શ્રવણ : કર્ણ દ્વારા ધ્વનિના તરંગોને ગ્રહણ કરતાં થતો અનુભવ. (સંસ્કૃત : श्रु + अण = श्रवण ભાવવાચક નામ) કર્ણ માત્ર એવું સંવેદનાંગ છે, જેના દ્વારા મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં શ્રવણશક્તિનું આકલન થાય છે. એટલે કે અવાજનાં મોજાંને તેથી પારખી શકાય છે. અગાઉ મનુષ્ય દ્વારા સાંભળી શકાય  તેને જ ‘અવાજ’ લેખવામાં આવતો, પરંતુ હવે મનુષ્ય ન સાંભળી શકે તેવા અવાજને સમજવામાં પણ લોકો રસ દાખવતા થયા છે. શ્રાવ્ય કે અશ્રાવ્ય અવાજના તરંગોને માટે ‘ધ્વનિ’ શબ્દપ્રયોગ આથી યોગ્ય ગણાશે. શ્રાવ્ય હવાનાં કંપન તે અવાજ કે ધ્વનિ; તાલબદ્ધ કંપનો નાદ કે સૂર અને શ્રાવ્ય પણ ત્રાસદાયક મોટો અવાજ તે ઘોંઘાટ (noise) કહેવાય છે. અવાજના તરંગો, કર્ણ અને મન શ્રવણક્રિયા સાથે સંકળાયેલાં છે.

ધ્વનિની લાક્ષણિકતા સ્વરના મોજાની ત્વરા (frequency) અને કંપન(vibration)ને અધીન છે. ફ્રિક્વન્સી-ત્વરા એટલે એક સેકંડમાં થતી કંપનોની સંખ્યા. આ ત્વરા હર્ટ્ઝ(HertzHz)માં મપાય છે. ધ્વનિનું બીજું લક્ષણ કે લાક્ષણિકતા એ ‘અવાજનું દબાણ’ છે. આને પરિણામે માધ્યમમાં (જે તે પર્યાવરણમાં દબાણ અતિશય વધી જતાં વધારાનું દબાણ અસ્ખલિત માધ્યમના સમતુલિત દબાણ ઉપર ધકેલી દે છે. સાઉન્ડ ઇન્ટેન્સિટી(SI)ના દબાણના ઘટકને પાસ્કલ(Pa)માં દર્શાવાય છે. એક પાસ્કલ યુનિટ બરોબર 1 newton/m2 થાય છે. સામાન્ય વાતાવરણનું દબાણ 105 Pa હોય છે. નીચે આપેલી આકૃતિ 1 પાસ્કલમાં અવાજનું દબાણ અને હર્ટ્ઝમાં અવાજનાં મોજાંની ત્વરા દર્શાવે છે અને ધ્વનિના શ્રાવ્ય અને અશ્રાવ્ય પટલ (spectrum) ઉપર કર્ણ દ્વારા શ્રાવ્ય પટલનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે.

અવાજનાં મોજાં કર્ણની સપાટી ઉપર અથડાઈને શ્રવણક્રિયા કેવી રીતે સિદ્ધ થાય છે તે સમજવા કર્ણની રચના અને ચેતાતંત્ર સાથેનો તેનો સંબંધ જાણવો જરૂરી છે.

આકૃતિ 1 : અવાજનો વર્ણપટલ : (ડ્ડ) નિશાની કરેલ રેખા માનવ કર્ણને શ્રાવ્ય અવાજની મર્યાદા દાખવે છે. બૉક્સનાં લખાણ ઇન્ફ્રાસૉનિક, સૉનિક અને અલ્ટ્રાસૉનિક ક્ષેત્રોની અવાજની તીવ્રતા અને ત્વરા(intensity અને frequency)થી ઉદ્ભવતી ઘટનાઓ દર્શાવે છે.

અવાજની તીવ્રતા અને ડેસિબલ : અવાજનાં મોજાં એ ભૌતિક પરિબળ છે. તેની માત્રામાં અતિશય વધારો થતાં અવાજ ઘોંઘાટમાં પરિણમે છે. ઘોંઘાટ કર્ણની શ્રવણશક્તિમાં બાધા પહોંચાડી શકે છે અને તેનાથી શરીરને ભૌતિક અને માનસિક નુકસાન પણ થાય છે. અવાજની તીવ્રતા કે ઊંચો-નીચો સાદ જે ઘટકમાં મપાય છે તેને ડેસિબલ માપ (decibel scale / dB scale) કહે છે. કાનની ગ્રહણશક્તિ મુજબ લોગરિધમ સ્કેલ ઉપર સાપેક્ષ કાર્યશક્તિ(energy)ના ઘટકમાં માપવામાં આવે છે. આ માપની શરૂઆત 0 dB એટલે કે કાનની શ્રવણશક્તિનો સૌથી નીચા અવાજથી થાય છે. તેને ટાંકણી પડ્યાના અવાજ સાથે સરખાવી શકાય. (જુઓ અધિકરણ ‘ધ્વનિ’)

10 dBનો અવાજ 0 dB કરતાં દસ ગણો મોટો છે. 20 dBનો અવાજ 10 × 10 અથવા 100 ગણો વધારે મોટો છે. 30 dBનો અવાજ 10 × 10 × 10 અથવા 1000 ગણો મોટો છે. 40 dBનો અવાજ 10 × 10 × 10 × 10 અથવા 10,000 ગણો અવાજ છે. તેવી જ રીતે 50 dBનો અવાજ 10 × 10 × 10 × 10 × 10 અથવા 1,00,000 ગણો અવાજ કર્ણની સૌથી નીચે શ્રવણશક્તિના અવાજની માત્રાથી એક લાખ ગણો મોટો છે.

