શૌરી, અરુણ (. 2 નવેમ્બર 1941, જાલંધર) : જાણીતા પત્રકાર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન, અર્થશાસ્ત્રી. શ્રીમતી દયાવંતીદેવી અને શ્રી હરિદેવ શૌરીના પુત્ર અરુણ શૌરીએ પત્રકાર તરીકે ઘણી નામના મેળવી છે પરંતુ તે પહેલાં તેમની કારકિર્દી અર્થશાસ્ત્રી તરીકેની હતી. નવી દિલ્હીમાં કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ન્યૂયૉર્કસ્થિત સાયરાકસ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરીને 1967થી 1978 દરમિયાન તેમણે વિશ્વબૅંકમાં અર્થશાસ્ત્રી તરીકે સેવા આપી હતી. આ દરમિયાન 1972થી 1974ના ગાળામાં ભારતના આયોજન પંચમાં સલાહકાર (કન્સલ્ટન્ટ) તરીકે કામગીરી કરી હતી. એ અરસામાં જ તેમણે વિવિધ અખબાર-સામયિકોમાં આર્થિક નીતિ અંગે અભ્યાસપૂર્ણ લેખો લખીને પત્રકાર તરીકેનાં પ્રથમ પગરણ માંડ્યાં હતાં.

પત્રકાર તરીકે અરુણ શૌરીની સક્રિય કારકિર્દીની શરૂઆત 1979થી થઈ હતી. તે પહેલાં 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે શૌરીએ તેની સામે લડી લેવાનો નિર્ણય કર્યો અને નાગરિક સ્વાતંત્ર્યને લગતા શ્રેણીબદ્ધ લેખ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખ્યા. જોકે આ લેખોને કારણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને સરકાર તરફથી ભારે હેરાનગતિનો સામનો પણ કરવો પડ્યો હતો. પહેલી જાન્યુઆરી, 1979ના રોજ શૌરીની નિમણૂક આ અખબારના એક્ઝિક્યુટિવ તંત્રી તરીકે થઈ ત્યારે જૂથના માલિક રામનાથ ગોએન્કાએ તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી, જેનો શૌરીએ પૂરો લાભ ઉઠાવ્યો અને સમાચારોની પસંદગીથી માંડીને અખબારનું કલેવર અને ઓળખ પણ બદલી નાખ્યાં હતાં. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની કારકિર્દી દરમિયાન તેમણે અખબારી સ્વતંત્રતાને કચડવાના સત્તાધીશોના પ્રયાસોને ખાળવાના પ્રયાસો તો કર્યા જ, સાથે સરકારમાં સર્વોચ્ચ સ્થાને વ્યાપેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડતા શ્રેણીબદ્ધ અહેવાલો પ્રકાશિત કર્યા. બીજા શબ્દોમાં હિંમતભર્યા અને સંશોધનાત્મક પત્રકારત્વનો એક આખો નવો યુગ તેમણે શરૂ કર્યો.

અરુણ શૌરી

1981માં શૌરીએ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યપ્રધાન અબ્દુલ રહેમાન અંતુલેના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સામે જબરદસ્ત અભિયાન ચલાવ્યું હતું જેને કારણે તેમણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ ઘટના ઇન્દિરા ગાંધી અને તેમના કૉંગ્રેસ પક્ષ માટે અત્યંત શરમજનક બની રહી હતી. જોકે ત્યારબાદ સરકારના વિવિધ વિભાગોએ તો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને યેન કેન પ્રકારે હેરાન કરવાનું તો શરૂ કર્યું જ. વળી, અંતુલેના દોરીસંચારથી અખબારમાં ઘણા મોટા પાયે કામદારોની હડતાળ પણ ચાલી. આ પ્રસંગથી ગોએન્કા નારાજ થયા અને શૌરીને 1982માં હાંકી કાઢવામાં આવ્યા. 1982થી 1986 દરમિયાન શૌરીએ વિવિધ અખબાર-સામયિકોમાં લેખો લખ્યા અને ત્યારબાદ 1986માં તેઓ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક્ઝિક્યુટિવ તંત્રી તરીકે જોડાયા. જોકે માત્ર એક જ વર્ષમાં રામનાથ ગોએન્કાએ શૌરીને ફરી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં બોલાવી લીધા. પત્રકાર તરીકેની કારકિર્દી દરમિયાન શૌરીએ ઘણી લડત આપી છે, જેમાં સૌથી વિખ્યાત સરકાર વિરુદ્ધ અખબારી સ્વતંત્રતાની હતી. 1988માં તત્કાલીન સરકારે ‘બદનક્ષી ખરડો’ સંસદમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો. શૌરીના નેતૃત્વ હેઠળ જબરદસ્ત ઝુંબેશ ઉપાડી જેને દેશભરનાં અખબારો-સામયિકોનો ટેકો મળ્યો. શૌરી 1990 સુધી આ અખબારના તંત્રીપદે રહ્યા. આ પછી તેમણે પુસ્તકો લખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સાથે દેશનાં વિવિધ ભાષાનાં 30 જેટલાં અખબાર-સામયિકોમાં કૉલમ લખતા રહ્યા. હજુ આજે પણ (2005) તેમની આ પ્રવૃત્તિ યથાવત્ છે. શૌરીને વર્લ્ડ પ્રેસ રિવ્યૂનો ઇન્ટરનૅશનલ એડિટર ઑવ્ ધ યર તથા ઇન્ડિયન ફેડરેશન ઑવ્ પબ્લિશર્સનો ફ્રીડમ ટુ પબ્લિશ ઍવૉર્ડ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો એનાયત થયા છે.

અરુણ શૌરી 1998માં ભારતીય જનતા પક્ષમાં જોડાઈને સક્રિય રાજકારણમાં આવ્યા હતા અને વિનિવેશ, વાણિજ્ય જેવા ખાતાના પ્રધાન તરીકે તેમણે સેવાઓ આપી હતી.

અલકેશ પટેલ