શ્રવણ (hearing) : સાંભળવાની ક્રિયા. બહારથી આવતા અવાજના તરંગો હવા તથા હાડકાં દ્વારા વહન પામીને કાનની સાંભળવાની સૂક્ષ્મ સંયોજના સુધી પહોંચે છે. આને અનુક્રમે વાયવીય વહન (air conduction) અને અસ્થીય વહન (bone conduction) કહે છે. વાયવી વહનમાં અવાજનાં મોજાં (તરંગો) બાહ્યકર્ણનળીમાંથી પસાર થાય છે. કર્ણઢોલ પર આવતા અવાજના તરંગો કર્ણઢોલને ધ્રુજાવે છે. આ ધ્રુજારી ત્યારબાદ મધ્યકર્ણનાં નાનાં હાડકાં – અનુક્રમે હથોડી, એરણ અને પેંગડાને ધ્રુજાવીને અંત:કર્ણમાંની પ્રવાહી ભરેલી શંખાકૃતિ (cochlea) સુધી પહોંચે છે. આમ અવાજના તરંગો શંખાકૃતિ સુધી પહોંચે છે. કર્ણઢોલ અને મધ્યકર્ણનાં નાનાં હાડકાં હવામાંથી આવતા તરંગોને પૂરતા બળ સાથે અંત:કર્ણની પ્રવાહી ભરેલી સંયોજના સુધી અસરકારક રીતે પહોંચાડે છે. અસ્થીય વહનમાં માથું કે ચહેરાનાં હાડકાંના સંસર્ગમાં અવાજ સર્જતી ધ્રુજારી થાય તો તે તરંગો શંખાકૃતિમાંની તલસ્થાની કલા (basilar membrane) સુધી પહોંચે છે. વાયવી વહન અને અસ્થીય વહનમાં અવાજના તરંગો આમ શંખાકૃતિમાંની તલસ્થાની કલા સુધી પહોંચે છે. કોષોના પાતળા સ્તરોની મદદથી બનતી પટ્ટીને કલા (membrane) કહે છે.
આ તલસ્થાની કલા ઉપર કોર્ટીની અવયવિકા (organ of Corti) નામની સંરચના આવેલી છે. કોર્ટીની અવયવિકામાં કેશકોષો (hair cells) આવેલા છે, જેમની પર તાંતણા જેવી ત્રિપરિમાણી કશાઓ (stereocilia) આવેલી હોય છે. આ ત્રિપરિમાણી કશાઓ તલીય કલાને અડીને ગોઠવાયેલી હોય છે. તેથી તે અવાજથી ઉદ્ભવેલી ધ્રુજારીના તરંગને ઝીલે છે. કેશકોષો શ્રવણચેતાના તંતુઓ સાથે જોડાયેલા છે. તેઓ યંત્રપ્રવિધિક સ્વીકારક (mechano-receptor) તરીકે કાર્ય કરે છે અને આમ વાયવી વહનમાંના અવાજના તરંગો પહેલાં ધ્રુજારી રૂપે અને પછી કેશકોષોમાંથી ચેતાતંતુઓમાં ચેતા-આવેગ(nerve impulse)ના સ્વરૂપે મગજ સુધી પહોંચે છે, જ્યાં તેમનું અર્થઘટન કરવામાં આવે છે અને તેથી બહારનો અવાજ સંભળાય છે. કેશકોષો સંબંધિત સૂક્ષ્મયંત્રપ્રવિધિ(micro-mechanics)ને કારણે અવાજની તીવ્રતાનું વર્ધન (amplification) થાય છે. આ પ્રક્રિયામાં ત્રિપરિમાણી કશાઓનું હલનચલન (ધ્રુજારી) થાય છે તથા તેને કારણે કેશકોષોની કોષકલા(cell membrane)ની આરપાર થતા વીજ-આયનોના આવાગમનને કારણે ચેતા-આવેગ સર્જાય છે એવું હાલ માનવામાં આવે છે.
