શ્રી એસ. કે. શાહ ઍન્ડ શ્રીકૃષ્ણ ઓ. એમ. આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, મોડાસા

January, 2006

શ્રી એસ. કે. શાહ ઍન્ડ શ્રીકૃષ્ણ . એમ. આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, મોડાસા (સ્થાપના વર્ષ 1965) : ગુજરાતનું પુરાતત્વવિદ્યા-વિષયક મ્યુઝિયમ. હાલ શ્રી અંબાલાલ રણછોડદાસ સૂરા મ્યુઝિયમ તરીકે ઓળખાતા આ મ્યુઝિયમનું સંચાલન મોડાસાનું મ. લ. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, આર્ટ્સ કૉલેજ કરે છે. તેની રચના માટેના પ્રેરક તત્કાલીન આર્ટ્સ કૉલેજના આચાર્ય ડૉ. ધીરુભાઈ ઠાકર હતા. તેનું ઉદ્ઘાટન તત્કાલીન નિયોજન-પ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાજીના વરદ હસ્તે થયેલું.

કિન્નર યુગલ [કૉલેજ મ્યુઝિયમમાંની એક શિલ્પકૃતિ (13મી શતાબ્દી)]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-સંલગ્ન મહાવિદ્યાલયની સાથે સંકળાયેલું આ એકમાત્ર મ્યુઝિયમ છે. તેમાં 4થી સદીથી 17મી સદી સુધીના શિલ્પાવશેષો સંગૃહીત છે. આ શિલ્પો મોડાસા અને તેની આસપાસના પ્રદેશમાંથી મળેલાં છે. સાબરકાંઠાનાં શિલ્પસ્થાપત્ય પર તે સવિશેષ પ્રકાશ પાડે છે. તેમાંના નમૂનાઓ રચના અને શૈલીની દૃષ્ટિએ મહત્વના છે. વળી નિર્માણ-સમયની દૃષ્ટિએ પણ તેમનું મહત્વ છે.

અશ્મ ઓજારો : અહીં માઝુમ નદીની ખીણમાંથી પુરાતત્વવિદ્ સ્વ. હસમુખ સાંકળિયા દ્વારા પ્રાપ્ત થયેલ પાષાણયુગનાં અશ્મ ઓજારો સંગ્રહાયેલ છે, જે આદિમાનવની જીવનશૈલીની યાદ આપે છે.

સૂર્યશિલ્પો : અહીં સાત અશ્ર્વોના રથ પર બેઠેલા સૂર્યનારાયણની રેતિયા પથ્થરની ભગ્નમૂર્તિ છે; તો સફેદ આરસપહાણમાંથી નિર્મિત સૂર્યનારાયણની હોલબૂટ સાથેની મૂર્તિ પણ છે. મંડોવરના ભાગમાં રહેલ રેતિયા પથ્થરનું સૂર્યશિલ્પ તેમજ કાળા અડધિયા પથ્થરનો સૂર્યશિલ્પનો અવશેષ પણ છે.

માટીનાં પાત્રો : અહીં માટીનાં પાત્રો અને ઈંટો પણ છે. મોડાસાના ભૂતળમાંથી લગભગ 30 ફૂટ નીચેથી મળેલ આ પાત્રો મોડાસાના ઇતિહાસની ‘પટ્ટણ સો દટ્ટણ’ની સાક્ષી પૂરે છે. દેવની મોરીમાંથી મળી આવેલ સ્તૂપની ઈંટો ઈ. સ.ની 4થી સદીની છે. મોડાસામાંથી પણ એવી પાટલા-ઈંટો મળી છે.

