શ્રમનું અર્થશાસ્ત્ર (Labour Economics)

January, 2006

શ્રમનું અર્થશાસ્ત્ર (Labour Economics) : ઉત્પાદન માટેના એક અત્યંત મહત્વના સાધન માનવશ્રમ માટેની માંગ અને તેના પુરવઠાનો અભ્યાસ કરતી અર્થશાસ્ત્રની એક શાખા. અર્થશાસ્ત્રીઓએ છેક ઍડમ સ્મિથના સમયથી એ મુદ્દો સ્વીકાર્યો છે કે અન્ય ચીજવસ્તુઓ અને સાધનો માટેનાં બજારોની તુલનામાં શ્રમ માટેનું બજાર કેટલીક મહત્વની બાબતોમાં જુદું પડે છે. શ્રમબજારની કામગીરીમાં ઉત્પાદનના ક્ષેત્રે પ્રવર્તતા સામાજિક સંબંધો; શ્રમિકો સાથે કરવામાં આવતા લાંબા ગાળાના કરાર; શ્રમિકો પાસેથી કામ લેવામાં ઊભી થતી ચાલના(motivation)ના પ્રશ્નો; કામદારસંઘોની સક્રિય કામગીરી અને ‘આંતરિક શ્રમબજાર’ તરફ દોરી જતી પરંપરાઓ; શ્રમબજારને અન્ય બજારોથી જુદું પાડે છે. આ બધાંને પરિણામે એમ માનવામાં આવતું હતું કે શ્રમબજારના અભ્યાસમાં આર્થિક સિદ્ધાંતોને અલ્પ પ્રમાણમાં જ લાગુ પાડી શકાય તેમ છે. એ પ્રશ્નોની ચર્ચા જુદા માળખામાં કરવાનું જરૂરી અને ઉપયોગી છે.

આજે હવે ઉપર્યુક્ત મત સ્વીકારવામાં આવતો નથી. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના ક્ષેત્રે જે પ્રગતિ સધાઈ છે અને હજારો શ્રમિકોની વિગતોનો કમ્પ્યૂટરમાં જે સંગ્રહ કરવામાં આવ્યો છે તેના પરિણામે છેલ્લા ચારેક દસકા દરમિયાન શ્રમના અર્થશાસ્ત્રના અભ્યાસક્ષેત્રમાં મોટાં પરિવર્તનો આવ્યાં છે. શ્રમના જૂના અર્થશાસ્ત્રની તુલનામાં શ્રમના નવા અર્થશાસ્ત્રમાં બે મોટા તફાવતો પડ્યા છે : એક, શ્રમબજારનો, ખાસ કરીને શ્રમના પુરવઠાનો અભ્યાસ કરવા માટે અર્થશાસ્ત્રીય સિદ્ધાંતનો કલ્પનાશીલ ઉપયોગ કરવામાં આવ્યો છે; બીજું, વ્યક્તિગત કામદારના વલણનું વિશ્લેષણ કરવા માટે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ અનુભવમૂલક આધારસામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શ્રમના અર્થશાસ્ત્રમાં આજે હવે શ્રમના પુરવઠાને સમજવા માટે માનવમૂડીના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે. આ અભિગમમાં વ્યક્તિગત સ્તરે લેવામાં આવતા નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. શ્રમનો પુરવઠો પૂરો પાડવાની બાબતમાં અર્થશાસ્ત્રીય પરિબળોની તુલનામાં સમાજશાસ્ત્રીય પરિબળો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં માનવમૂડીનો ખ્યાલ પ્રચલિત થયો તે પૂર્વે શ્રમના પુરવઠાની સમજૂતી માટે આર્થિક તર્કપરાયણતા(economic rationality)ના ખ્યાલનો ચુસ્ત રીતે ઉપયોગ કરી શકાતો ન હતો અને તેથી શ્રમના પુરવઠાના વિશ્લેષણ માટે અર્થશાસ્ત્રીય સિદ્ધાંતનો ઉપયોગ ચુસ્ત રીતે થઈ શકતો ન હતો. માનવમૂડીના ખ્યાલના વિકાસ પછી શ્રમના પુરવઠાને લગતા વ્યક્તિગત નિર્ણયને તપાસવાનો અભિગમ બદલાઈ ગયો છે. શિક્ષણથી લઈને અન્ય તમામ માર્ગોએ વ્યક્તિ તેની કુશળતામાં વધારો કરવા માટે જે પ્રયાસો કરે છે (અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો જે ખર્ચ કરે છે) તેને હવે મૂડીરોકાણ તરીકે જોવામાં આવે છે અને તેને અપેક્ષિત વળતર સાથે સાંકળવામાં આવે છે. વ્યક્તિ તેના જીવનનાં આરંભનાં વર્ષોમાં શિક્ષણ અને કાર્યાનુભવ દ્વારા મૂડીરોકાણ કરે છે અને પછીનાં વર્ષોમાં તેના પર વળતર મેળવે છે એ પરિપ્રેક્ષ્યમાં શ્રમના પુરવઠાનો વિચાર કરવામાં આવે છે.

