શોફર, નિકોલસ (Schöffer, Nicolas) (. 6 સપ્ટેમ્બર 1912, કાલોક્સા, હંગેરી; 8 જાન્યુઆરી 1992, પૅરિસ) : યાંત્રિક ઉપકરણો વડે શિલ્પોમાં ગતિ, અવાજ અને પ્રકાશ ગોઠવવા માટે જાણીતા ફ્રેંચ શિલ્પી.

બુડાપેસ્ટ ખાતેની સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1922થી 1924 સુધી શોફરે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1925માં તેઓ પૅરિસ ગયા અને ત્યાંની ઇકોલે દ બ્યુ-આર્તે નામની કલાશાળામાં તેમણે કલા-અભ્યાસ પૂરો કર્યો. 1948માં તેમણે ફ્રેંચ નાગરિકત્વ મેળવ્યું. 1941થી 1951 સુધી તેમણે ધાતુ ગાળવાની ભઠ્ઠીઓમાં અને હોટેલોમાં વેઇટર તરીકેની નોકરીઓ કરી જીવનનિર્વાહ કર્યો.

શોફરે 1935થી કન્સ્ટ્રક્ટિવિસ્ટ શૈલીમાં ધાતુ, કાષ્ઠ અને કાચના માધ્યમમાં ચોસલાકાર એકમો વડે શિલ્પો સર્જવા માંડ્યાં. પછીથી તેમણે એવાં અમૂર્ત શિલ્પો સર્જ્યાં, જેમાં મોટરની મદદથી શિલ્પનું હલનચલન થાય, તેમાંથી અવાજો સંભળાય તથા તેના કેટલાક ભાગ તેજથી ઝળહળી ઊઠે.

અમિતાભ મડિયા