શોભાકર મિત્ર : ભારતીય અલંકારશાસ્ત્રી. શોભાકર કાશ્મીરી લેખક હતા. તેમના પિતાનું નામ ત્રયીશ્વર હતું અને તેઓ પ્રધાન હતા. એમણે રચેલો ‘અલંકારરત્નાકર’ નામનો ગ્રંથ કાશ્મીરમાં ખૂબ પ્રચલિત થયો હશે, કારણ કે યશસ્કર નામના કવિએ શોભાકરના ગ્રંથ ‘અલંકારરત્નાકર’નાં સૂત્રોનાં ઉદાહરણો ક્રમ મુજબ આપતું ‘દેવીશતક’ નામનું કાવ્ય લખ્યું છે.

તેમણે રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ નામના ગ્રંથનું ખંડન પોતાના ‘અલંકારરત્નાકર’માં કર્યું છે તેથી તેઓ 12મી સદીમાં થઈ ગયેલા રુય્યક પછી થઈ ગયા એમ કહી શકાય. જ્યારે શોભાકરના ‘અલંકારરત્નાકર’નું ખંડન રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર ‘અલંકારવિમર્શિની’ નામની ટીકામાં તેના લેખક જયરથે કર્યું છે. જયરથનો સમય 13મી સદીની આસપાસનો હોવાથી શોભાકરનો સમય 12મી-13મી સદીની વચ્ચેનો નક્કી કરી શકાય. 16મી સદીમાં થયેલા અપ્પય્ય દીક્ષિત અને જગન્નાથે પણ શોભાકરના ઉલ્લેખો કર્યા છે તેથી 1250ની આસપાસ શોભાકર જીવતા હશે એમ માની શકાય.

તેમનો ‘અલંકારરત્નાકર’ ફક્ત કાવ્યના અલંકારોની ચર્ચા કરતો ગ્રંથ છે. તે સમયે પ્રચલિત 80 જેટલા પુરોગામીઓએ ગણાવેલા અલંકારોની ચર્ચા તેમણે કરી છે. એ ઉપરાંત પોતે કેટલાક અલંકારોને આમેજ કર્યા છે. એ રીતે કુલ 111 અલંકારો તેમણે આપ્યા છે. રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ની જેમ સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણની શૈલી આખા ગ્રંથમાં તેમણે અપનાવી છે; પરંતુ રુય્યકે પરંપરાનું અનુસરણ કર્યું છે, તેના બદલે શોભાકરે પરંપરાનું ખંડન કરી મૌલિક વિચારો રજૂ કર્યા છે એમાં લેખકની વિદ્વત્તા અને કુશાગ્ર બુદ્ધિનાં દર્શન થાય છે. રુય્યકનું ખંડન કરવા છતાં તેમના પ્રત્યે કોઈ કડવાશ દેખાતી નથી. અપ્પય્ય દીક્ષિતનું ખંડન કડવાશથી કરનારા જગન્નાથે પણ શોભાકરના મૌલિક અને વજનદાર અભિપ્રાયોને સંમતિ આપી છે. આમ શોભાકર સ્વતંત્ર વિચારક છે. શોભાકર ધ્વનિવાદી હોવા છતાં કાવ્યમાં અલંકારોનું સ્થાન મહત્વનું છે એમ માને છે. પરિણામે પરંપરાનું બેધડક રીતે ખંડન કરનારા શોભાકરનું પ્રદાન અલંકારશાસ્ત્રમાં અગત્યનું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી