શ્નાબેલ, આર્ટર (Schnabel, Artur) (. 17 એપ્રિલ 1882, લિપ્નીક, ઑસ્ટ્રિયા; . 15 એપ્રિલ 1951, આક્ઝેન્સ્ટાઇન, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઑસ્ટ્રિયન પિયાનિસ્ટ અને સંગીતશિક્ષક. બાળપણથી જ સંગીતકૌશલ્ય ધરાવતા શ્નાબેલે વિયેનાના પ્રસિદ્ધ પિયાનિસ્ટ અને સંગીતશિક્ષક થિયૉડોર લૅશિટિઝ્કી (Leschetizky) હેઠળ પિયાનોવાદનની તાલીમ લીધેલી. ત્યારબાદ શ્નાબેલે બર્લિનમાં સંગીતશિક્ષકની કારકિર્દી શરૂ કરી હતી; પણ નાત્ઝી હકૂમતે તેમને હાંકી કાઢતાં તેમણે સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્થિર થઈ પિયાનોવાદન શીખવવું શરૂ કર્યું. 1921માં એક વાર તેઓ અમેરિકા જઈ પિયાનોવાદનની મહેફિલો કરી આવેલા.

આર્ટર શ્નાબેલ

બીથોવન, – (brahms) અને શુબર્ટની કૃતિઓ વગાડવામાં શ્નાબેલે નૈપુણ્ય મેળવેલું. એ કૃતિઓ તેઓ તીવ્ર અને ઉત્કટ ભાવ સાથે વગાડતા.

એક સંગીતનિયોજક તરીકે જાણીતા નહિ હોવા છતાં શ્નાબેલે મૌલિક કૃતિઓ પણ લખી છે; આમ છતાં પોતાની એ કૃતિઓ કે અન્ય કોઈ પણ આધુનિક કૃતિઓ તેમણે જાહેર જલસામાં કદી વગાડી નથી. વીસમી સદીના ક્રાંતિકારી સંગીતકાર અને સંગીતનિયોજક આર્નોલ્ડ શોઅનબર્ગ પર તેમનો પ્રભાવ હતો.

શ્નાબેલનું સંગીતવિષયક મૌલિક ચિંતન બે ગ્રંથોમાં મળે છે : (1) ‘રિફ્લેક્શન્સ ઑન્ મ્યુઝિક’(1933)માં અને (2) ‘મ્યુઝિક ઍન્ડ ધ લાઇન ઑવ્ મોસ્ટ રેઝિસ્ટન્સ’માં.

બીથોવનના પિયાનો સૉનાટાઓને પણ શ્નાબેલે મૌલિક રીતે સંપાદિત કર્યાં છે, જે વિવાદાસ્પદ ગણાયા છે.

અમિતાભ મડિયા