કેટલાંક સામાન્ય અવાજના ડેસિબલ સ્કેલ મુજબ છે :

અતિમંદ (સૌથી નીચી પાયરીનો) શ્રવણાંક (અવાજની તીવ્રતા) 0 dB
મંદિર / હૉસ્પિટલનું શાંત વાતાવરણ 1-10 dB
સામાન્ય ઘરના ઓરડામાં 20-30 dB
જાહેર પુસ્તકાલય 30-40 dB
કચેરી / કાર્યાલય 40-50 dB
સામાન્ય વાતચીત / ચર્ચા 50-60 dB
સામાન્ય શહેરનો ટ્રાફિક 60-70 dB
એલાર્મ ઘડિયાળનો અવાજ 70-80 dB
કર્ણને હાનિકારક (ઘોંઘાટ) 80-85 dB
શહેરનો ભારે ટ્રાફિક 85-95 dB
જેટ વિમાન 150 મીટર આકાશમાં 100-115 dB
મોટર-સાઇકલ (ઝડપથી દોડતી) 115-120 dB
કાન માનસિક ત્રાસ 120-140 dB
જેટ પ્લેન ઉડ્ડયન-સમયે 140-150 dB
સ્પેસ રૉકેટ છોડતાં થતો અવાજ 160-180 dB

બહેરાપણું : શ્રવણશક્તિ ઓછી થવી એટલે બહેરાપણું. થોડું ઓછું સંભળાય કે બિલકુલ ન સંભળાય તે બહેરાપણું છે. તાંત્રિક દૃષ્ટિએ જે 82 ડેસિબલ ધ્વનિની તીવ્રતા ઝીલવા સક્ષમ નથી (ઓછામાં ઓછી) તે જ બધિર ગણી શકાય. બાકીના જે થોડું સાંભળે છે તેમના માટે ‘મંદ શ્રવણવાળા’ એવી સંજ્ઞા વાપરવી જોઈએ. બધિરપણાના ત્રણ પ્રકાર છે : (i) સંવાહક, (ii) સંગ્રાહક અને (iii) મિશ્ર.

(i) સંવાહક : આ પ્રકારમાં બાહ્યકર્ણ, કર્ણપટલ અથવા કર્ણાસ્થિમાં કોઈ બગાડ થવાથી ધ્વનિલહેરોનું સંવહન અંત:કરણ સુધી પહોંચી શકતું નથી. આમાંથી મંદ શ્રવણ ઉત્પન્ન થાય છે.

(ii) સંગ્રાહક-શ્રવણતંત્રિકા જે શ્રવણાંગોમાંથી નીકળે છે તે અંત:કર્ણમાં છે. આ ઇંદ્રિયમાં અથવા ખુદ શ્રવણતંત્રમાં અથવા મગજમાં શ્રવણકેન્દ્રમાં બગાડ થયો હોય તો ધ્વનિ-લહેરો અંદર સુધી પહોંચવા છતાં શ્રવણ-જાણકારી થતી નથી. આને સંગ્રાહક બધિરપણું કહે છે.

(iii) મિશ્ર : આ બંને કારણોથી ઉદ્ભવતા બધિરપણાને મિશ્ર બધિરપણું કહે છે.

ઉંમર કે વયોમાન પ્રમાણે બધિરપણાનાં લક્ષણો આ મુજબ છે :

(i) અર્ભક : કેટલાંક કુટુંબોમાં બહેરાપણું આનુવંશિક જોવા મળે છે. બાળકના જન્મ પહેલાં માતા બળિયા કે કોઈ રોગનો ભોગ બને તો રોગના વિષાણુ માતાના શરીરમાંથી અર્ભકના શરીરમાં પ્રવેશે છે અને બાળક જન્મથી બહેરું બને છે.

(ii) બાળપણના ઓરી-અછબડા જેવા રોગને કારણે કાનના અસ્થિઓની સાંકળમાં ખામી ઉત્પન્ન થાય છે. બાળકોમાં આમાંથી બહેરાપણું ઉદ્ભવે છે.

(iii) પ્રૌઢ વય : 30થી 50 વર્ષની વય દરમિયાન કર્ણાસ્થિકા-કર્કશીભવન (જાડા થવાથી) એટલે કે અસ્થિકા લંબગોળ છિદ્ર સાથે ઘટ ચોંટી જાય છે. અતિશય મોટા અવાજ કે ધડાકાને કારણે પણ બહેરાપણું આવી જાય છે.

(iv) વૃદ્ધાવસ્થા : અંત:કર્ણમાં તાંત્રિક પેશીઓમાં અપકર્ષ થતાં શ્રવણક્રિયા મંદ થાય છે.

