શ્રીકંઠ : સંસ્કૃત ભાષાના કવિ અને પંડિત. શ્રીકંઠ ઉદીચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ મંગલ હતું. મંગલ સદ્ગુણોના ભંડાર, શ્રેષ્ઠ બ્રાહ્મણ અને વિષ્ણુભક્ત હતા. કવિ શ્રીકંઠ મૂળ દક્ષિણ ભારતીય હશે એવું કેટલાક વિદ્વાનો માને છે. અલબત્ત, ગુજરાત તેમની કર્મભૂમિ હતી એ નિ:શંક છે. પોતાની જાતને તેઓ ‘કાવ્યકલાકુશલ કવિ’ તરીકે ઉલ્લેખે છે. શ્રીકંઠની સંગીતજ્ઞતા અને સાહિત્યશાસ્ત્રની વિદ્વત્તા દાદ માંગી લે તેવી છે. રૂપદેવ અને પૂર્ણાનંદ કવિ – એ બે ગુરુઓ પાસેથી શ્રીકંઠે અભ્યાસ કરેલો એવો સ્પષ્ટ નિર્દેશ તેમણે કર્યો છે. જયદેવ કવિના ‘ગીતગોવિંદ’ પર રૂપદેવે ટીકા લખી હોવાનો નિર્દેશ મળે છે. તેમના ત્રીજા ગુરુ પુંડરિક વિઠ્ઠલ હતા એવો પણ એક મત છે.
શ્રીકંઠ નવાનગરના રાજા જામ સત્તરસાલ(શત્રુશલ્યસિંહજી)ના રાજદરબારમાં કવિ અને પંડિત તરીકે બેસતા હતા. પોતાના આશ્રયદાતા રાજા વિશે કેટલીક માહિતી શ્રીકંઠે પોતે આપી છે. તે મુજબ પોતાની શૂરવીરતાથી શત્રુ રાજાઓને હરાવી તીર્થધામ દ્વારકામાં લેવાતા કરવેરા એમણે બંધ કરાવ્યા હતા. જામ સત્તરસાલ રાજા પોતે સંગીત અને સાહિત્યના વિદ્વાન અને વિદ્વાનોના આશ્રયદાતા પણ હતા. પ્રજાને ખુશ કરનારા, રસિક રાજાએ શાસ્ત્રને અનુસરીને રાજવહીવટ કરેલો. જામ સત્તરસાલનો સમય 1569-1608નો છે. કવિ શ્રીકંઠ પણ તેમના સમસામયિક હતા તે સ્પષ્ટ છે.
શ્રીકંઠની બધી રચનાઓમાં ‘રસકૌમુદી’ એ શિરમોર સમી રચના છે. તેના પૂર્વખંડ અને ઉત્તરખંડ એવા બે વિભાગો પાંચ પાંચ અધ્યાયોના બનેલા છે. પૂર્વખંડમાં સંગીતની અને ઉત્તરખંડમાં સાહિત્યની ચર્ચા શ્રીકંઠે એ કારણસર આપી છે કે સાહિત્ય કરતાં સંગીતને તે ચઢિયાતું માને છે.
સંગીતની ચર્ચા કરતાં પૂર્વખંડમાંના પ્રથમ અધ્યાયમાં 93 શ્લોકોમાં દેવગુરુની વંદના અને ગ્રંથ અને લેખક વિશે માહિતી પછી સંગીતના નાદ અને તેની ઉત્પત્તિ, 22 શ્રુતિઓ, સંગીતના સ્વરો, ગ્રામ, મૂર્ચ્છના, તાન વગેરેની વાત કરી છે. દ્વિતીય અધ્યાયમાં 219 શ્લોકોમાં રાગ, વીણા અને તેના પ્રકારો, હસ્તવ્યાપાર, રાગવિવેક, રાગના પ્રકારો, ગાયકનાં લક્ષણો અને દોષો, ચ્છાયા અને આલાપની વાત છે. તૃતીય અધ્યાયમાં 150 શ્લોકોમાં ગીત, ગાન, પ્રબંધ, પ્રબંધના ધાતુ, અંગ, અવયવ અને જાતિ, ગણો અને વર્ગો, એલા, આઠ કરણો, રીતિ, ગીતના ગુણો અને દોષોની ચર્ચા કરી છે. ચતુર્થ અધ્યાયમાં 190 શ્લોકોમાં વાદ્ય અને તેના પ્રકારો, તાલ અને તેના પ્રકારો, સુષિરવાદ્ય, વંશલક્ષણ અને નિર્માણની રજૂઆત કરી છે. પંચમ અધ્યાયમાં 356 શ્લોકોમાં નાટ્યવેદપરંપરા, નૃત્યશાળા, નૃત્યવર્ણન, નાટ્યાંગ, શિર, હસ્ત, નૃત્યહસ્ત, ચરણ, નાટ્યપ્રકાર, અભિનયવિવેક, નૃત્યપ્રાણ, નર્તકીનાં આભૂષણો, નર્તન, 108 કરણો, અંગહાર, ચારીઓ, મંડલ અને સ્થાનની રજૂઆત કરી છે.
ઉત્તરખંડના બાકીના પાંચ અધ્યાયોમાં છઠ્ઠા અધ્યાયમાં નાટ્યની પ્રશંસા પાંચ શ્લોકોમાં કરી છે. એ પછી સાતમા અધ્યાયમાં 26 શ્લોકોમાં રસનું સ્વરૂપ, શૃંગાર અને તેના ભેદો તથા હાસ્ય વગેરે અન્ય રસોની ચર્ચા આપી છે. અષ્ટમ અધ્યાયમાં 31 શ્લોકોમાં સ્નાન વગેરે સોળ શૃંગારોની વિગતો આપી છે. નવમ અધ્યાયમાં 59 શ્લોકોમાં નર્તકીકૃત્ય અને વસંતાદિ ઋતુઓનાં વિગતે વર્ણનો છે. અંતિમ દશમ અધ્યાયમાં 48 શ્લોકોમાં રાજનીતિ, રાજાનાં દિનકૃત્યો, સંધિ વગેરે રાજનીતિના ષડ્ગુણો, રાજાનાં સ્નાનભોજનાદિ કૃત્યો અને નૃત્યગીતાદિદર્શન, રાજાનાં આભૂષણો, રાજા માટે અવિશ્વસનીય માણસો, રાજાનું શયનગૃહ, અંત:પુર વગેરે રજૂ કરી અંતે ગ્રંથપ્રશસ્તિ, પોતાના આશ્રયદાતા જામ સત્તરસાલ અને તેમને ગ્રંથાર્પણ સાથે પ્રસ્તુત ‘રસકૌમુદી’ સમાપ્ત થાય છે.
પારુલ માંકડ
પ્ર. ઉ. શાસ્ત્રી