પૂર્વે શ્રમના અર્થશાસ્ત્રમાં વેતનો અને શ્રમની ગતિશીલતાની ચર્ચા વ્યક્તિગત ઉદ્યોગના સ્તરે કે પેઢી(establishment)ના સ્તરે કરવામાં આવતી હતી; હવે શ્રમિકો વિશેની વ્યક્તિગત માહિતી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થતાં એ ચર્ચા વ્યક્તિકેન્દ્રી કે શ્રમિકકેન્દ્રી થઈ છે અને તે માટે મોટા પ્રમાણમાં અર્થમિતિશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્રની પદ્ધતિઓનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

શ્રમના પુરવઠાની બાબતમાં થયેલા આ અર્થશાસ્ત્રીય વિકાસનું મૂલ્યાંકન આ શબ્દોમાં કરવામાં આવ્યું છે; એનાથી શ્રમિકોના સામાજિક વર્તનની સારી સમજૂતી સાંપડી છે; પરંતુ શ્રમબજારમાં ઘટતી કેટલીક ઘટનાઓની સમજૂતી સાંપડી નથી; ખાસ કરીને વેતનદરનું નિર્ધારણ, તેમાં (વેતનદરમાં) આવતાં પરિવર્તનો અને તેમાં જોવા મળતા તફાવતોની સમજૂતી આ અભિગમ આપી શક્યો નથી.

શ્રમના અર્થશાસ્ત્રમાં જે સૈદ્ધાંતિક અને અનુભવાશ્રિત ઉન્મેષો સર્જાયા છે તેની કોઈ નોંધપાત્ર અસર શ્રમ માટેની માંગના વિશ્લેષણ પર પડી નથી તેનું એક કારણ આ છે : પૂર્વેના વિદ્વાનોએ માંગના પાસાનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું જ હતું, તેમાં તેમણે જે મુદ્દાઓ તપાસ્યા હતા તે આ પ્રમાણે છે : આંતરિક શ્રમબજાર, કામદાર-કર્મચારીની પસંદગી – તેમની ભરતી, તેમને અપાતી બઢતી, પેઢીઓની વેતનનીતિઓ અને વિવિધ શ્રમબજારોમાં પ્રવર્તતા વેતનદરો-વેતનમાળખું. આ બધા મુદ્દાઓ પર છેલ્લા બેત્રણ દસકાઓ દરમિયાન કોઈ વિશેષ જાણકારી મેળવી શકાઈ નથી. વળી માંગની બાજુએ જે કંઈ સૈદ્ધાંતિક વિકાસ સધાયો છે તેને અનુરૂપ અને તેના અનુસંધાનમાં અનુભવાશ્રિત વિશ્લેષણ પણ ઝાઝું થઈ શક્યું નથી. કેમકે એ માટે આવદૃશ્યક આધારસામગ્રી (data) ઉપલબ્ધ નથી.

શ્રમબજારની કામગીરીમાં સંસ્થાકીય પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં મહત્વની એક સંસ્થા કામદારસંઘો છે. શ્રમના અર્થશાસ્ત્રમાં કામદારસંઘોની વેતનદરો પર પડતી અસરોનો મોટા પ્રમાણમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. એ માટે જે ક્ષેત્રોમાં કામદારસંઘો કાર્યરત હોય અને જે ક્ષેત્રોમાં તેમનું અસ્તિત્વ ન હોય તેમાં રોકાયેલા કામદારોના વેતનદરો અને તેમાં થતા ફેરફારોની તુલના સહજ રીતે જ કરવામાં આવે છે. વેતનદરો સિવાયની અન્ય બાબતો પર પડતી કામદારસંઘોની અસરો પણ તપાસવામાં આવે છે; દા.ત., કામદારોની છટણી, તેમને કાયમ કરવાની નીતિ, કામચલાઉ છટણી, વેતનદરોમાં પ્રવર્તતા તફાવતો, વગેરે.

એક સંસ્થા તરીકે વિવિધ શ્રમબજારોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારની કામગીરી બજાવતા શ્રમિકો માટેનાં બજારોને અલગ ગણીને તેમનો અભ્યાસ કરવામાં આવે છે. શારીરિક શ્રમનું કામ કરતા કામદારો(bluecollar labour)ના બજાર પર પૂર્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, હવે ઉજળિયાત શ્રમિકો-(whitecollar labour)ના બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

શ્રમબજારના તુલનાત્મક અભ્યાસના એક ભાગ રૂપે હવે વિકાસશીલ દેશોનાં શ્રમબજારનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે હેરિસ-ટોડારો મૉડેલ (The Harris-Todaro model)નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નગરવિસ્તારોમાં જોવા મળતી બેકારીને ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારોમાં ઊંચા વેતનની અપેક્ષાથી સ્થળાંતર કરીને આવતા શ્રમિકોની કતાર (queue) તરીકે જોવામાં આવે છે અને ગ્રામીણ તથા શહેરી વિસ્તારનાં શ્રમબજારો વચ્ચે જોવા મળતા દ્વૈત (dual labour market) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે

રમેશ ભા. શાહ