શૉર્લ (Schorl) : ટુર્મેલિન સમૂહનું ખનિજ. રાસાયણિક બંધારણ : Na(Fe, Mn)3Al6B3Si6O27(OH, F)4. સ્ફટિકવર્ગ : હેક્ઝાગૉનલ. સ્ફટિકસ્વરૂપ : સ્ફટિકો ટૂંકાથી લાંબા પ્રિઝમ સ્વરૂપોવાળા, ચપટી પાતળી પતરીઓમાં પણ હોય. ફલકો ઊભા સળવાળા હોય, સોયાકાર પણ મળે. મોટેભાગે 3, 6 કે 9 બાજુઓવાળા. સામાન્યત: અર્ધસ્ફટિકસ્વરૂપી હોય. સ્ફટિકો ક્યારેક છૂટા છૂટા તો ક્યારેક અન્યોન્ય સમાંતર કે વિકેન્દ્રિત જૂથમાં પણ મળે. આ ઉપરાંત તે દળદાર, ઘનિષ્ઠ; સ્તંભાકારથી રેસાદાર પણ હોય. યુગ્મતા કે ફલકો પર, પરંતુ તે વિરલ હોય છે. કઠિનતા : 7. ઘનતા : 3.10થી 3.25. સંભેદ : પર અસ્પષ્ટ. પ્રભંગ : ખરબચડાથી વલયાકાર, બરડ. રંગ : કાળો, કથ્થાઈ કાળો, ભૂરો કાળો. પારભાસકથી અપારદર્શક. ચમક : કાચમયથી રાળમય. ચૂર્ણરંગ : રંગવિહીન. પ્રકાશીય અચલાંક : ω = 1.6555થી 1.675; ∈= 1.625થી 1.650. પ્રકાશીય સંજ્ઞા : −Ve.

પ્રાપ્તિસ્થિતિ : બહુધા ગ્રૅનાઇટપેગ્મેટાઇટમાં લાક્ષણિક ખનિજ તરીકે. કેટલાક ગ્રૅનાઇટમાં, કેટલાક વિકૃત ખડકોમાં, ઉષ્ણબાષ્પીય શિરાઓમાં અને કણશ: વિસ્થાપિત ખડકોમાં મળે. આ ઉપરાંત તે કણજન્ય ખનિજ તરીકે પણ મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ.નાં કૅલિફૉર્નિયા, કૉલોરેડો, દક્ષિણ ડાકોટા, પેન્સિલવેનિયા, મેઇન, ન્યૂ હૅમ્પશાયર, મૅસેચૂસેટ્સ, ન્યૂયૉર્ક, કનેક્ટિકટ, ન્યૂ જર્સી અને ઉત્તર કૅરોલિના રાજ્યોમાં; કૅનેડા, મેક્સિકો, બ્રાઝિલ, ગ્રીનલૅન્ડ, નૉર્વે, ઇંગ્લૅન્ડ, ચેકોસ્લોવૅકિયા, રશિયા, માડાગાસ્કર, જાપાન અને ઑસ્ટ્રેલિયામાંથી મળે છે.

ગિરીશભાઈ પંડ્યા