શોરી મિયાં
January, 2006
શોરી મિયાં (જ. ઝંગસિયાલ, પંજાબ; અ. 19મી સદી પૂર્વાર્ધ, લખનૌ) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ઉપશાસ્ત્રીય શૈલીમાં ગવાતા ‘ટપ્પા’ પ્રકારના સર્જક કલાકાર. શોરી મિયાંને સંગીતનો ખૂબ જ શોખ હતો; પરંતુ તેમનો અવાજ ઘણો પાતળો હોવાને કારણે ખ્યાલ ગાયકી માટે અનુકૂળ ન હતો. તેથી પોતાના અવાજને યોગ્ય હોય તેવી ગાયનશૈલીનું સર્જન કરવાનો તેમણે પ્રયત્ન કર્યો, જેમાંથી ટપ્પાનો ઉદ્ભવ થયો.
તેમણે પંજાબી ભાષામાં ગીતો રચ્યાં અને પોતાની વિશિષ્ટ તાનપ્રધાન શૈલીમાં તે ગાયાં પણ ખરાં, જે ‘ટપ્પા’ નામથી પ્રચલિત થયાં. આજે પણ ટપ્પાની મોટાભાગની બંદિશો શોરી મિયાંની રચેલી જ સાંભળવા મળે છે.
શોરી મિયાંનું મૂળ નામ ગુલામનબી તથા તેમના પિતાનું નામ ગુલામરસૂલ હતું. સંગીતનું શિક્ષણ શોરી મિયાંએ પોતાના પિતા પાસેથી લીધું હતું; જે લખનૌના રહેવાસી અને નવાબ આસિફુદૌલાના સમકાલીન હતા. તેઓ સ્વભાવે ઘણા જ નમ્ર તથા સાધુવૃત્તિ ધરાવનાર હતા. એક વાર શોરી મિયાંના શ્રુતિમધુર ગાયનથી ખુશ થઈને નવાબ આસિફુદ્દૌલાએ તેમને મોટું ઇનામ આપ્યું; પણ રાજદરબારથી ઘરે પહોંચતાં પહોંચતાં તો શોરી મિયાંએ બધું ધન ફકીરોમાં વહેંચી દીધું. નવાબસાહેબને જાણ થતાં એમણે ફરીથી એટલું જ ઇનામ ઘરે પહોંચતું કર્યું.
શોરી મિયાંની ગાયકી અતિદ્રુત તાનોયુક્ત તથા ઝમકદાર હતી. તેમને કોઈ સંતાન ન હતું, પરંતુ મમ્મૂ નામનો તેમનો એક પ્રતિભાશાળી શિષ્ય થઈ ગયો છે.
નીના જયેશ ઠાકોર