શ્રવણક્રિયા : શ્રવણક્રિયાની જટિલ પ્રક્રિયા કર્ણના વિવિધ ભાગો કેવી રીતે પાર પાડે છે તે આજે પણ સંશોધનનો વિષય છે. અવાજનાં મોજાંની તીવ્રતા (intensity) અને ત્વરા(frequency)ની તરેહ અને દૂરથી આવતા અવાજથી અવાજનું અંતર માપવાની કર્ણની વિશ્લેષણાત્મક કામગીરી અજોડ અને અગમ્ય છે. જુદાં જુદાં પ્રાણીઓમાં પર્યાવરણનો ખ્યાલ મેળવવા શ્રવણક્રિયાનો વિવિધ સ્વરૂપે વિકાસ થયો છે. સસ્તન પ્રાણીઓ અને મનુષ્યોમાં શ્રવણેન્દ્રિયનો ખૂબ વિકાસ થયો છે. સાંભળવા ઉપરાંત શરીરની સમતુલા જાળવવામાં અપૂર્ણ વલયાકાર નલિકાઓ કે અર્ધવર્તુળિત નલિકાઓ મહત્વની ભૂમિકા ભજવે છે. સાંભળવાની ક્રિયા શંખિકા નામના ઘટકમાં થાય છે. [મનુષ્યના કર્ણની રચના અને સાંભળવાની ક્રિયાની વિગતવાર માહિતી માટે વાંચો ગુજરાતી વિશ્વકોશ ખંડ 4 દ્વિ. આ., પાના નં. 540]. મનુષ્યનો કર્ણ 30થી 10,000 હર્ટ્ઝે(Hz)ની ત્વરાના અવાજનાં મોજાં ઝીલવાને શક્તિમાન છે. નિમ્ન કક્ષાના જમીન ઉપરના પૃષ્ઠવંશીય પ્રાણીઓ બાહ્ય કર્ણ ધરાવતા નથી, શંખિકાને બદલે લેજિના તરીકે ઓળખાતો નાનો ઘટક જોવા મળે છે અને મધ્યકર્ણમાં ત્રણ નાના અસ્થિઓને સ્થાને ‘કોલ્યુમેલા  કર્ણસ્તંભિકા’ નામનું માત્ર એક અસ્થિ હોય છે. અર્ધવર્તુળિત નલિકાઓની રચના લગભગ એકસરખી હોય છે. આ પ્રાણીઓમાં સાંભળવાની ક્રિયા કરતાં સમતુલા સાચવવી એ શરીરનું મુખ્ય પ્રયોજન હોય છે.

સસ્તન પ્રાણીઓમાં ચામાચીડિયાની શ્રવણશક્તિ વિશિષ્ટ છે. તેના બાહ્યકર્ણ મોટા, શંખિકા મોટી અને તેમાં તલસ્થ કલાજાત (basilar membrane) સાંકડું અને સખત ખેંચાયેલું હોય છે. ચામાચીડિયાં મુખ્યત્વે કીટકો પકડવા કે અવરોધોને ટાળવા પડઘા ઝીલવા(echo location)ની પદ્ધતિ ઉપર આધાર રાખે છે. તેની આ પદ્ધતિની હજુ પૂરેપૂરી સમજણ પ્રાપ્ત થઈ નથી અને તેમાં પણ વિવિધ પદ્ધતિઓ કામ કરતી હશે એવું માનવામાં આવે છે. કેટલીક ચામાચીડિયાની જાતોમાં મુખમાંથી 1-4 m/sec.ની માત્રાના અવાજ નીકળે છે. આ અલ્ટ્રાસૉનિક અવાજની માત્રા 10 m/sec.થી 100 m/sec. જેટલી હોય છે. જેનાથી તે 0.50 સેમી.થી 1 મીટર દૂરના કીટકને ગાઢ અંધારામાં ઓળખી શકે છે.

