શોણ (નદી) : છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જિલ્લામાં વહેતી નદી. ગંગાની સહાયક નદીઓ પૈકીની એક. દક્ષિણ તરફથી નીકળીને શરૂઆતમાં તે માનપુર નજીકથી પસાર થાય છે ત્યારે તેનો પ્રવાહપથ ઉત્તર તરફનો રહે છે, પરંતુ પછીથી તે રેવા જિલ્લાને વીંધે છે ત્યારે તે ઈશાનતરફી વળાંક લે છે. આ નદી કૈમુર પર્વતમાળાને કોતરીને આગળ વધે છે. 784 કિમી. જેટલી લંબાઈમાં વહીને તે પટણા નજીક ગંગાને મળે છે. ભૂસ્તરીય દૃષ્ટિએ જોતાં, અહીંથી નૈર્ઋત્ય તરફ વહેતી નર્મદા જે પ્રકારના ખડકપ્રદેશમાંથી પસાર થાય છે, લગભગ એ જ પ્રકારના પ્રાદેશિક ખડકોમાંથી શોણ નદી પણ વહે છે. આ નદીનો ખીણપ્રદેશ જંગલોથી આચ્છાદિત છે, તેથી તેને કાંઠે વસ્તીનું પ્રમાણ ઘણું જ ઓછું છે. આ નદી ઉત્તર તરફ કૈમુર હારમાળાથી અને દક્ષિણ તરફ છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશથી ઘેરાયેલી છે. તેના પટમાં જળપ્રવાહ મોસમ પૂરતો રહેતો હોવાથી તે જળવ્યવહાર માટે ઉપયોગી નથી. તેની કેટલીક સહાયક નદીઓ પર બંધ બાંધવામાં આવેલા છે. ઉત્તરપ્રદેશના દેહરી ખાતે શોણ નહેર-વ્યવસ્થાનું મુખ્ય મથક આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા