શ્રીકાંત, લક્ષ્મીદાસ મંગળદાસ (જ. 1897, મુંબઈ; અ. 7 જાન્યુઆરી 1990, દાહોદ) : ભીલ સેવા મંડળ(દાહોદ)ના પ્રમુખ, મુંબઈ ધારાસભાના સભ્ય, ભારત સરકારના પછાત વર્ગોના કમિશનર અને ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ. લક્ષ્મીદાસનો જન્મ મુંબઈના ગર્ભશ્રીમંત વૈષ્ણવ મંગળદાસ શ્રીકાંતને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને ત્યાંની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી 1919માં બૉમ્બે યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેમણે એલએલ.બી.નો અભ્યાસ શરૂ કર્યો; પરંતુ 1920માં ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરીને વિદ્યાર્થીઓને સરકારી શાળા-કૉલેજોનો બહિષ્કાર કરવાની હાકલ કરી. તેથી લક્ષ્મીદાસે એલએલ.બી.ની પરીક્ષા આપી નહિ અને રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા.
તેમણે મુંબઈમાં ગાંધીજીને રૂબરૂ મળી તેમની સૂચના મુજબ રેંટિયા પર કાંતવા માંડ્યું તથા ખાદીના તાકા ખભે નાખી ગલીએ ગલીએ ફરીને ખાદી વેચવા માંડી. તેમણે કાલબાદેવી રોડ પર રેંટિયા-વર્ગ શરૂ કર્યો. તેનું ઉદ્ઘાટન ગાંધીજીએ કર્યું હતું. તે પછી સેન્ડહર્સ્ટ રોડ પરના પોતાના મકાનમાં ખાદીહાટ ચલાવ્યો. કુટુંબીજનોએ વિરોધ કરવા છતાં, તેમણે ગરીબો અને હરિજનોમાં અસ્પૃદૃશ્યતાનિવારણ, ખાદી તથા રેંટિયા-પ્રવૃત્તિ ચાલુ રાખી. ગિરગામ તાલુકા કૉંગ્રેસ સમિતિના ખજાનચી તરીકે તેમને નીમવામાં આવ્યા. તે સાથે તાલુકા કૉંગ્રેસ સમિતિનું દફતર પણ તેઓ સંભાળતા હતા.
તેમના કાકાને આ પ્રવૃત્તિ પસંદ ન હોવાથી, તેમણે ઘર છોડવાની ફરજ પાડી. ફક્ત એક જોડ કપડાં લઈને શ્રીકાંતભાઈએ ગૃહત્યાગ કર્યો. રેલવે પ્રવાસમાં તેમને ઠક્કરબાપા(અમૃતલાલ ઠક્કર)નો ભેટો થયો. ઠક્કરબાપાને સેવાભાવી કાર્યકર્તા જોઈતા હતા અને શ્રીકાંતભાઈને રચનાત્મક કાર્ય જોઈતું હતું. ઠક્કરબાપાએ તેમને દાહોદ-ઝાલોદ તાલુકાના આદિવાસી લોકોની કરુણ અને દયાજનક દશાની માહિતી આપીને ભીલ સેવા મંડળની પ્રવૃત્તિઓ જણાવી. 1923માં શ્રીકાંતભાઈ દાહોદ ગયા. ઠક્કરબાપા સાથે ભીલોની અસહ્ય ગરીબ હાલત તથા ચીંથરેહાલ દશા જોઈને ગદ્ગદિત થઈ ગયા. તેમણે ભીલોની સેવા કરવાનો પોતાનો નિર્ધાર જાહેર કર્યો અને ઠક્કરબાપાએ તેમને ઝાલોદમાં નવા ભીલ આશ્રમની શરૂઆત કરવા તથા તેના આચાર્ય તરીકે મોકલ્યા.
શ્રીકાંતભાઈ ગામડાંમાં જઈ, ભીલ લોકોને સમજાવી તેમનાં સંતાનોને આશ્રમમાં ભણવા તથા સંસ્કાર આપવા તેડી લાવતા. તેઓ બાળકોને સવારસાંજ પ્રાર્થના કરાવતા, બપોરના ભણાવતા અને આશ્રમના હિસાબો લખતા. ઝાલોદના આગેવાનો તેમને પૂરતો સહકાર આપતા હતા. ભીલોના જાણીતા આગેવાનો અને સામાજિક કાર્યકરો માલસિંહ ઠાકોર, ટીટાભાઈ હઠીલા, ગવજીભાઈ કિશોરી વગેરે તેમના વિદ્યાર્થીઓ હતા.
કેટલાક સમય બાદ, ઠક્કરબાપા શ્રીકાન્તભાઈને દાહોદ ભીલ સેવા મંડળની ઑફિસમાં લઈ ગયા. દાહોદના મુખ્ય કાર્યાલયના સંચાલન ઉપરાંત તેઓ આશ્રમોની મુલાકાતો માટે પંદરથી વીસ કિમી. ચાલીને જતા.
શ્રીકાંતભાઈ 1926માં ભીલ સેવા મંડળના આજીવન સેવક બન્યા અને વીસ વરસ સુધી સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી. ભીલ સેવા મંડળના કાર્ય ઉપરાંત પંચમહાલ જિલ્લા લોકલ બોર્ડ, જિલ્લા સ્કૂલ બોર્ડ અને પંચમહાલ જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રહીને જિલ્લાનાં રચનાત્મક કાર્યોને તેમણે વેગ આપ્યો.
સ્કાઉટોની વિશ્વરેલીમાં ભાગ લેવા 1929માં તેઓ પરદેશ ગયા ત્યારે તેમણે ઇંગ્લૅન્ડ, જર્મની, આયર્લૅન્ડ વગેરે દેશોની ઐતિહાસિક દૃષ્ટિએ માહિતી મેળવી. પંચમહાલ જિલ્લા સહકારી બૅન્કની સ્થાપના 1929માં કરવામાં આવી, ત્યારે તેના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી.
ગાંધીજીએ 1930માં સવિનય કાનૂનભંગની લડત શરૂ કરી ત્યારે પંચમહાલ જિલ્લાના મલાવ ગામે તેમની આગેવાની હેઠળ જંગલ-સત્યાગ્રહ કર્યો. તેથી સરકારે તેમને પકડીને કેસ ચલાવી 11 મહિનાની સખત કેદની સજા કરીને તેમને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. તે પછી 1932માં કાનૂનભંગ કરવાથી તેમને બે વર્ષની સજા થઈ હતી.
1935માં ભીલ સેવા મંડળના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. ત્યારથી 1950 સુધી તેમણે પ્રમુખ તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી. 1938માં શ્રીકાંતભાઈ મુંબઈની ધારાસભામાં બિનહરીફ ચૂંટાયા અને 1950 સુધી ધારાસભ્ય તરીકે પંચમહાલનું પ્રતિનિધિત્વ કર્યું.
લક્ષ્મીદાસ ભીલ સેવા મંડળમાં અવેતન સેવા આપતા હતા. ઉપરાંત પ્રતિવર્ષ મંડળને રૂપિયા ત્રણેક હજારનું દાન આપતા હતા. દાહોદ કન્યા આશ્રમ માટે તેમણે 1939માં જમીન ખરીદી આપી, કૂવો કરાવ્યો અને રૂપિયા બાર હજારના ખર્ચે દાહોદ આશ્રમનું મકાન બંધાવી, મંડળને અર્પણ કર્યું.
‘હિંદ છોડો’ ચળવળ 1942માં શરૂ થઈ ત્યારે તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલવામાં આવ્યા. બે વરસ સુધી અટકાયતમાં રહ્યા હતા. દાહોદ સહકારી ખરીદ-વેચાણ સંઘની 1944માં સ્થાપના કરવામાં આવી. તેઓ તેના ચેરમૅન તરીકે ચૂંટાયા હતા.
આદિવાસીઓ તથા અન્ય પછાત જાતિઓનાં વિકાસ તથા હિતોના રક્ષણ વાસ્તે, ભારત સરકારે તથા દરેક રાજ્યે પોતાના બજેટમાં ફાળવેલી રકમો વખતસર ખર્ચાય છે કે નહિ તે જોવા – ભારત સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિઓના કમિશનર તરીકે શ્રીકાંતભાઈની 1950માં નિમણૂક કરી. આદિવાસીઓની મુલાકાતો લેવા તેમણે દુર્ગમ પહાડો, ખીણો અને જંગલોમાં ખચ્ચર, ઊંટ કે ઘોડા પર બેસીને મુસાફરી કરી હતી. દર વર્ષે તેઓ હજારો કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરતા. 1950થી 1961 એટલે અગિયાર વર્ષ સુધી આ હોદ્દા પર રહીને તેમણે ઘણી કીમતી સેવા બજાવી હતી. 1962થી 1965 સુધી તેમણે ગાંધી રાષ્ટ્રીય સ્મારક નિધિના મંત્રી તરીકે દિલ્હીમાં ફરજ બજાવી હતી. આ ઉપરાંત તેમણે ભારતીય આદિમ જાતિ સેવક સંઘના ઉપ-પ્રમુખ અને ખજાનચી તરીકે, મધ્યપ્રદેશ વનવાસી સેવા મંડળ તથા હિમાચલ કિન્નર સંઘ અને ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી.
પ્રિયદર્શન રામચંદ્ર શુક્લ