શોણિતપુર : આસામ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26° 37´ ઉ. અ. અને 92° 48´ પૂ. રે.ની આજુબાજુનો 5,324  ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમે આવે છે. તેની ઉત્તરે અરુણાચલ પ્રદેશ, પૂર્વે લખીમપુર અને જોરહટ જિલ્લા, દક્ષિણે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા તથા પશ્ચિમે દારાંગ જિલ્લો આવેલા છે. જિલ્લામથક તેજપુર, જિલ્લાના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલું છે.

શોણિતપુર

ભૂપૃષ્ઠજળપરિવાહઆબોહવા : સાંકડી ભૂમિપટ્ટી રૂપે પથરાયેલા આ જિલ્લાની ઉત્તર-દક્ષિણ પહોળાઈ 40 કિમી. જેટલી છે. જિલ્લાની ઉત્તર તરફ જતાં ભૂપૃષ્ઠની ઊંચાઈમાં વધારો થતો જાય છે. ઉત્તરે આવેલી ટેકરીઓ સતત લીલાં જંગલોથી છવાયેલી છે. બ્રહ્મપુત્ર અહીંની સૌથી મહત્વની નદી છે, તે જિલ્લાની દક્ષિણ સીમા પરથી પસાર થાય છે. નદીને કાંઠે પશ્ચિમ ભાગમાં ‘બેહાલી’ અને ‘વિશ્વનાથ’ નામથી ઓળખાતાં ફળદ્રૂપ મેદાનો પથરાયેલાં છે. કેટલીક જગાએ ડાંગરનાં છૂટાંછવાયાં ખેતરો જોવા મળે છે. અહીં ઊંચાં ઘાસનાં જંગલો પણ છે. જિલ્લામાં નાનાં-મોટાં તળાવો પણ આવેલાં છે. અહીંનું ઉનાળા અને શિયાળાનું સરેરાશ તાપમાન અનુક્રમે 25° સે. અને 22° સે. જેટલું રહે છે. જિલ્લામાં સરેરાશ વાર્ષિક વરસાદ 2,000 મિમી. જેટલો પડે છે.

ખેતીપશુપાલન : બ્રહ્મપુત્ર નદીએ રચેલાં કાંપ-માટીનાં ફળદ્રૂપ મેદાનોમાં વર્ષમાં ત્રણ વાર ડાંગરની ખેતી થાય છે. ડાંગર આ જિલ્લાનો મુખ્ય કૃષિપાક છે. આ ઉપરાંત અહીં મકાઈ, ઘઉં, બાજરી, તલ, શેરડી, રબર, ચા, શણ અને કઠોળની ખેતી પણ થાય છે. ખેતીની સાથે ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડા અને ભુંડનું પાલન, મરઘાં-બતકાંઉછેર અને માછીમારીની પ્રવૃત્તિઓ પણ ચાલે છે. નદી-તળાવોમાંથી વિવિધ પ્રકારની માછલીઓ મેળવાય છે. શેતૂરનાં વૃક્ષો પર આધારિત રેશમના કોશેટા ઉછેરવાની પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન અપાય છે.

ઉદ્યોગવેપાર : ઔદ્યોગિક અને વ્યાપારિક દૃષ્ટિએ તેજપુર, ભોમોરાગુરિ અને વિશ્વનાથ અહીંનાં મહત્વનાં શહેરો છે. જિલ્લાના મોટાભાગના લોકો ખેતી ઉપરાંત જંગલપેદાશો તેમજ ગૃહઉદ્યોગો દ્વારા આવકવૃદ્ધિ કરે છે. ચટિયા સિરેમિક અને પિત્તળની વસ્તુઓ બનાવવાનું મુખ્ય કેન્દ્ર છે. તેજપુર જિલ્લામથક હોવા ઉપરાંત તે જંગલઆધારિત પેદાશો, કૃષિપેદાશો તથા હસ્તકારીગરીની ચીજોનું મુખ્ય મથક પણ છે. ધેકિયાજુલી ખાતે ડાંગર છડવાની તથા લાકડાં વહેરવાની મિલો આવેલી છે. આ ઉપરાંત અહીં ખાંડનાં કારખાનાં તેમજ સુતરાઉ કાપડના એકમો પણ વિકસ્યાં છે. તેજપુર, વિશ્વનાથ, ધેકિયાજુલી અને ચારીદુર અહીંનાં મહત્વનાં વેપારી મથકો છે. અહીંથી નિકાસ થતી વસ્તુઓમાં ડાંગર, ચોખા, ચા, શણ અને સિંગખોળ તથા આયાત થતી વસ્તુઓમાં ખાંડ, કઠોળ, કાપડ, યંત્રસામગ્રી, તમાકુ અને મીઠાનો સમાવેશ થાય છે.

