શ્યામરંગી ખડકો ખનિજો (melanocratic rocks  minerals) : મુખ્યત્વે ઘેરા રંગવાળાં ખનિજોથી બનેલા અગ્નિકૃત ખડકો. આ પ્રકારના ખડકોમાં ઘેરા રંગનાં ખનિજોનું પ્રમાણ 60 %થી 90 % જેટલું હોય છે; બાકીની ટકાવારી શુભ્રરંગી ખનિજોની હોઈ શકે છે. ઘેરા રંગનાં ખનિજો પૈકી બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ, પાયરૉક્સિન, ઑલિવિન વગેરે જેવાં ફેરોમૅગ્નેશિયન ખનિજોનું પ્રમાણ આ શ્યામરંગી ખડકોમાં વધુ હોય છે.

અગ્નિકૃત ખડકોનું રંગ મુજબનું વર્ગીકરણ કરવા બ્રોગરે પ્રયોજેલા શુભ્રરંગી, મધ્યમરંગી અને શ્યામરંગી વિશેષણ પૈકીનું આ વિશેષણ ઘેરા રંગવાળા ખનિજધારક ખડકો માટે ઉપયોગમાં લેવાય છે. શાન્ડે સૂચવેલા રંગક્રમ માટેના ત્રણ વિભાગો (ઘેરા રંગનાં ખનિજોનું પ્રમાણ 0-30 %, 30-60 % અને 60-90 %) પૈકીના ત્રીજા વિભાગમાં આ ખડક-પ્રકાર આવે છે. ગૅબ્બ્રો અને બેસાલ્ટ જેવા બેઝિક અગ્નિકૃત ખડકો શ્યામરંગી ખડક-પ્રકારનાં ઉદાહરણો છે.

ગિરીશભાઈ પંડ્યા