શ્યોક (Shyok) : જમ્મુ-કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આવેલી નદી. સિયાચીન હિમનદીમાંથી નીકળતી નુબ્રા નદીના મેળાપ પછી તૈયાર થતી નદી. રીમો હિમનદીમાંથી તેમજ તેરિમ કાંગરી શિખર(ઊંચાઈ 7,500 મીટર)માંથી તેને જળપુરવઠો મળી રહે છે. તે કારાકોરમની દક્ષિણે ગિલગીટના ખીણ-વિસ્તારમાંથી શિગાર નદી સહિત પસાર થાય છે અને કાશ્મીરના વાયવ્ય ભાગમાં થઈને વહે છે. ટ્રાન્સ-હિમાલયન કાશ્મીર વિસ્તારની વિશાળ નદીઓ પૈકીની તે એક ગણાય છે; સિંધુ પછી તેનો ક્રમ આવે છે. તેની કુલ લંબાઈ 550 કિમી. જેટલી છે. તે કારાકોરમ અને અકસાઈ ચીનના પ્રદેશમાંથી પસાર થાય છે. તેની સહાયક નદીઓનાં મૂળ પશ્ચિમ કારાકોરમના હિમાચ્છાદિત વિસ્તારોમાં રહેલાં છે. દુનિયાનાં સૌથી મોટાં નદીથાળાંઓ પૈકી શ્યોક નદીના થાળાની પણ ગણના થાય છે.
ખાયલાનથી 50 કિમી. હેઠવાસમાં, 2,500 મીટરની ઊંચાઈએ તે સિંધુ નદીને મળે છે, જ્યાં તે ફરીથી ફંટાઈને અલગ પડે છે, અહીંથી તેનું ઘસારાકાર્ય શરૂ થાય છે. આ નદીના માર્ગમાં હિમ-આડ નિર્માણ પામે છે, તેમાંથી મુદતી સરોવરો તૈયાર થાય છે; તે જ્યારે તૂટે છે ત્યારે પાણીનો પુરવઠો વિપુલ પ્રમાણમાં ધસી આવે છે.
લદ્દાખના મધ્ય અને અગ્નિ દિશા તરફના ભાગોમાં કારાકોરમના ઉચ્ચ પ્રદેશમાં જમાવટનું કાર્ય થયેલું છે. અલગ પડેલી સિંધુ અને શ્યોક નદીઓ અહીં ઊંડાં કોતરોમાં થઈને સમાંતરે વહે છે. તે અસ્તોર, ગોમે અને સરદાર ચોકીની ઉત્તરે ગિલગીટ વઝરત, દેવસાઈનાં મેદાનો, ટોલ્ટી અને હેનાચી પ્રદેશોમાંથી શ્યોક નદી પસાર થાય છે. મુસ્તાઘ હારમાળા તથા મેશરબ્રમ હારમાળામાંથી બાલ્ટિમોર હિમનદીનું પાણી શ્યોક નદીને મળે છે. લદ્દાખની ઉત્તરેથી શ્યોક અને તેની સહાયક નદીઓ ઉદ્ગમ પામે છે. આ નદી સિંધુને સમાંતર વહી, ખારડુંગ લા(5,100 મીટર)માં થઈને ખાલસાર, ઉમારુ, બિયાંગડાંગો, ટુરટોક, સિયાર, ખાપલુ અને ડોઘાની થઈને કીરીસ સુધી પહોંચે છે; ત્યારબાદ તે ઉત્તરે 320 કિમી.નું અંતર રાખીને સમાંતર ચાલી જાય છે.
થોડાં વર્ષો પહેલાં રીમો હિમનદી પાસે ચીપચાપ અને શ્યોક નદીના સંગમસ્થાને 15 કિમી. લંબાઈનું ‘ગૅપ શાન’ (Gap Shan) નામનું સરોવર રચાયેલું. તે પહેલાં પણ 1832, 1876-77 અને 1923-24માં પણ આ પ્રકારનાં સરોવરો રચાયેલાં.
શ્યોક નદીના ખીણપ્રદેશમાંથી મહત્વના ઘણા માર્ગો પસાર થાય છે, તે પૈકી સિક્યાંગ માર્ગ મુખ્ય છે. તે લેહથી શરૂ થઈ, ખારદુંગ ઘાટમાં થઈ લદ્દાખમાંથી પસાર થાય છે; ફરીથી સાસેર ઘાટ થઈને કારાકોરમમાંથી પસાર થાય છે. શ્યોક ખીણ ફરી વાર મુર્ગા સુધી લંબાય છે. આગળ જતાં તે સિલ્કરોડને મળે છે. ચીને આ ખીણ-વિસ્તારને લક્ષમાં રાખીને બે માર્ગો તૈયાર કર્યા છે.
નીતિન કોઠારી