કર્ણની રચના : શ્રવણની ઇંદ્રિય તે કાન કે કર્ણ. શરીરની સમતુલા રાખવી એ અંત:કર્ણનું કાર્ય છે. સસ્તન પ્રાણીઓમાં કર્ણ ત્રણ ભાગોમાં સ્પષ્ટ વિભાજિત થાય છે; જેમ કે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણ. વિહગ અને સરીસૃપોમાં મધ્ય અને અંત:કર્ણ એમ માત્ર બે ભાગ દેખાય છે. સસ્તનોમાં હવામાંથી આવેલી ધ્વનિલહેર બાહ્યકર્ણ એકત્રિત કરી કર્ણનલિકા મારફત કર્ણપટલ તરફ મોકલી આપે છે. મનુષ્યમાં બાહ્યકર્ણનું હલન-ચલન કરાવનારા સ્નાયુઓ અવશિષ્ટ બનતાં તે બાહ્યકર્ણને હલાવી શકતો નથી. અન્ય સસ્તન પ્રાણીઓ બાહ્યકર્ણ હલાવી વિવિધ દિશાઓમાંથી અવાજના તરંગો ઝીલી શકે છે. મનુષ્ય એની આ ઊણપ ધડ ઉપર માથું હલાવીને કાનને ધ્વનિની દિશા તરફ જરૂર મુજબ ફેરવીને પૂરી કરે છે અને એ રીતે તે સ્પષ્ટ સાંભળવા પ્રયત્ન કરે છે. બાહ્યકર્ણ મારફત ઝિલાયેલા અવાજનાં મોજાંઓ બાહ્ય શ્રવણનલિકા મારફત કર્ણપટલ ઉપર અથડાય છે. કર્ણપટલની બીજી બાજુ મધ્યકર્ણ આપેલો છે. મધ્યકર્ણ એ શંખાકૃતિ હાડકામાં હવા ભરેલું પોલાણ છે. તેમાં ત્રણ નાનાં હાડકાંની સાંકળ હોય છે. આ ત્રણ હાડકાં અનુક્રમે હથોડી (malleus), એરણ (incus) અને પેંગડા(stape)ના નામે ઓળખાય છે. તે મધ્યકર્ણની દીવાલ સાથે અસ્થિબંધો (ligaments) દ્વારા જોડાયેલાં હોય છે. મધ્યકર્ણની આગળની દીવાલમાંથી મધ્યકર્ણ નળી (eustachian tube) નીકળે છે, જે ગળાના નાક પાછળના ભાગમાં (મુખગુહા પાસે) ખૂલે છે. સામાન્ય સંજોગોમાં મધ્યકર્ણમાં હવા આ માર્ગે આવે છે. હવાના આ પ્રસરણથી કર્ણપટલની બંને બાજુએ હવાનું દબાણ સમતોલ રહે છે. કર્ણપટલ ઉપર અવાજનાં જે મોજાંઓ આવે છે તે આ ત્રણ નાનાં હાડકાંની સાંકળને કારણે વધુ તીવ્ર (intense) બને છે. આ તીવ્રતા આંદોલનોને 20 ગણાં મોટાં કરે છે. મધ્ય અને અંત:કર્ણની વચ્ચે આવેલા પાતળા હાડકાના બનેલા ભાજક(partition)માંથી લંબગોળ બારી પર પેંગડાના આકારના હાડકાની પાદપટ્ટી ગોઠવાયેલી હોય છે. લંબગોળ બારીની નીચે ગોળ શંખિકાલક્ષી બારી (fenestra cochlea) કે કાણું આવેલું હોય છે. પેંગડા આકારના હાડકા પાસેની લંબગોળ બારીને નિવેશીય બારી (fenestra vestibuli) કહે છે. મધ્યકર્ણમાં પ્રવેશેલા અવાજનાં મોજાં આ બંને બારીઓ મારફત અંત:કર્ણમાં પ્રવેશે છે.

આકૃતિ 2 : કર્ણની રચના, વિવિધ ભાગો અને શ્રવણક્રિયાનું સંચારણ. (અ) બાહ્યકર્ણ, મધ્યકર્ણ, અંત:કર્ણ અને કર્ણચેતા; (આ) શ્રવણક્રિયાનું સાદું આલેખન; (ઇ) કોર્ટિનું અંગ (વિસ્તૃત)

અંત:કર્ણ : અંત:કર્ણને વલયનલિકા સમૂહ (labyrinth) પણ કહે છે. તે બે ભાગ ધરાવે છે : અસ્થીય (bony) અને કલામય (membranous). અસ્થીય (bony) વલયનલિકાસમૂહ (bony labyrinth)  તે નિવેશ (vestibule), શંખિકા (cochlea) તથા અપૂર્ણ વલયાકાર નલિકાઓ(semicircular canals)નો બનેલો હોય છે. અસ્થીય વલયનલિકાસમૂહની અંદરની દીવાલ પરિઅસ્થિકલા(periosteum)ની બનેલી હોય છે. તેના પોલાણમાં પરિલસિકાતરલ (perilymph) – નામનું પ્રવાહી આવેલું હોય છે. પરિલસિકાતરલ (perilymph) કલામય નલિકાસમૂહ(membranous labyrinth)ને બધી બાજુથી આવરી લે છે.

કલામય નલિકાસમૂહ : આ આખો સમૂહ અસ્થીય વલયનલિકા-સમૂહની પુટિકાઓ અને નળીઓના આકારને અનુરૂપ તેની અંદર સમાયેલો હોય છે. [જેમ કે, કોટ-પેન્ટ-સૂટ ઉપર રેનકોટ-સૂટ ચઢાવવામાં આવે તેમ] તેના ભાગો પણ નિવેશ, અપૂર્ણ વલયાકાર નલિકાઓ અને શંખિકા છે. નિવેશ અને અપૂર્ણ નલિકાસમૂહ સમતુલન જાળવવાની ક્રિયા (balancing) માટેનાં સંવેદનાંગો ધરાવે છે, જ્યારે શંખિકા સાંભળવાની ક્રિયા માટેનાં સંવેદનાંગો ધરાવે છે. નિવેશ (vestibule) આખા અંગનો મધ્યભાગ છે અને તે ગુરુપુટિકા (utriculus) અને લઘુપુટિકા (sacculus) – એમ બે કલામય (membranous) કોથળીઓનો બનેલો હોય છે. તેના પોલાણમાં અંત:લસિકા (endolymph) નામનું લસિકાપ્રવાહી ભરેલું હોય છે.

