શ્રાદ્ધ : હિંદુ ધર્મમાં મૃતક પાછળ થતો વિધિ. श्रद्धया यद्दीयते तच्छाद्धम् । (શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે.) વિજ્ઞાનેશ્વર દાન અને શ્રાદ્ધનો ભેદ બતાવતાં કહે છે કે, ‘श्राद्धं नामादनीयस्य तत्स्थानीयस्य चा द्रव्यस्य प्रेतोद्देशेन श्रद्धया त्यागः ।’ – પિતૃઓ કે પ્રેતને ઉદ્દેશીને કરાતા દ્રવ્યત્યાગને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધના એકોદ્દિષ્ટ અને પાર્વણ શ્રાદ્ધ બે પ્રકાર છે. એક જ પુરુષને ઉદ્દેશીને થતું શ્રાદ્ધ એકોદ્દિષ્ટ છે. મરનારને ઉદ્દેશીને થતાં આદ્યશ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ, સાંવત્સરિક શ્રાદ્ધ વગેરે શ્રાદ્ધો એકોદ્દિષ્ટ શ્રાદ્ધ છે. ત્રણ પેઢીને ઉદ્દેશીને થતાં શ્રાદ્ધને પાર્વણ શ્રાદ્ધ કહે છે. પાર્વણ શ્રાદ્ધના નિત્ય, નૈમિત્તિક અને કામ્ય – એમ ત્રણ પ્રકારો પાડવામાં આવે છે. દરરોજ કરાતા શ્રાદ્ધને નિત્યશ્રાદ્ધ કહે છે. અમાવાસ્યા, અષ્ટકા, અન્વષ્ટકા, પુત્રજન્મ વગેરે નિમિત્તે થતા શ્રાદ્ધને નૈમિત્તિક શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધપક્ષમાં થતાં શ્રાદ્ધ નૈમિત્તિક શ્રાદ્ધ છે. સ્વર્ગાદિફળ માટે કૃતિકા વગેરે નક્ષત્રો કે વિશિષ્ટ તિથિએ થતાં શ્રાદ્ધ કામ્ય શ્રાદ્ધ છે. મરનાર વ્યક્તિને પ્રેતત્વમાંથી મુક્ત કરી પિતૃઓમાં ભેળવવા થતું શ્રાદ્ધ સપિંડીકરણ કે સમાન શ્રાદ્ધ કહેવાય છે. મરનાર વ્યક્તિના દાહ, દાટવું, જળમાં વહાવવું કે જંગલમાં છોડી દઈ થતા અંત્યેદૃષ્ટિ સંસ્કારથી તેના પંચભૌતિક સ્થૂળ દેહનો નાશ થતાં તેના ઊર્ધ્વગમન માટે વાયુરૂપ સૂક્ષ્મ દેહના નિર્માણ માટે દશ દિવસ પર્યંત કે દસમા દિવસે, ક્યારેક નવમા દિવસે થતા શ્રાદ્ધને દશાહશ્રાદ્ધ, અવયવશ્રાદ્ધ, ગાત્રશ્રાદ્ધ કે ગર્તશ્રાદ્ધ કહેવાય છે. આ એકોદ્દિષ્ટ શ્રાદ્ધ છે. અગિયારમા દિવસે પ્રાયશ્ચિત્તવિધિપૂર્વક નારાયણબલિ શ્રાદ્ધ કરાય છે. મૃતકના શબને થતા ષટ્પિંડ અને દશાહશ્રાદ્ધ મળીને થતું શ્રાદ્ધ મલિન ષોડશી કહેવાય છે. એકાદશાહ શ્રાદ્ધમાં પણ માસિક શ્રાદ્ધ થાય છે. બારમા દિવસે સપિંડીકરણ કે સમાનશ્રાદ્ધ કરવાની પરંપરા છે. આ પછી પ્રત્યેક મહિને મોડામાં મોડું મરનારની તિથિએ માસિક શ્રાદ્ધ થાય છે. આ પછી વરસ પૂરું થતાં સાંવત્સરિક અને વરસી શ્રાદ્ધ થાય છે. મરનારના તેરમા દિવસે વિવિધ દાનપૂર્વક શ્રાવણીશ્રાદ્ધ અનંતાદિ ત્રયોદશ દેવતાના પૂજન સાથે કરવામાં આવે છે.
યજ્ઞ, વિવાહ, ઉપનયન જેવા માંગલિક પ્રસંગે અભ્યુદય પ્રસંગે થતું શ્રાદ્ધ આભ્યુદયિક, નાંદી કે વૃદ્ધિશ્રાદ્ધ કરવામાં આવે છે. ક્યાંક ક્યાંક કુળદેવીને ઉદ્દેશીને માતૃકાશ્રાદ્ધ પણ કરવામાં આવે છે. વિષ્ણુને ઉદ્દેશીને થતા વૈષ્ણવશ્રાદ્ધનો પણ નિર્દેશ મળે છે.
