શૌબિંગી (Common Iora) : ભારતવર્ષમાં વ્યાપક અને ગુજરાતનું સ્થાયી અધિવાસી પંખી. તેનો કિન્નર કુળ(Family Irenidae)માં સમાવેશ થાય છે. તેનું શાસ્ત્રીય નામ Aegithina tiphia huei Baker છે. હિંદીમાં તેને ‘શૌવીગા’ કહે છે.

શૌબિંગી

આ એક રૂપાળું અને મોહક સ્વર ધરાવતું, રૂપલાવણ્ય, છટા અને નર્તનમાં તેની તુલનામાં કોઈ ન આવે તેવું પંખી છે. તેનું કદ 12.5 સેમી.નું એટલે કે ચકલીથી નાનું હોય છે. ચાંચના મૂળ પાસેથી માથું, ગરદન, પીઠ, પાંખો ને પૂંછડી ચળકતા ઘેરા કાળા રંગનાં; પાંખોમાં બે સફેદ પટ્ટા; ગળું, છાતી ને પેટ અને પેઢું બધું જ પીળું સુંદર ઘેરા ખૂલતા રંગનું. નરને શિયાળે કાળો રંગ ઊતરી જાય અને ઉપરથી રાખોડી ભૂખરો ને ફિક્કો પીળો થઈ જાય.

નર અને માદાનો રંગ અલગ. માદા કાળાશ પડતા લીલા રંગની અને નીચેના ભાગે આછા પીળા રંગની. પાંખમાં બે મેલા ધોળા પટા, પૂંછડીનો અગ્રભાગ લીલો. બંનેની ચાંચ રતૂમડી, પગ ઘઉંવર્ણા પીળા, નરની ખરી શોભા તો તેના કંઠમાં છે. વસંત બેસે ને એનો કંઠ ખૂલે. ગ્રીષ્મ ઊતરતાં તેનું ગીત પરાકાષ્ઠાએ પહોંચે. સંવનનકાળે તો ગીતથી ચારે દિશાઓ ભરી દે. તે આખો દિવસ અવિરતપણે પાંચપદી ગાન કરે છે. પ્રત્યેક પદમાં એકેક પદ વધારીને ‘વી-વીઇ-વીઇઇ-વીઇઇઇ-વીઇઇઇઇ’ એમ સિસોટી વગાડે છે. નર ‘વી’ કરે તેનો ‘વી’ અવાજથી માદા સાથ આપે અને બંને ઝાડની એક ડાળથી બીજી ડાળે એમ ડાળે ડાળે ફટાફટ ફરી વળીને જીવાત અને ઇયળો આરોગે છે.

ગ્રીષ્મના આરંભે માળા બનાવે છે. જમીનથી 7થી 8 હાથ ઊંચે આડા ડાળાની ઉપલી ધારના આધારે ઘાસનાં તણખલાં, ઝાડની અંતરછાલ ગોઠવી ઊંડા પ્યાલા આકારનો નાજુક ને સરળ માળો બનાવી તેમાં કરોળિયાની મુલાયમ જાળ પાથરે છે. પછી ઉપર આછી બદામી છાંટ સાથેનાં ધોળા રંગનાં 2થી 3 ઈંડાં મૂકે છે.

બળદેવભાઈ કનીજિયા