અપૂર્ણ વલયાકાર નલિકાઓ : નિવેશના ઉપલા અને પાછલા ભાગ સાથે ત્રણ અપૂર્ણ વલયાકાર નલિકાઓ જોડાયેલી હોય છે. તેમના સ્થાન પ્રમાણે તેમને ઉપરની અથવા ઊર્ધ્વીય (superior), પાછળની અથવા પશ્ચ (posterior) તથા બાજુની અથવા પાર્શ્ર્વ (lateral)  એવાં નામથી ઓળખવામાં આવે છે. દરેક નલિકાનો એક છેડો ઊપસેલો હોય છે. તેને તુંબિકા / વિપુટ (ampule) કહે છે. આ નલિકાઓમાં પણ અંત:લસિકા ભરેલું હોય છે. ઊર્ધ્વીય અને પાર્શ્ર્વ અપૂર્ણ વલયાકાર નલિકાઓના તુંબિકા / વિપુટો જોડે જોડે આવેલાં હોય છે; જ્યારે પશ્ચ અપૂર્ણ વલયાકાર નલિકાનો તુંબિકા / વિપુટ અલગ હોય છે.

શંખિકા : તે નિવેશની આગળ આવેલી હોય છે. શંખિકા 2.75 વળાંક લેતી હાડકાની ઊર્ધ્વવલયી (spiral) નલિકાની બનેલી સળંગ નલિકા છે. તેના પોલાણને Y આકારનો પડદો ત્રણ લઘુનલિકાઓમાં વિભાજિત કરે છે. તેના પોલાણમાં પણ અંત:લસિકા ભરેલી હોય છે. અંત:કર્ણનું વિવિધ ચેતાઓ દ્વારા ચેતાકરણ થયેલું હોય છે.

પક્ષીઓમાં શ્રવણક્રિયા : પક્ષીઓમાં શ્રવણશક્તિ તીવ્ર હોય છે. તેમાં પણ ગાયક પક્ષીઓમાં સાદા સ્વરના તફાવતો પારખવાની શક્તિ; સ્વરની આબેહૂબ નકલ કરવાની (mimics) ક્ષમતા વગેરે શ્રવણશક્તિની શ્રેષ્ઠતા દર્શાવે છે. નિશાચર પક્ષીઓ તેમની શિકાર / ખોરાકની શોધ કાનની શ્રવણશક્તિના આધારે જ કરી શકે છે. ઘુવડ અને અન્ય નિશાચર પક્ષીઓમાં કર્ણછિદ્ર મોટું અને અસમાન બાહ્યકર્ણ જેવો ભાગ જોવા મળે છે. આ રચનાને કારણે અંધારામાં શિકારના સ્થાનની દિશા શોધી શકે છે. ગુફાઓમાં રહેનાર પક્ષીઓ (ચામાચીડિયાની માફક) અવાજના પડઘા પાડી અવરોધની હાજરી ઓળખી શકે છે. એક સેકંડમાં 5થી 6 ક્લિક અવાજ કાઢી 4થી 5 Kc(કેલ્વિન-સાઇકલ)નાં મોજાં ઉત્પન્ન કરે છે. સસ્તન પ્રાણીના કર્ણમાંની શંખિકા કરતાં પક્ષીઓના કર્ણની (અંત:કર્ણમાં) રચના સાદી હોય છે. તે ટૂંકી અને ગૂંચળાં વગરની હોય છે. અન્ય ભાગો જેવા કે ‘બેઝિલર મેમ્બ્રેન’, ‘ઑર્ગન ઑવ્ કોર્ટિ’, પક્ષ્મકોષો વગેરેની રચના સસ્તનના કર્ણ જેવી હોય છે. અવાજનાં મોજાંઓનું શબ્દ કે સંગીતમાં આકલન મગજના વિશિષ્ટ ભાગોમાં જ થાય છે.

