શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ લુડવિગ (Schnorr, Von Carolsfeld Ludwing)
January, 2006
શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ લુડવિગ (Schnorr, Von Carolsfeld Ludwing) (જ. 2 જુલાઈ 1836, મ્યૂનિક, જર્મની; અ. 21 જુલાઈ 1865, ડ્રૅસ્ડન, સૅક્સની, જર્મની) : વાગ્નરના ઑપેરાઓનાં પાત્રોની ગાયકી માટે જાણીતા જર્મન ટેનર (tenor) ગાયક.
1855માં શ્નોરે ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. ગાયિકા મેલ્વિના ગારિક્સ સાથે લગ્ન કરીને 1860માં એ ડ્રૅસ્ડનમાં સ્થિર થયા. અહીં તેમણે જર્મન ગીતો (lieder), ઑપેરા અને ઑરેટોરિયોના ટેનર ગાયક તરીકે ખ્યાતિ મેળવી. વાગ્નરના બે ઑપેરાઓ ‘ટૅન્હોસર’ (Tannૃuser) અને ‘લોહેન્ગ્રિન’(Lohengrin)માં તેમની ગાયકી ખાસ વખણાઈ. ખુદ વાગ્નર તેમના પ્રશંસક બન્યા. વાગ્નરે તેમના નવા ઑપેરા ‘ટ્રિસ્ટાન ઍન્ડ ઇસોલ્ડે’માં ગાવા માટે આમંત્રણ આપ્યું. એમાં શ્નોર માટેની ગાયકી વાગ્નરે ઘણી કઠિન નિયોજિત (compose) કરી હતી; જેને શ્નોરે પૂરી સફળતાથી ગાઈ. ત્યારબાદ તેમણે મોત્સાર્ટના ઑપેરા ‘ડૉન જિયોવાની’ માટેનાં રિહર્સલ્સ ગાવાનું શરૂ કર્યું, પરંતુ તરત જ તેમની તબિયત કથળી. વાગ્નરને યાદ કરતાં તેઓ મૃત્યુ પામ્યા.
અમિતાભ મડિયા