કાળની દૃષ્ટિએ વિચારતાં દેવકાર્ય માટે પૂર્વાહ્ન અને પિતૃકાર્ય માટે અપરાહ્ન પ્રશસ્ય છે.
એકોદ્દિષ્ટ પ્રકારનાં શ્રાદ્ધોમાં વિશ્વેદેવો ન આવે. એકોદ્દિષ્ટ શ્રાદ્ધમાં એક અર્ઘ્યપાત્ર, એક દર્ભ અને એક પવિત્રું હોય. તેમાં અગ્નૌકરણ અને હોમ પણ ન આવે. પાર્વણશ્રાદ્ધમાં વિશ્વેદેવ પૂજાય છે. પાર્વણના પ્રમાણમાં અર્ઘ્યપાત્ર, પવિત્રું, દર્ભ વગેરે આવે. માતાનું શ્રાદ્ધ પ્રથમ કરાય પછી પિતાનું. સપિંડીકરણ શ્રાદ્ધમાં પ્રેત અને તેના ત્રણ પૂર્વજ પિતૃઓ, જે પિંડના અધિકારી હોય છે તે સાથે ચાર પાત્રમાં ગંધ, જળ, તલયુક્ત પુષ્પજળનો અર્ઘ્ય અર્પણ કરાય છે. આથી મરનારની પૂર્વજ ત્રણ પેઢી પિંડભાક્ કહેવાય છે. તે પછીની ત્રણ પેઢી લેપભાક્ કહેવાય છે. તેમને પિંડ વાળ્યા પછી વધેલા – હાથે ચોંટેલા ભાત દર્ભથી લૂછીને અર્પણ કરાય છે. સપિંડીકરણ કે સમાન શ્રાદ્ધમાં પ્રથમ પ્રેતપાત્રનું અર્ઘ્યજળ સીંચી પ્રેતને પિતૃઓમાં ભેળવાય છે. આવી જ રીતે પ્રેતને ઉદ્દેશીને મુકાયેલો લંબગોળ પિંડ ત્રણ ભાગમાં વહેંચી પૂર્વજ ત્રણ પેઢીમાં એક એક ભાગ ભેળવી મરનારની પૂર્વજ ત્રણ પેઢીમાં ભેળવી પ્રેતત્વમાંથી મરનારને મુક્ત કરી પિતૃપદ આપવામાં આવે છે. પછી ભ્રાન્તિથી પણ મરનાર માટે ‘પ્રેત’ શબ્દ ઉચ્ચારવાનો રહેતો નથી. પિંડના ત્રણેય ભાગ પિતૃ, પિતામહ અને પ્રપિતામહને ઉદ્દેશીને પિંડોમાં મધ-ઘી મિશ્રિત કરી પ્રેતપિંડને ભેળવવામાં આવે છે.
યાજ્ઞવલ્ક્યે સ્મૃતિમાં અને તેના ટીકાકાર વિજ્ઞાનેશ્વરે ‘મિતાક્ષરા’માં સ્ત્રીના સપિંડીકરણ વિશે વિગતે ચર્ચા કરી છે. લગ્ન થતાં સ્ત્રી ચતુર્થીકર્મ પ્રસંગે ચરુભક્ષણ દ્વારા પતિ સાથે સપિંડીકરણ પામે છે. મર્યા પછી સાસુ, વડસાસુ અને પરવડસાસુ સાથે સપિંડીકરણ કરવાનો પણ મત છે. યમના મતે મંત્ર, આહુતિ અને વ્રતથી મૃત્યુ પામનારી સ્ત્રી પતિ સાથે એકત્વ પામતી હોવાથી પતિકુળ સાથે તેનું સપિંડીકરણ કરવું જોઈએ. ઉશનસ્ સ્ત્રીનું સપિંડીકરણ એના પિતા, પિતામહ અને પ્રપિતામહ અર્થાત્ સ્ત્રીના પુત્રના માતામહ, પ્રમાતામહ અને વૃદ્ધ પ્રમાતામહ સાથે કરવા જણાવે છે. કોકિલમત અનુસાર વિવાહ સમયે સપ્તપદીના સાતમા પગલે સ્ત્રી પિતૃગોત્ર છોડી પતિના ગોત્રને પામે છે; પણ મરણ પછી સ્ત્રી જેવી રીતે કોયલ જન્મ પછી પાંખો આવતાં કાગડાનો માળો છોડી પોતાની જ્ઞાતિમાં ભળે છે તેમ પતિના કુળમાંથી પિતૃકુળમાં પાછી ફરે છે. સ્ત્રીના સપિંડીકરણ વિશે વિવિધ મતોની સમાલોચના કરતાં જણાય છે કે :
(1) જો સ્ત્રી અપુત્ર મરણ પામે તો પતિએ પોતાની માતા અર્થાત્ સાસુ, વડસાસુ અને પરવડસાસુ સાથે પતિકુળમાં સપિંડીકરણ કરવું.