પૃષ્ઠવંશી (નિમ્ન કક્ષાનાં) પ્રાણીઓમાં શ્રવણનું આકલન : શ્રવણ એ હવા, પાણી કે ઘન માધ્યમમાં ઉદ્ભવેલા તરંગો છે. કર્ણ અગર અન્ય સંવેદનાંગ મારફત તેની પ્રાણીઓને જાણકારી થાય છે. ઉભયજીવી અને સરીસૃપોમાં પક્ષીઓની માફક બાહ્યકર્ણનો અભાવ હોય છે અને શંખિકાનો વિકાસ ઓછો જોવા મળે છે. કાચબામાં કર્ણપટલ ઉપર ચામડીનું પડ આવેલું હોય છે અને તેથી શ્રવણશક્તિ તેમાં તીવ્ર નથી. બખોલમાં રહેનાર ઘો જેવાં સરીસૃપો(કેટલીક જાતોમાં)માં કર્ણની રચના અવપતન (degenerated) પામેલી છે. સાપમાં કર્ણપટલ, કર્ણપટલગુહા અને કર્ણ-કંઠનળી(eustachian tube)નો અભાવ જોવા મળે છે. કર્ણસ્તંભિકા(columella)નું અસ્થિ ચાતુષ્કી (quadrate) અસ્થિ સાથે જોડાયેલું હોય છે. (અન્ય પ્રાણીઓમાં તે અંત:કર્ણની બારી સાથે જોડાય છે.) આ ઉપરથી સાપને હવા દ્વારા વહન થતા અવાજનાં મોજાં સાંભળવાં શક્ય બનતાં નથી. આમ છતાં, જમીન ઉપરનાં કંપનો તે (સાપ) જડબાંના અસ્થિઓ દ્વારા ઝીલી શકે છે. કાસ્થિજાત મત્સ્યોના કર્ણ શ્રવણ માટે આ મુજબ સંવેદના-ગ્રાહક ભાગો (receptors) ધરાવે છે : (1) સ્નાયુઓમાં દબાણ જાળવનારાં કેન્દ્રો, (2) ઝડપથી દિશા બદલવાની શક્તિ, (3) ગુરુત્વાકર્ષણ સાથે સમતુલા અને (4) કદાચ શ્રવણ-સંવેદનાકેન્દ્ર. અર્ધવર્તુળિત નલિકાઓમાંની તુંબિકા(ampules)માં સંવેદનાઓ ગ્રહણ થાય છે અને માછલીની પાણીમાં સ્થિતિ જળવાય છે. સાંભળવાની ક્રિયા શંકાસ્પદ છે. સામાન્ય અસ્થિમત્સ્યો પૈકી કેટલીક માછલીઓમાં સાંભળવાની (ઉદા., ઑસ્ટેરિયૉફાયસી) ક્રિયા જોવા મળે છે. આ માછલી 60-600 Hz ત્વરાવાળા અવાજનાં મોજાં(તરંગો)ને ગ્રહણ કરી શકે છે. શ્રવણશક્તિનું ઉત્તમ ઉદાહરણ ધરાવતી માછલીની શ્રવણશક્તિ લગભગ મનુષ્યની શ્રવણશક્તિ બરાબર જાણવા મળી છે. આમ છતાં આ માછલીમાં ગૂંચળાંવાળી શંખિકા અને ‘બેઝિલર મેમ્બ્રેન’ હોતાં નથી. દૂરના અવાજ અને તેના સ્રોતનો અંદાજ આ માછલીમાં આવી શકતો નથી. સામાન્ય રીતે અસ્થિમત્સ્યોના કર્ણ માત્ર અંત:કર્ણ અને તેના ઘટકો – અર્ધવર્તુળિત નલિકાઓ અને શંખિકાને બદલે નળી જેવું લેજિના ઘટક ધરાવે છે. બાહ્યકર્ણ અને મધ્યકર્ણના અભાવને કારણે પાણીમાં ઉદ્ભવતાં મોજાં / તરંગોની જાણકારી શીર્ષ કે શરીરના ભાગોમાંથી થાય છે. અંત:કર્ણ અને બાહ્ય શરીર વચ્ચેનો સંપર્ક એક વિશિષ્ટ ઘટક મારફત થાય છે. આ ઘટકને વેબેેરિયન ઑસિકલ્સ કહે છે. આ ઘટક એક તરફ અંત:કર્ણ અને બીજી તરફ વાયુકોટરો (air bladders) સાથે જોડાયેલો હોય છે. વાયુકોટરને બાહ્યકર્ણ અને વેબેરિયન ઑસિકલ્સને મધ્યકર્ણ સાથે સરખાવી શકાય. માછલી જેવા જળચર પ્રાણીને જમીન ઉપરનાં અવાજનાં મોજાં કરતાં પાણીની અંદરના તરંગોની જાણકારીની વધારે જરૂર હોય છે. પાણીમાં ધીમો પ્રવાહ કે દબાણને અનુલક્ષીને સમતુલા અને સ્નાયુઓની હલનચલનક્રિયા દ્વારા ખોરાકને પકડવા કે દુશ્મનથી છટકવા મત્સ્યમાં પાર્શ્ર્વરેખા (lateral lines) નામનું વિશિષ્ટ સંવેદનાંગ આવેલું હોય છે. તે આડકતરી રીતે સ્પર્શ-સંવેદના ગ્રહણ કરવાનું કાર્ય કરે છે; જેમ કે, માછલી તરતાં તરતાં કોઈ ખડકની નજીક જાય તો ખડક ઉપરથી પરાવર્તિત થતાં મોજાં આ પાર્શ્ર્વ રેખાને સ્પર્શતાં માછલીને ખડક કે પદાર્થની જાણ થાય છે. આ તંત્રવ્યવસ્થા જમીન ઉપરનાં પ્રાણીઓમાં અંત:કર્ણના ઘટકોમાં જોડાઈ ગઈ છે. ઉભયજીવીઓમાં (દા.ત., દેડકો) કર્ણ અને શ્રવણશક્તિનો વિકાસ લગભગ સરીસૃપો જેવો હોય છે.

અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં શ્રવણક્રિયા : કાન અને સાંભળવાની ક્રિયાનું સૌથી સાદું સ્વરૂપ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં માત્ર કીટક અને તે પણ અમુક જાતના વિશિષ્ટ કીટકોમાં જ જોવા મળે છે. તીડ, તીતીઘોડા અને ખડમાંકડી (katydid) જેવાં કીટકોમાં તેમના અગ્ર-પગમાં/પ્રથમ ઉદર ખંડમાં કાન કે સાંભળવા માટેનું અંગ જોવા મળે છે. અગ્રપગના ઉપરના છેડે એક નાની બખોલ હોય છે, જેની ઉપર કર્ણપટલ(tympanum)નું આવરણ હોય છે. આકૃતિ 3 (અ), (આ), (ઇ)માં બતાવ્યા મુજબ, કર્ણના અંદર પોલાણમાં સંવેદીકોષો અને ચેતાની શાખાઓ પ્રસરેલી હોય છે. કર્ણપટલ ઉપર અથડાતા અવાજનાં મોજાંથી અંદરના પોલાણમાં આંદોલનો પેદા થાય છે, જે સૂક્ષ્મસંવેદી કોષોને ઉત્તેજિત કરે છે. ઉત્તેજિત કોષોમાંથી તરંગો સંવેદી ચેતાને ઉત્તેજિત કરે છે. આ પાયાની સંવેદી ક્રિયા અર્ધવર્તુળિત નલિકાઓની તુંબિકા સાથે સરખાવી શકાય. તુંબિકામાં અંત:લસિકા પ્રવાહી સૂક્ષ્મસંવેદી કોષો ઉપર અથડાય છે, જે સંવેદી ચેતા દ્વારા વહન થઈ અવાજનાં મોજાંને મગજ સુધી પહોંચાડે છે.