પરિવહન : જિલ્લા વહીવટી મથક તેજપુર પાકા રસ્તા, રેલમાર્ગ અને હવાઈમાર્ગથી જોડાયેલું છે. તેજપુરથી 63 કિમી.ને અંતરે ચટિયા રેલમથક આવેલું છે. આ બંને નૉર્થ ટ્રંકરોડનાં મથકો છે. આ માર્ગ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 32 સાથે સંકળાયેલો છે. અહીંના પાકા માર્ગોની લંબાઈ આશરે 2,000 કિમી. જેટલી છે. આ જિલ્લામાં ઈશાની રેલ-વિભાગના રેલમાર્ગો આવેલા છે. સોલોની અહીંનું મહત્વનું હવાઈ મથક છે. સીલઘાટથી તેજપુર સુધીના જળમાર્ગની ‘ફેરીસેવા’ પણ ઉપલબ્ધ છે. બ્રહ્મપુત્ર નદી પર આવેલો પુલ સીલઘાટને સાંકળે છે.

પ્રવાસન : બ્રહ્મપુત્ર નદીને ઉત્તર કાંઠે વસેલું આજનું તેજપુર પ્રાચીન કાળમાં શોણિતપુર (લોહીનું શહેર – City of Blood) તરીકે ઓળખાતું હતું. આજે તો તે એક આધુનિક કક્ષાનું શહેર બની રહ્યું છે. તેના કુદરતી સૌન્દર્યને કારણે તે પ્રવાસી મથક તરીકે વિકસ્યું છે. અહીંની ટેકરીઓ, વનરાજી તેમજ ચાના બગીચાઓને કારણે પ્રકૃતિપ્રેમીઓ અહીં પ્રવાસ માટે આવવા પ્રેરાય છે. વળી અહીં ઘણાં પ્રાચીન સ્થાપત્યો પણ આવેલાં છે, તે પૈકી તેજપુર ખાતે તેમજ જિલ્લામાં અગ્નિઘર બમુનિ હિલ, મહાભૈરવ મંદિર, દા પરબતિયા, હઝારા પુખુરી (તળાવ), કોલે પાર્ક અને ભાલુકપુંગ, ભોમોરાગુરી, ઓરંગ અભયારણ્ય, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (અભયારણ્ય) જોવાલાયક છે. અહીંનાં આ બે અભયારણ્યોમાં એકશૃંગી ગેંડો, જંગલી ભેંસ, દીપડા, સાબર, શિયાળ, હરણ, વાઘ, જંગલી હાથી તેમજ વિવિધ પક્ષીઓ જોવા મળે છે. ભાલુકપુંગ ખાતે વિશિષ્ટ આકારનાં રંગબેરંગી ફૂલોનો બગીચો છે. અહીં ગરમ પાણીનો ઝરો પણ છે. બ્રહ્મપુત્ર નદી પર આશરે 3 કિમી. લંબાઈનો એક પુલ આવેલો છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 16,77,874 જેટલી છે. અહીં શહેરી વસ્તી કરતાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ અધિક છે. જિલ્લામાં આદિવાસીઓનું અને પછાત જાતિના લોકોનું પ્રમાણ પણ વિશેષ છે. જિલ્લામાં બૌદ્ધ, ખ્રિસ્તી, હિન્દુ અને મુસ્લિમ લોકો વસે છે. અહીંના લોકો આસામી ભાષા બોલે છે. લગભગ દરેક ગામમાં પ્રાથમિક શાળાની સગવડ છે. જિલ્લામથકે વિવિધ વિદ્યાશાખાઓની કૉલેજો સ્થાપવામાં આવી છે. લગભગ દરેક ગામમાં પ્રાથમિક સારવાર-કેન્દ્રો ઊભાં કરાયાં છે. તેજપુર ખાતે એક અદ્યતન હૉસ્પિટલ પણ છે.

ઇતિહાસ : શ્રીકૃષ્ણના સમકાલીન મહાશક્તિશાળી દાનવ બાણાસુરની રાજધાનીનું નામ. બાણાસુર રાજા બલિના 100 પુત્રોમાં સૌથી મોટો, વીર તથા પરાક્રમી હતો. ઘોર તપ કરીને તેણે શંકર ભગવાનને પ્રસન્ન કરીને તેમની પાસેથી વરદાન મેળવ્યું હતું. આ બાણાસુરની પુત્રી ઉષા(ઓખા)ની સાથે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું લગ્ન થયું હતું. તે પછી તેઓ રહ્યા તે પ્રદેશ ઓખામંડળ નામે ઓળખાયો. મધ્યપ્રદેશમાં ઇટારસીથી થોડે દૂર સુહાગપુરની પાસે પ્રાચીન શોણિતપુર છે. ત્યાં નૃસિંહ ભગવાનનું એક પ્રાચીન મંદિર છે.

શોણિતપુરની નજીક પંચમઢી આવેલું છે. ત્યાં જટાશંકર મહાદેવનું મંદિર છે. કહેવાય છે કે, હિરણ્યકશિપુએ અહીં મહાદેવની આરાધના કરી હતી. તેની પાસે જ નાગદ્વારીની જલભરી ગુફા છે. તેમાં મોટા મોટા સાપ રહે છે.

નીતિન કોઠારી

મુગટલાલ પોપટલાલ બાવીસી