(2) અન્વારોહણ કરનારી કે સતી થયેલી સ્ત્રીનું સપિંડીકરણ પતિની સાથે જ કરવું.
(3) આસુર વગેરે વિવાહોત્પન્ન પુત્ર કે પુત્રિકાપુત્રે સ્ત્રીનું સપિંડીકરણ માતામહ, પ્રમાતામહ અને વૃદ્ધ પ્રમાતામહ સાથે કરવું.
(4) બ્રાહ્માદિ વિવાહોત્પન્ન પુત્રે કુલાચાર પ્રમાણે માતામહ કે પિતામહી સાથે સપિંડીકરણ કરવું.
સપિંડીકરણ બારમા દિવસે, સંવત્સરના અંતે, દોઢ મહિને કે વૃદ્ધિ પ્રાપ્ત થતાં કરાય.
જનનાશૌચ અને મૃતાશૌચ સાત પેઢીના સંબંધાનુસાર નજીકના સંબંધ પ્રમાણે લાગે. પિંડદાન અને સપિંડીકરણ આવા પિતરાઈ સંબંધનું સૂચક છે. પિંડદાન પછી પિંડનું વિસર્જન કર્યા બાદ પિંડ ગાય, બકરાં કે બ્રાહ્મણને અપાય અથવા અગ્નિ કે જળમાં પધરાવાય. શ્રાદ્ધમાં વિસ્તાર ન કરાય. શ્રાદ્ધકર્મ મૈત્રીધર્મ માટે નથી.
નક્ષત્રમંડળમાં ધૂમાદિમાર્ગ, પિતૃયાન કે દક્ષિણાયન પિતૃઓનો માર્ગ છે. વાયુ રૂપે જીવની વિવિધ ગતિઓ પુરાણોમાં ખાસ કરીને ગરુડપુરાણના પ્રેતોદ્ધારકલ્પમાં સવિશેષ મળે છે.
શ્રાદ્ધ પ્રાણીનો સંબંધ આબ્રહ્મસ્તંબપર્યંત માને છે. પિતૃઓને વસુ, રુદ્ર અને આદિત્ય સાથે સ્થાપી ભૂમંડળ, અંતરિક્ષમંડળ અને સૂર્યમંડળ સાથે જોડે છે. વેદમાં નવગ્વા, દશગ્વા, આજ્યપા, ધૂમપા, સોમપા વગેરે પિતૃઓના પ્રકારો બતાવાયા છે.
પિતૃઓની કૃપાથી આયુષ્ય, પ્રજા, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, અનેકાનેક સુખ અને રાજ્ય મળે છે.
શ્રાદ્ધકર્મ દક્ષિણાભિમુખ થઈ અપસવ્ય કરીને કરવાનું હોય છે. શ્રાદ્ધમાં ભાણેજ, ઋત્વિજ, જમાઈ, દૌહિત્ર, શિષ્ય, સંબંધી, બાંધવો, કર્મનિષ્ઠ-તપોનિષ્ઠ-પંચાગ્નિનું સેવન કરનારા-પિતૃભક્ત બ્રાહ્મણો શ્રાદ્ધની સંપત્તિ છે. કેવળ પંક્તિપાવન બ્રાહ્મણોને શ્રાદ્ધમાં નિમંત્રી શકાય. રોગી, ખોડખાંપણવાળા, કાણા, નાતરિયાનું સંતાન, કુંડગોલિક, કાળા દાંતવાળા વગેરે બ્રાહ્મણો વર્જ્ય છે. આવા બ્રાહ્મણોની યાદી યાજ્ઞવલ્ક્ય કરતાં મનુએ વિસ્તારથી આપી છે. બ્રહ્મભોજનની વિશિષ્ટ વિધિમાં નિમંત્રણ, અગ્નૌકરણ, અન્નનિવેદન, સ્વધાવાચન અને વિસર્જન મુખ્ય છે. પાર્વણ શ્રાદ્ધમાં આ પરંપરાને ખાસ અનુસરવામાં આવે છે.
તીર્થક્ષેત્રમાં થતા શ્રાદ્ધને તીર્થશ્રાદ્ધ કહે છે.
તર્પણ, પિંડદાન, બ્રહ્મભોજન અને આમાન્નદાનથી શ્રાદ્ધ થાય. દૂધ, ફળ, મૂળથી પણ શ્રાદ્ધ થાય. શ્રાદ્ધક્રિયામાં અગ્નૌકરણ, બ્રહ્મભોજન અને પિંડદાન પ્રધાન કર્મ છે.
યજ્ઞકાર્યમાં स्वाहा પ્રયોજાય તેમ પિતૃકાર્યમાં स्वधा અવ્યય ચતુર્થી વિભક્તિ સાથે પ્રયોજાય છે. સ્વધાથી થતી અર્પણક્રિયામાં પિતૃતીર્થથી અંગૂઠા અને તર્જનીની વચ્ચેથી તિલોદક, પિંડ આદિ અર્પણ કરવામાં આવે છે.
દશરથલાલ વેદિયા