આકૃતિ 3 : (અ) અને (આ) કીટકમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટેના ઘટકો; (ઇ) કીટકમાં શ્રવણાંગ અને અવાજનાં મોજાંનો માર્ગ

નીચલી કક્ષાનાં પ્રાણીઓમાં શ્રવણેન્દ્રિયમાં સાંભળવાની ક્રિયા કરતાં શરીરની સમતુલા અને બાહ્ય પર્યાવરણને ઓળખવાનું કાર્ય મુખ્ય હોવાથી તેમાં સાંભળવાના કાર્ય કરતાં સમતુલાનું જ કાર્ય વધુ થતું જોવા મળે છે. સંધિપાદ સમુદાયના સ્તરકવચી (crustaceaans) જીવોમાં (ઉદા., લૉબ્સ્ટર) તેના સ્પર્શકના મૂળમાં સ્થિતિકોષ્ઠ (statocyst) નામનું ઘટક સમતુલા જાળવવાનું કાર્ય કરે છે. પ્રવાહી માધ્યમમાં પાણીનાં મોજાં કે દબાણને કારણે સ્થિતિકોષ્ઠના કણાશ્મો (otolith) ઉત્તેજિત થઈ પક્ષ્મધારી સૂક્ષ્મસંવેદી કોષો ઉપર અથડાય છે. સંવેદી કોષો ચેતાતંતુ સાથે જોડાયેલાં હોય છે. આ રચના મૂળભૂત રીતે તુંબિકાની સૂક્ષ્મ રચના અને કાર્યપદ્ધતિને મળતી આવે છે. મૃદુશરીરી સમુદાયનાં પ્રાણીઓમાં સ્થિતિકોષ્ઠ જોવા મળે છે, જે પ્રાણીને સમતુલા જાળવવા અને પરિસરને પારખવામાં મદદ કરે છે. અગાઉ જણાવ્યા પ્રમાણે, અવાજનાં મોજાંનો એક ગુણધર્મ છે કે તરંગો એકબીજા સાથે અથડાઈ જાય તો તે સ્થિતિસ્થાપક બની સમતુલાને પાછી પ્રાપ્ત કરે છે. આમ કંપનોનું વહન અને સ્થિતિસ્થાપકતા બંને અવાજના ગુણધર્મના ભાગો છે.

સંગીતશ્રવણ અને વનસ્પતિસંબંધ : વનસ્પતિની વૃદ્ધિ કે ફળફૂલ ખીલવાની શક્તિ ઉપર સંગીતની અસર થાય છે એમ ઘણાંનું માનવું છે. અન્નામલાઈ યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્ર વિભાગે આ દિશામાં સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો હતો. અન્ય સ્થળે પણ આવા અખતરાઓ ચાલુ છે, પરંતુ વિજ્ઞાનની કસોટીમાં પાર ઊતરે તેવા પુરાવાઓ કોઈ સંશોધનમાં પ્રાપ્ત નથી. સાંભળવાની કે સંગીત લહેરો ગ્રહણ કરવાની ક્રિયા એ માત્ર કર્ણ કે કર્ણના ઘટકો દ્વારા ગ્રહણ કરવા પૂરતી મર્યાદિત નથી. કર્ણ કે કર્ણના ઘટકો દ્વારા અવાજનાં મોજાં કે તરંગોની તીવ્રતાના દબાણ(mechanical pressure)નું આકલન (સમજ) પ્રાપ્ત થાય છે. અર્ધવર્તુળિત નલિકાઓમાં તુંબિકાના ભાગમાં કે શંખિકામાં ‘ઑર્ગન ઑવ્ કોર્ટિ’માં આ અવાજનાં મોજાંઓના યાંત્રિક દબાણનું વિદ્યુત-લહેરો(electromagnetic waves)માં રૂપાંતર થાય છે. ચેતામાં તેનું વહન વિદ્યુતચુંબકીય સ્વરૂપે અને ચેતાન્તરાલમાં (બે ચેતાના જોડાણ વચ્ચેની ખાલી જગ્યા  synaptic gapમાં) વિશિષ્ટ રાસાયણિક અયનો (એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન જેવાં રાસાયણિક અયનોનાં જૂથ-પૉકેટ) દ્વારા આ તરંગોનું સંચારણ થાય છે. બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણના પરિલસિકા કે અંત:લસિકા (perilymph and endolymph) સુધી તરંગો યાંત્રિક દબાણથી સંચારણ કરે છે. તુંબિકા કે ઑર્ગન ઑવ્ કોર્ટિમાં ચેતાતંતુ સાથે જોડાયેલા અધિસ્તરીય પક્ષ્મયુક્ત સંવેદી કોષો આવેલા હોય છે. અંત:લસિકા પ્રવાહીમાં સૂક્ષ્મ કણિકાઓ (otolith) હોય છે. અવાજનાં આંદોલનોની તીવ્રતા અને ત્વરા મુજબ કર્ણાશ્મ કણિકાઓ પક્ષ્મલ અધિચ્છદીય કોષો ઉપર અથડાતાં સંવેદી ચેતામાં ‘સ્થાયી વિદ્યુતભાર સ્થિતિ’ ‘અસ્થાયી વિદ્યુતભાર સ્થિતિ’માં ફેરવાઈ જાય છે અને ઇલેક્ટ્રૉમૅગ્નેટિક પ્રવાહરૂપે સંવેદના-ચેતામાં આગળ સંચાર કરે છે અને મગજ સુધી સંવેદના પહોંચાડે છે. મનુષ્યમાં આઠમી મસ્તિષ્ક-ચેતા અંત:કર્ણના વિવિધ ભાગોનું ચેતાકરણ કરે છે.