મગજના ગંડસ્થખંડ અથવા અધ:પાર્શ્ર્વખંડ(temporal lobe)માં શ્રવણ અંગેની સંવેદનાના અર્થઘટન અંગેનો વિસ્તાર (શ્રવણકેન્દ્ર) આવેલો છે, જે સ્પર્શ અને દૃષ્ટિની સંવેદનાઓના અર્થઘટન માટેના વિસ્તારોની નજીક છે. આ ત્રણેય અર્થઘટન માટેના વિસ્તારોની વચ્ચે ભાષાવિસ્તાર આવેલો છે, જે અર્થઘટિત સંવેદનાને યોગ્ય શબ્દસંકેત સાથે જોડે છે. મગજના શ્રવણસંબંધિત વિસ્તારના રોગમાં દર્દી અવાજ સાંભળી શકે છે પણ તેનો શબ્દ તરીકે અર્થગ્રહણ કરી શકતો નથી. કાન કે શ્રવણચેતાના રોગો કે વિકારોમાં આવતી બહેરાશમાં દર્દી અવાજ સાંભળી શકતો નથી જ્યારે મગજના બાહ્યક(cortex)માં આવેલા શ્રવણકેન્દ્રના વિકારમાં તે સાંભળેલા અવાજનું અર્થઘટન કરી શકતો નથી.
બહેરાશનાં કારણોમાં વાયવી વહનના વિકારો તથા ચેતાતંત્રીય વિકારોનો સમાવેશ થાય છે. બહારનો કાન અને બાહ્ય કર્ણનળીમાં સોજો કે મેલ ભરાવાથી, મધ્યકર્ણમાં ચેપ લાગવાથી, કર્ણઢોલમાં કાણું પડવાથી, મધ્યકર્ણમાંનું હવાનું દબાણ બદલાઈ જવાથી વગેરે વિવિધ કારણોસર બાહ્ય અને મધ્યકર્ણમાં અવાજના તરંગોનું વહન ક્ષતિપૂર્ણ બને છે, તેને વહનલક્ષી બધિરતા (conduction deafness) કહે છે. અંત:કર્ણમાં શંખાકૃતિ, કોર્ટીની અવયવિકા, કેશકોષો, શ્રવણચેતા તથા મગજમાં આવેલા શ્રવણકેન્દ્રમાં વિકાર કે રોગ થાય તો ચેતાતંતુઓમાં ચેતા-આવેગોનું વહન અથવા અર્થઘટન ક્ષતિપૂર્ણ થાય છે. આ પ્રકારની બહેરાશને ચેતાકીય બધિરતા (nerve deafness) કહે છે. ક્યારેક આ બંને પ્રકારની બહેરાશ એકસાથે પણ હોય છે.
બહેરાશના કારણનું નિદાન કરવા માટે દર્દીની અન્ય તકલીફોની નોંધ (ગળામાં સોજો આવવો, કાનમાં દુખાવો થવો, કાનમાંથી પરુ પડવું, તાવ આવવો, ચક્કર આવવાં વગેરે) તથા બાહ્યકર્ણ તથા બાહ્યકર્ણનળીની તપાસ (તેમાં સોજો, પરુ, મેલ, કર્ણઢોલમાં કાણું વગેરે) કરવામાં આવે છે. ધ્રૂજતા ચીપિયા(tuning fork)ની મદદથી તરંગો ઉત્પન્ન કરીને તેને કાનના છિદ્ર પાસે કે ખોપરીનાં હાડકાં પર મૂકીને ધ્રુજારીની સંવેદનાના વહન અને તેની સંવેદના વિશે માહિતી મેળવાય છે. તેની મદદથી બહેરાશનો પ્રકાર નક્કી કરી શકાય છે. આ ઉપરાંત શ્રવણમાપન (audiometry) નામની વિશિષ્ટ તપાસ દ્વારા સાંભળવાની ક્ષતિનું માપન તથા તે કેવા પ્રકારના અવાજ માટે બહેરાશ છે તેની જાણકારી મેળવી શકાય છે. અંદરના કાનના સી.ટી. સ્કૅન કે એમ.આર.આઇ.નાં ચિત્રણો મેળવીને ત્યાં ગાંઠ કે ચેપ હોય તો તેની માહિતી મળી શકે છે.
સારવાર : સામાન્ય રીતે વહનલક્ષી વિકારો કે રોગોમાં શસ્ત્રક્રિયા કે અન્ય સારવારથી લાભ થાય છે જ્યારે ચેતાકીય વિકારો(ચેતાલક્ષી બધિરતા)માં કાયમી રીતે સાંભળવાની તકલીફ રહે છે. અવાજના તરંગોના વહનમાં વિક્ષેપ કરતા જે તે રોગો અને વિકારોની સારવાર કરવાથી બહેરાશ ઘટે છે અથવા મટે છે. જો નળીમાં મેલ હોય તો તે દૂર કરાય છે, બાહ્ય કે મધ્યકર્ણમાં ચેપ હોય તો તેની ઍન્ટિબાયૉટિક વડે સારવાર કરાય છે અને શસ્ત્રક્રિયા વડે પરુ બહાર કાઢી નંખાય છે. જો લાંબા સમયનો વિકાર હોય; દા.ત., દીર્ઘકાલી મધ્યકર્ણીય શોથ (chronic otitis media) નામના રોગમાં નાના હાડકાને દૂર કરવાની શસ્ત્રક્રિયા કરવી પડે છે. તેવી રીતે ક્યારેક કર્ણઢોલની પુનર્રચના(tympanoplasty)ની શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.
જે દર્દીઓમાં મંદ, મધ્યમ કે તીવ્ર પ્રકારની ચેતાકીય બધિરતા હોય તેઓને પુન:સ્થાપિત કરવા માટે શ્રવણસહાયકો (hearing aids) ઉપયોગી રહે છે. હવે કાનની અંદર પહેરી શકાય તેવા શ્રવણસહાયકો મળે છે. દરેક શ્રવણસહાયક અવાજની સાથે આસપાસનો ઘોંઘાટ પણ વધારે છે, માટે સૌથી સારો રસ્તો એ જ છે કે બોલનારની પાસે ધ્વનિગ્રાહક (microphone) રાખવો જેથી આસપાસનો અન્ય અવાજ બહુ ઓછો કાન સુધી પહોંચે. મોટા હૉલમાં આવા દર્દીઓની સહાય માટે અધર્રક્તીય (infrared) કે FM પ્રસારણની સગવડ રાખી શકાય. જ્યાં શ્રવણસહાયકો નિષ્ફળ રહે તેવા કિસ્સામાં શંખાકૃતિનિરોપ (cochlear implants) ઉપયોગી રહે છે. સામાન્ય રીતે તે તીવ્ર પ્રકારની બહેરાશમાં કરાય છે, જેમાં સહાયતા સાથે પણ શબ્દ-પરખ 30 % કે તેથી ઓછી હોય. જન્મજાત કે રોગજન્ય બહેરાશવાળાં બાળકોમાં તે સૌથી વધુ ઉપયોગી છે. શંખાકૃતિનિરોપ એક પ્રકારની ચેતાકીય કૃત્રિમોપાંગ રચના (neural proothesis) છે, જે ધ્વનિ-ઊર્જાને વીજઊર્જામાં પરિવર્તિત કરીને શ્રવણચેતાને ઉત્તેજિત કરે છે. શરૂઆતમાં વ્યક્તિ શબ્દો બોલાતા હોય ત્યારે હોઠના હલનચલનને જોઈને સમજવા પ્રયત્ન કરે છે, પરંતુ 3 મહિનામાં તે આવી સહાયતા વગર પણ સમજી શકે છે. તેમાંથી આશરે 75 % દર્દીઓ ટેલિફોન પર વાત કરી શકે છે.
બહેરાશની સાથે કાનમાં ઘંટડીઓ વાગવાની તકલીફ થતી હોય છે. તેની સારવાર મુશ્કેલ છે. હવે મનગમતા સંગીતની મદદથી આ પ્રકારની તકલીફ ઘટાડતા શ્રવણસહાયકો મળતા થયા છે.
પૂર્વનિવારણ : કાનના રોગોની યોગ્ય અને સમયસરની સારવાર તથા સ્ટ્રેપ્ટોમાયસિન જેવાં ઔષધોના ઉપયોગમાં કાળજી રાખવાથી બહેરાશ થતી અટકાવી શકાય છે. આસપાસનો ઘોંઘાટ એક પ્રકારે અવાજનું પ્રદૂષણ કરે છે. ઉદ્યોગોમાં તેને અંગે જરૂરી નિયમો પાળીને ઘોંઘાટ ઘટાડી શકાય છે. આવા સમયે કાનમાં પૂમડું મૂકવાથી પણ લાભ મળે છે.
શિલીન નં. શુક્લ