ગણેશશિલ્પો : અહીંયાં દૂંદાળા ગણેશનું પાર્ષદોની સાથે બેઠેલું રેતિયા પથ્થરમાંથી ઘડેલું વિશાળકાય શિલ્પ છે. તેમાં ગણેશના ભાલે ચંદ્ર હોવાથી ભાલચંદ્ર કે બાલચંદ્ર ગણેશ તરીકે ઓળખાય છે. વિશાળ ખંડપીઠ ઉપર પીઠિકા સાથે ચતુર્ભુજ હાથમાંના બે હાથ ખંડિત છે. તેના મસ્તકની બંને બાજુના છેડે દામણી લટકતી શોભે છે. રત્નવલયની પત્રરચના, હારપાંદડી, ગૂંથણી વગેરે કલાકારની અલંકારપ્રિયતા દર્શાવે છે. ડાબી બાજુની સૂંઢ ધરાવતી આ મૂર્તિ કલાવિધાનનો શ્રેષ્ઠ નમૂનો છે. પ્રસન્ન ગણપતિનો શિલ્પાવશેષ અતિપ્રાચીન છે. તે 4થી-5મી સદીનું શિલ્પ જણાય છે. બીજાં પણ ગણેશ-શિલ્પો છે.

શિવપાર્વતી-વિવાહનું કલ્પણ સુંદરક શિલ્પ નૃત્ય કરતા નર્તકો સાથેનું 12મી સદીનું છે. શામળાજીમાંથી મળેલું 4થી સદીનું પાર્વતીનું સાયુધ શિલ્પ સ્ત્રીશક્તીકરણની ઝાંખી કરાવે છે. મંડોવરમાં આરૂઢ શિવ-ભૈરવનાં શિલ્પો પણ અહીં છે. મંડોવરમાં આરૂઢ ચંદ્રશેખર શિવનું આવું કિરીટયુક્ત શિલ્પ બૃહદ ગુજરાતમાં અન્યત્ર અલભ્ય છે.

બ્રહ્માનાં શિલ્પ : પાર્ષદો સાથે હંસવાહનયુક્ત બ્રહ્માની સલેખ પ્રતિમા અતિપ્રાચીન છે (4થી સદી). આ ઉપરાંત કિન્નર-યુગલ, આભૂષણો અને હારપંક્તિથી લદાયેલી ભગ્ન વિષ્ણુમૂર્તિ, જૈન તીર્થંકરોના શિલ્પાવશેષો, વરાહ-નારાયણનો 13મી સદીનો શિલ્પાવશેષ, સંસ્કૃત, અરબી, ફારસી અને દેવનાગરી શિલાલેખો, દીવાલના ખૂણે સુશોભિત સુંદરીઓવાળાં 12મી સદીનાં શિલ્પો, માનવસહજ કામાવસ્થાને સૂચવતાં ઇરેટિક શિલ્પો વગેરે અહીં દર્શનીય છે. નાનાં-મોટાં અલાતચક્રો, શિખરના ભાગો અને તેની ભિન્ન ભિન્ન શૈલી મોડાસા અને મોડાસાપ્રદેશ ભગ્નમંદિરોનો દેશ હોવાનું પુરવાર કરે છે. પાળિયાઓમાં કાન્હડદે પ્રબંધમાં ઉલ્લેખાયેલ બત્તડનો પાળિયો પણ છે.

આ ઉપરાંત કાષ્ઠકોતરકામ, વેલબુટ્ટાની ભાતવાળી બારી, ટોડલા, દરવાજા, દ્વારશાખ, કલાત્મક પટારો, લોખંડની પેટી વગેરે જોવાલાયક છે.

આ મ્યુઝિયમ જાહેર રજા, રવિવાર અને વૅકેશન સિવાય રોજ બપોરે કલાક 2થી 5 સુધી જોઈ શકાય છે. શનિવારે તે સવારે 8થી 11 સુધી ખુલ્લું રહે છે. લગભગ 150 જેટલા શિલ્પાવશેષોનો સંગ્રહ ધરાવતા આ મ્યુઝિયમનું યોગ્ય રીતે ડૉક્યુમેન્ટેશન મ. સ. યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. તે ઉત્તર ગુજરાતમાં ગુજરાત સરકારમાં નોંધાયેલું છે. અહીં અભ્યાસ-સંશોધન માટે શિલ્પશાસ્ત્રને લગતાં પુસ્તકોનું સંદર્ભ-પુસ્તકાલય પણ છે. તામ્રપત્ર, સિક્કાઓ અને જૂની રંગભૂમિનાં કેટલાંક નાટકોની હસ્તપ્રતો પણ છે.

બળદેવભાઈ કનીજિયા