શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ જુલિયસ (Schnorr, Von Carolsfeld Julius)(. 26 માર્ચ, 1794, લિપઝિગ, જર્મની; . 24 મે, 1872, ડ્રૅસ્ડન, સેક્સની, જર્મની) : ચિત્રકળાની ‘નેઝારેને’ (Nazarene) ચળવળમાં અગત્યનો ભાગ લેનાર જર્મન ચિત્રકાર.

પિતા હાન્સ ફીટ શ્નોર (Hans Veit Schnorr) પાસેથી શ્નોરે પ્રાથમિક તાલીમ લીધી. 1818માં શ્નોર રોમ ગયા અને ત્યાં ‘લુકાસ બ્રધરહૂડ’ નામે ઓળખાતા ચિત્રકારોના જૂથમાં જોડાયા. આ જૂથે ‘નેઝારેને’ ચળવળમાં અગત્યનો ભાગ ભજવેલો. (રેનેસાંસ યુગમાં ચિત્રકારોએ વિરાટ કદનાં ભીંતચિત્રો ચીતરેલાં. એવાં વિરાટ કદનાં ચિત્રો ચીતરવાની નેમ ‘નેઝારેને’ જૂથના ચિત્રકારોએ સેવી હતી.) રેનેસાંસ યુગના ઇટાલિયન ચિત્રકારો ઉપરાંત જર્મન રેનેસાંસ ચિત્રકાર ડ્યુરરનો પ્રભાવ પણ શ્નોર ઉપર પડ્યો. એમનાં ચિત્રોમાં રૈખિક સ્પષ્ટતા વધી અને રંગો વધુ તેજસ્વી બન્યા. બીજા ચિત્રકારો જોહાન ઑવર્બૅક, પીટર ફૉન કોર્નેલિયસ અને ફિલિપ વીટ સાથે શ્નોરે ‘વિલા માસિમો’ મહેલમાં ભીંતચિત્રો ચીતર્યાં.

1827માં રોમ છોડીને શ્નોર મ્યૂનિકમાં સ્થિર થયા. અહીં તેમણે રાજા લુડવિગ પહેલા માટે ભીંતચિત્રો ચીતર્યાં.

1851માં તેમણે લંડનની મુલાકાત લીધી. ત્યાં તેમણે ‘પિક્ચર બાઇબલ’ માટે કાષ્ઠછાપ (વૂડકટ) પદ્ધતિથી છાપચિત્રો બનાવી આપ્યાં.

અમિતાભ મડિયા