શ્કોદ્ર (Shkodra) : આલ્બેનિયાનું વસ્તીની દૃષ્ટિએ તિરાના પછી બીજા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 43° 05´ ઉ. અ. અને 19° 30´ પૂ. રે.. તે બ્યુના અને દ્રિની નદીઓના સંગમ નજીક, સ્કુતારી સરોવરના અગ્નિ છેડે વસેલું છે.

આ શહેર રોમન કૅથલિક ધર્મગુરુનું મથક પણ છે. અહીં કેથીડ્રલ, મસ્જિદો અને ખ્રિસ્તી દેવળો આવેલાં છે. શહેર નજીકની ઊંચી ટેકરી પર જૂના કિલ્લાને સ્થાને 14મી સદીમાં વેનેટિયનોએ કિલ્લો બાંધેલો તે હજી આજે પણ જોવા મળે છે.

અહીં નજીકના વિસ્તારમાં ઑલિવ, તમાકુ અને અનાજનું ઉત્પાદન લેવાય છે. અહીં આટાની મિલો, ઑલિવતેલ, સિમેન્ટ અને સિગારેટનાં કારખાનાં આવેલાં છે. મત્સ્ય-ઉદ્યોગ પણ વિકસ્યો છે. તાજી, મીઠાવાળી અને સૂકવેલી માછલીઓનું વેચાણ થાય છે.

આ શહેર ઇલિરિયન રાજવીઓનું પાટનગર રહેલું. રોમનો, બાયઝેન્ટિયનો, સર્બ, બલ્ગટ, વેનેટિયનો અને તુર્કોએ અહીં લાંબા કાળ સુધી શાસન કરેલું. મૉન્ટેનેગ્નિઓએ અહીં છ મહિના સુધી ઘેરો નાખીને 1913ના એપ્રિલમાં તુર્કો પાસેથી તે લઈ લીધેલું, પરંતુ મૉન્ટેનેગ્નિન દળો પાછાં ગયાં પછી જ્યાં સુધી આલ્બેનિયા રાજ્ય ન રચાયું ત્યાં સુધી તે આંતરરાષ્ટ્રીય મથક તરીકે રહેલું. 1995 મુજબ તેની વસ્તી 84,000 જેટલી છે. શ્કોદ્ર જિલ્લાનાં વિસ્તાર અને વસ્તી અનુક્રમે 2,528 ચોકિમી. અને 2,41,549 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા