શ્રમજીવી સંઘ : શ્રમના બદલામાં વેતન મેળવી તેના પર જીવનારાઓનું સંગઠન. શ્રમ મુખ્યત્વે બે પ્રકારના હોય છે : શારીરિક અને માનસિક. શારીરિક શ્રમજીવીઓનાં સંગઠન મહદ્અંશે મજૂર સંઘ તરીકે અને માનસિક શ્રમજીવીઓનાં સંગઠન કર્મચારીમંડળ તરીકે ઓળખાય છે. કાર્યસ્થળે બનાવવામાં આવતાં પાયાનાં સંગઠનો એકત્રિત થઈને અમુક વિસ્તાર, રાજ્ય, દેશ અને દુનિયાનાં મહામંડળો બનતાં હોય છે. મહામંડળોમાં બધા જ પ્રકારનાં શ્રમજીવીઓનાં સંગઠનો જોડાતાં હોય છે. કમાણીના ચાર પ્રકારો છે : વેતન, ભાડું, નફો અને વ્યાજ. મહદ્અંશે વેતનની કમાણી કરનારાઓનું સંગઠન, શ્રમજીવી સંઘ બને છે. નફાની કમાણી કરનારા ધંધાદારીઓનાં ચેમ્બર ઑવ્ કૉમર્સ જેવાં સંગઠનો હોય છે. એ જ પ્રમાણે ભાડું મેળવતા માલિકો અને વ્યાજ મેળવતા ધીરનારાઓનાં પણ મંડળો હોય છે. શ્રમજીવીઓએ માલિક પાસેથી વળતર મેળવવાનું હોય છે. તેની સામે માલિક શ્રમજીવીના શ્રમને મેળવે છે. બંને પક્ષકારો પોતે પોતાને મહત્તમ લાભ થાય તે માટે પરસ્પર પાસેથી વધારે મેળવવાના પ્રયત્નો કરતા હોય છે. સામાન્યત: શ્રમજીવી ગરીબ હોય છે. એના વેતન પર જ એના અને એના કુટુંબીજનોના જીવનનો આધાર હોય છે. આથી, માલિકની સામે પ્રતિપક્ષ તરીકે એકલદોકલ શ્રમજીવી નબળો પક્ષકાર લેખાય. લાભ મેળવવાની એમની વચ્ચેની ખેંચતાણમાં એકલદોકલ શ્રમજીવી, જે કંઈ મેળવે તેના કરતાં વધારે ગુમાવે છે. આથી, શ્રમજીવીઓના સમૂહ વતી એટલે કે શ્રમજીવી સંઘના ઉપક્રમે એમના પ્રતિનિધિઓ માલિકો સાથે સોદાબાજી કરે તો તે સોદાબાજી બે સમાન શક્તિશાળી પક્ષકારો વચ્ચેની થાય. આમ, શ્રમજીવી જે પોતે સંઘનો પ્રાણ છે, તે સામૂહિક સોદાગીરી માટે શ્રમજીવી સંઘની રચના કરે છે. માલિકોને સામૂહિક સોદાગીરી માટે ફરજ પાડતો, કાર્યદક્ષતાથી સોદાબાજી કરતો અને માલિકોનો સદ્ભાવ ટકાવી રાખતો કોઈ પણ શ્રમજીવી સંઘ એના અસ્તિત્વની અપેક્ષાને સંતોષે છે. આ સંઘનું સભ્યપદ સ્વૈચ્છિક હોય છે. એનું આંતરિક વ્યવસ્થાતંત્ર લોકશાહી સિદ્ધાંતો પર રચાય છે. એના પ્રતિનિધિઓની રજૂઆત અંગત હોતી નથી, પણ સંકળાયેલા બધા જ શ્રમજીવીઓ વતી હોય છે. માલિકોના શોષણનો પ્રતિકાર કરવા માટે શ્રમજીવી સંઘની રચના થતી હોય છે. તેથી કેટલીક વાર તે પ્રત્યાઘાતી પરિબળ તરીકે ઓળખાય છે. માલિકોનાં શોષણનો સાર્વત્રિક અને કાયમી ઉકેલ લાવવા માટે તથા શ્રમિકોનું રક્ષણ કરી શકે અને લાભ અપાવી શકે તેવા કાયદાઓ ઘડવા માટે શ્રમજીવી સંઘો સરકારો પર દબાણ કરતા હોય છે. શોષણના પ્રતિકાર માટે અને સરકારો કાં તો શ્રમજીવીઓની બને અથવા શ્રમજીવી-તરફી બને તે માટે શ્રમજીવી સંગઠનો એક રાજકીય પરિબળ તરીકે પણ ઊભરી આવે છે. શ્રમજીવી સંગઠનો એમનાં ધ્યેય સિદ્ધ કરવા માટે સામૂહિક સહી ઝુંબેશ, ધરણાં, સરઘસો, નિયમ પ્રમાણે કામ, ધીમે કામ, સામૂહિક રજાઓ અને હડતાળ જેવા ઉપાયો અજમાવતા હોય છે. આ બધા ઉપાયો અને સાધનો હોય છે તથા એ સાધનોની મદદથી શ્રમજીવી સંઘો શ્રમજીવીઓના કલ્યાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા ઝૂઝતા હોય છે.
સૂર્યકાન્ત શાહ