શ્યામશિર ગંદમ

January, 2006

શ્યામશિર ગંદમ : ભારતમાં શિયાળે જોવા મળતું યાયાવર પંખી. ગંદમ(Bunting)ની ઘણી જાતો છે. તેમાં સૌથી વધુ જાણીતાં અને વ્યાપક કાળા માથાવાળાં ગંદમ (Black Headed Bunting) છે.

તે Emberiza calandra વર્ગનું પંખી છે. તેની શ્રેણી Passeriformes અને તેનું કુળ Emberizidae છે. તેનું કદ સુઘરી અને ચકલી કરતાં જરા મોટું અને બુલબુલ કરતાં નાનું હોય છે. તેની લંબાઈ 18 સેમી. અને વજન આશરે 60 ગ્રામ જેટલું હોય છે.

શ્યામશિર ગંદમ

તેનો રંગ પીળો હોવાથી ઘણા તેને સુઘરી માની લે છે, પરંતુ નર ગંદમને કપાળ, માથું, ગરદનનો ઉપલો ભાગ અને ગાલ  બધું જ સાવ કાળું હોય છે; જાણે ઠંડીમાં કાળી કાનટોપી પહેરી ન હોય ! ગળાના બાકીના ભાગે પીળો કૉલર હોય છે, જે નીચે દાઢીથી પૂંછડી સુધીના સુંદર પીળા રંગ સાથે ભળી જાય છે. દાઢી, ગળું, છાતી, પેટ  અને પૂંછડી સુધી પીળો હળદર જેવો રંગ હોવાથી સુઘરીથી તે જુદો પડે છે.

તેની પીઠ નારંગી લાલ, પાંખો ને પૂંછડી ઉપરથી ઘેરા ભૂખરા પટ્ટા અને ખભા પાસે લાલ. ચાંચ લીલાશ પડતી શિંગડિયા. પગ ગુલાબી જેવા, કાળા માથામાં ભૂખરી આંખ જુદી પડે છે.

માદાનો રંગ ચકલીને મળતો બદામી, પીઠમાં કાળી ભૂખરી રેખાઓ. છાતી બદામી જેવી પણ પેટાળ પીળાશ પર. આખું પંખી પીળાશ પડતા બદામી રંગની ઝાંયવાળું લાગે. ગંદમનું ટોળું છેટેથી પીળા રંગનો જ ખ્યાલ આપે છે.

તે એના માળા યુરોપ-એશિયામાં કરે છે. એની વસ્તી પૂર્વ યુરોપ અને પશ્ચિમ એશિયામાં જોવા મળે. શિયાળે ભારતમાં આવીને પૂર્વમાં દિલ્હી, નાગપુર સુધી અને દક્ષિણે છેક બેલગામ સુધી ફેલાઈ જાય છે. આખો શિયાળો ભારતમાં ગમે ત્યારે દેખાય. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ડિસેમ્બરમાં ટોળાબંધ જોવા મળે. વસંતઋતુમાં મહા, ફાગણ અને ચૈત્ર માસ દરમિયાન વાડીઓમાં ઘઉંના મોલમાં અને ખળામાં સારી એવી સંખ્યામાં જોવા મળે. ખોરાકમાં અનાજ અને જીવાત આરોગે. ક્યારેક મીઠા અવાજે ગાય.

પ્રજનનઋતુમાં ઘાસનાં તરણાંનો વાટકા જેવો માળો નાના ઝાડ કે છોડના વેલામાં બનાવીને લીલાશ પડતાં 4 ઈંડાં મૂકે છે.

બળદેવભાઈ કનીજિયા