અત્રે એ નોંધવા જેવું છે કે તુંબિકા (અર્ધવર્તુળિત નલિકાઓ) અને ઑર્ગન ઑવ્ કોર્ટિ(શંખિકા)માં આઠમી મસ્તિષ્ક-ચેતાની શાખાઓ ચેતાકરણ કરે છે, પરંતુ મગજનાં કેન્દ્રોમાં તુંબિકામાંથી આવનાર શાખા સમતુલા અને સ્થિતિનું જ્ઞાન કરાવે છે, જ્યારે કોર્ટિના અંગમાંથી આવનાર શાખા અવાજ(શબ્દ, સંગીત)ની સંજ્ઞા કરાવે છે.

વનસ્પતિમાં સંવેદનાગ્રહણનું કાર્ય કોષરસ(cytoplasm)માં જ થાય છે. તેમાં વિશિષ્ટ ચેતાકોષ જેવા સંવેદી કોષો હોતા નથી. લજામણી જેવી વનસ્પતિમાં અપવાદરૂપ કેટલાક કોષસમૂહ અંશત: સંવેદી કોષોનું કાર્ય કરી શકે છે; પરંતુ તે પણ દબાણ કે સ્પર્શની સંવેદના (thigmotaxis) જેવું કાર્ય બતાવે છે. લજામણીના છોડ કે પાનને સ્પર્શ કરતાં તેનાં પર્ણો કામચલાઉ સંકોચાઈ જાય છે. થોડા સમય બાદ તે મૂળસ્થિતિ પુન:પ્રાપ્ત કરે છે. આ ફેરફારો આસૃતિદાબ(osmotic pressure)માં ફેરફાર થતાં જોવા મળે છે.

વનસ્પતિમાં સંગીત-સ્વરનું આકલન થવા માટે ઊંચા સ્તરનું વિશિષ્ટ સંવેદનાગ્રાહી તંત્ર આવદૃશ્યક છે. વનસ્પતિસૃદૃષ્ટિમાં આવું તંત્ર કે તેના વિકલ્પનું તંત્ર મળી ન આવે ત્યાં સુધી સંગીત-સૂર વનસ્પતિ-વૃદ્ધિ કે અન્ય દેહધાર્મિક ક્રિયાઓ ઉપર અસર કરે છે તે અતિશયોક્તિભર્યું વિધાન ગણાય.

શ્રવણ કે સાંભળવાની ક્રિયાનો ઉદ્વિકાસ પ્રાણીઓના ઉદ્વિકાસની સાથે સાથે થતો આવ્યો છે. નિમ્ન કક્ષાનાં પ્રાણીઓમાં પર્યાવરણ ઓળખવા અને તેમાં શારીરિક સમતુલા જાળવવા પ્રથમ તેનો ઉદ્ભવ થયો. ઘન, પ્રવાહી કે વાયુ જેવાં માધ્યમોમાં વિવિધ રીતે તેમાં વિકાસ થતો ગયો. પક્ષી અને સસ્તન પ્રાણીઓમાં શારીરિક સમતુલા ઉપરાંત માનસિક મનોવ્યાપારનું તત્વ ઉમેરાતાં જટિલ અંત:કર્ણની રચના અને મગજમાં વિશિષ્ટ શ્રવણકેન્દ્રોનો વિકાસ થયો. આમ શ્રવણક્રિયા એ શારીરિક અને માનસિક સમતુલા જાળવનાર પરિબળરૂપે ઉદ્ભવેલી ક્રિયા છે. પ્રાણીઓમાં અવાજ અને વાણીના ઉદ્ભવની સાથે શ્રવણાંગોનો પણ વિકાસ જોવા મળે છે અને તેથી પક્ષી અને સસ્તનોમાં શ્રવણક્રિયા (મનુષ્યમાં સૌથી વિશેષ) વિશેષ વિકાસ પામી છે; જ્યારે વનસ્પતિસૃદૃષ્ટિમાં આ ઘટનાનો સદંતર અભાવ જોવા મળે છે.

રા. ય. ગુપ્તે