ્રંથોમાં પ્રગટ થયાં છે. તેઓ સંસ્કૃત સાહિત્યના પરમભક્ત હતા અને સંસ્કૃતમાં કાવ્યરચના એ તેમનો પ્રિય શોખ હતો. 1968માં તેમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ આપ્યો હતો અને એ દિવસે જ તેઓ અવસાન પામ્યા હતા.
મહેશ ચોકસી