શ્રવણકુમાર : પુરાણોમાં વર્ણિત અંચકમુનિના માતૃ-પિતૃ ભક્તિના આદર્શરૂપ વિખ્યાત પુત્ર. તેઓ પોતાનાં અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવવા નીકળ્યા હતા. એક દિવસ તે વનમાં એક સરોવરમાંથી માતા-પિતા માટે જળ લેવા ગયા. વનમાં અયોધ્યાના રાજા દશરથ શિકાર અર્થે આવ્યા હતા. શ્રવણકુમારે જ્યારે ઘડો પાણીમાં ડુબાડ્યો ત્યારે એનાથી નીકળતો અવાજ મૃગના અવાજ જેવો સમજીને દશરથે શબ્દવેધી બાણ ચલાવ્યું. જ્યારે રાજાએ જઈને જોયું કે બાણ વાગવાથી શ્રવણકુમાર મરવાની અણી પર છે ત્યારે એમને ભારે ક્ષોભ થયો. શ્રવણના કહેવાથી દશરથ અંચલમુનિ પાસે ગયા, આખી ઘટના તેમને બતાવી અને જળ પીવા અનુરોધ કર્યો. દુઃખી મુનિ અને તેમની પત્નીએ જળ તો ગ્રહણ ન કર્યું અને દશરથને શાપ આપ્યો કે તારું મૃત્યુ પણ પુત્ર-શોકથી થશે. મુનિ અને તેમનાં પત્નીએ તત્કાળ દેહ છોડી દીધો. એમના શાપ અનુસાર રામના વનગમન પછી મહાશોકમાં ડૂબેલા દશરથનું અવસાન થયું હતું.
પ્રવીણચંદ્ર પરીખ