શ્યામ મળ (melana)
January, 2006
શ્યામ મળ (melana) : ડામર જેવા કાળા રંગનો મળ. જઠર કે આંતરડાંમાં લોહી વહે ત્યારે અર્ધપચિત રુધિરમિશ્રિત મળનો રંગ ડામર જેવો કાળો (farry black) બને છે. તે જઠર અને આંતરડાંમાં ક્યાંક લોહી વહી રહ્યું છે તે દર્શાવે છે. જો જઠર કે આંતરડાંમાં પુષ્કળ પ્રમાણમાં રુધિરસ્રાવ થાય તો લોહીની ઊલટી થાય છે કે ગુદામાર્ગે લોહી પડે છે, જ્યારે ધીમે ધીમે ઝમતું કે ઝરતું લોહી શ્યામ મળ કરે છે. લોહીની ઊલટીને રુધિરવમન (haemetomesis) કહે છે જ્યારે મળમાં શુદ્ધ લોહી વહે તો તેને રુધિરમળ (haematochezia) કહે છે. ગુદાના રોગો; દા.ત., મસાના રોગમાં ગુદામાર્ગે લોહી પડે છે પણ તે મળની સપાટી પર કે મળત્યાગ પછી બહાર આવે છે. તેથી તેને અકળરુધિરસ્રાવ (oocult blood) કહે છે. શ્યામ મળમાં લોહી અલગ તરી આવતું હોતું નથી. આવી રીતે ગુદામાર્ગે કે મળ સાથે બહાર આવતું લોહી સુસ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જ્યારે જઠરમાં લોહી વહે ત્યારે લોહીની ઊલટી થાય છે, પણ સાથે સાથે કેટલુંક લોહી આંતરડાંમાં પણ પ્રવેશતું હોવાથી શ્યામ મળ થાય છે. આવા કિસ્સામાં દેખીતી રીતે લોહી વહેતું નથી, પરંતુ ગુપ્ત રીતનો અને ચોખ્ખી રીતે જાણી ન શકાય તેવો રુધિરસ્રાવ થયો હોય છે માટે તેને મળમાં અકળ રુધિર (occult blood in stool) કહે છે. તે જાણવા માટેની કસોટીને બેન્ઝિડીન કસોટી કહે છે. જઠરમાં વહેતું લોહી ઍસિડના સંપર્કમાં આવે છે અને તેથી હિમેટિન બને છે, જે કૉફી રંગનું હોય છે અને ઊલટી દ્વારા બહાર નીકળે છે. નાના આંતરડામાં પ્રવેશતું લોહી તેના ઉત્સેચકો(enzymes)ના સંપર્કમાં આવે છે અને તે કાળા રંગનું બને છે અને કાળા મળ રૂપે બહાર આવે છે. સામાન્ય રીતે 50 મિલિ.થી 100 મિલિ. જેટલો રુધિરસ્રાવ થાય ત્યારે શ્યામ મળ બને છે. જો વધુ લોહી વહે તો 1થી 3 દિવસ સુધી શ્યામ મળ જોવા મળે છે. ત્યારબાદ મળનો રંગ સામાન્ય થઈ જાય છે, પરંતુ તેના પર અકળ રુધિરીમળ(occult blood in stool)ની કસોટી કરવામાં આવે તો તે 8 દિવસ સુધી હકારાત્મક પરિણામ દર્શાવે છે. ગુદા તથા મળાશયમાંથી થતો રુધિરસ્રાવ શ્યામ મળ કરતો નથી. તેવી રીતે જઠર અને આંતરડાંમાંથી વહેતું લોહી જો પુષ્કળ પ્રમાણમાં હોય તો તે સ્પષ્ટ રીતે લોહીના રૂપે મળમાં જોવા મળે છે.
લોહ, કોલસો તથા બિસ્મથ મોં વાટે લેવામાં આવે ત્યારે પણ કાળા રંગનો મળ થાય છે. બીટનો આહાર મળને લાલ રંગનો કરે છે.
જ્યારે પણ મળમાં લોહી છે તેવું જાણમાં આવે, પછી તે સુસ્પષ્ટ કે અકળ રુધિરી મળ હોય, ત્યારે તે કોઈ ગંભીર કે મોટા રોગની હાજરી સૂચવે છે તેથી તેની પૂરતી તપાસ જરૂરી બને છે. મોટી ઉંમરે જો લોહીમાં હીમોગ્લોબિન ઘટે (પાંડુતા, anaemia) તો અકળ રુધિરી મળની કસોટી અચૂક કરાય છે. આવા દર્દીમાં જઠર અને આંતરડાંની બેરિયમ કસોટી અને / અથવા અંત:દર્શક (endoscope) વડે તપાસ કરીને ચાંદું કે ગાંઠ (કૅન્સર) છે કે કેમ તે શોધી કઢાય છે.
શિલીન નં. શુક્લ