શોલે : ભારતમાં ખૂબ લોકપ્રિય બનેલું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1975. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-સંસ્થા : સિપ્પી ફિલ્મ્સ. નિર્માતા : જી. પી. સિપ્પી. દિગ્દર્શક : રમેશ સિપ્પી. કથા-પટકથા : સલીમ જાવેદ. ગીતકાર : આનંદ બક્ષી. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : આર. ડી. બર્મન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, હેમા માલિની, અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, સંજીવ કુમાર, અમજદ ખાન, એ. કે. હંગલ, ઇફ્તેખાર, સચિન, અસરાની.

ભારતીય ચલચિત્રોની જ્યારે પણ વાત થાય ત્યારે જો ‘શોલે’નો ઉલ્લેખ ન થાય તો એ વાત અધૂરી કહેવાય એવું સ્થાન આ ચલચિત્રે ભારતીય ચલચિત્રોના ઇતિહાસમાં મેળવી લીધું છે. 2002માં પ્રતિષ્ઠિત બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટે ‘શોલે’ને છેલ્લાં 70 વર્ષોમાં એશિયન દેશોમાં બનેલાં ચિત્રોમાં સૌથી શ્રેષ્ઠ ચિત્ર જાહેર કર્યું હતું. ‘શોલે’ની ગણના એવા પ્રથમ ભારતીય ચલચિત્ર તરીકે થાય છે, જેમાં નાયકો કરતાં ખલનાયકને મહિમામંડિત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ચિત્રનો ખલનાયક ગબ્બરસિંહ પડદા  પર આવે ત્યારે એક વિશિષ્ટ સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

‘શોલે’નું એક રોમાંચક દૃશ્ય

ગામનો એક ઠાકુર બે બદમાશોની મદદથી ડાકુઓનો મુકાબલો કરે છે. આ કથાબીજની આસપાસ ‘શોલે’ની વાર્તા રચાયેલી છે. અંગ્રેજી ચલચિત્ર ‘સેવન સમુરાઈ’થી માંડીને 36 જેટલાં જુદાં જુદાં ચિત્રોની અસર આ ચલચિત્રની પટકથા પર હોવાનું મનાતું રહ્યું છે. આ ચલચિત્ર તેની મજબૂત પટકથા ઉપરાંત કલ્પનાશીલ દિગ્દર્શન, મુખ્ય પાત્રોને આગવી ખાસિયતો આપતું મજબૂત પાત્રાલેખન તથા અર્થપૂર્ણ અને ચોટદાર સંવાદોને કારણે લોકપ્રિયતા તથા સફળતાની બાબતમાં સીમાચિહ્નરૂપ બની ગયું. ‘શોલે’એ ટિકિટબારી પર આવકથી માંડીને એક જ થિયેટરમાં સૌથી લાંબો સમય પ્રદર્શિત થવા જેવા ઘણા વિક્રમો સર્જ્યા હતા. 15મી ઑગસ્ટ 1975થી 10મી ડિસેમ્બર 1980 સુધી મુંબઈના મિનરવા થિયેટરમાં આ ફિલ્મ સતત દર્શાવાઈ હતી. છેલ્લાં બે વર્ષ તે મેટિની શોમાં ચાલી હતી. ‘શોલે’ ચિત્ર દર્શાવાયું એ દરમિયાન મિનરવા થિયેટરના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હતું કે લાગલગાટ 75 અઠવાડિયાં સુધી તેના ચાલુ ખેલ માટેની ટિકિટબારી ખૂલી જ નહોતી. ‘શોલે’ કોલકાતાના જ્યોતિ સિનેમામાં 103 સપ્તાહ પ્રદર્શિત થતા ઉપરાંત દેશભરમાં ત્રણ થિયેટરોમાં તેણે હીરક જયંતી, 60માં સુવર્ણ જયંતી અને 26માં રજત જયંતી ઊજવી હતી. એકમાત્ર ગયાના ગૌતમ બુદ્ધ થિયેટરમાં તે 12 સપ્તાહ ચાલ્યું હતું. 2004માં આ ચિત્રને આધુનિક ડિજિટલ તકનીકનો ઉપયોગ કરીને પુન:પ્રદર્શિત કરાયું છે.

હરસુખ થાનકી